જેમાઇમાએ વિમેન્સ એશિયા કપમાં ભારતને જિતાડ્યું

02 October, 2022 07:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયાના ૧૫૦ રનના જવાબમાં શ્રીલંકાની ટીમ ૧૮.૨ ઓવરમાં ૧૦૯ રને ઑલઆઉટ

જેમાઇમાએ વિમેન્સ એશિયા કપમાં ભારતને જિતાડ્યું

જેમાઇમા રૉડ્રિગ્સની કરીઅરની શ્રેષ્ઠ ઇનિંગ્સને કારણે ભારતે બંગલા દેશમાં રમાઈ રહેલી વિમેન્સ એશિયા કપની શ્રીલંકા સામેની ગઈ કાલની પહેલી મૅચ ૪૧ રનથી જીતી લીધી હતી.  સિલ્હટમાં રમાયેલી પહેલી મૅચમાં મુંબઈની ખેલાડી જેમાઇમાએ ૫૩ બૉલમાં એક સિક્સર અને ૧૧ ફોરની મદદથી ૭૬ રન કર્યા હતા. પરિણામે ભારતે ૬ વિકેટે ૧૫૦ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય બોલરોએ નિયમિત અંતરથી વિકેટ ઝડપીને શ્રીલંકાને ૧૮.૨ ઓવરમાં ૧૦૯ રનમાં ઑલઆઉટ કરી દીધી હતી. ભારતીય ટીમ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં શ્રીલંકા કરતાં ચડિયાતી સાબિત થઈ હતી.

જોકે ભારતની શરૂઆત સારી નહોતી થઈ. વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાના (૬) સૌથી પહેલાં આઉટ થઈ હતી. ત્યાર બાદ ઓપનર શેફાલી વર્મા (૧૦)નું ખરાબ ફૉર્મ યથાવત્ રહ્યું હતું, પરંતુ કાંડાની ઈજામાંથી બહાર આવનાર જેમાઇમાએ કૅપ્ટન હરમનપ્રીત કૌર (૩૩ રન) સાથે મળીને ૭૧ બૉલમાં ૯૨ રનની પાર્ટનરશિપ કરી હતી.

શ્રીલંકાએ પહેલી ઓવરમાં ૧૩ રન કરીને સારી શરૂઆત કરી હતી, પરંતુ ત્યાર બાદ નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા (૧૫ રનમાં બે વિકેટ)એ અનુભવી ચામરી (પાંચ)ની વિકેટ સ્લો બૉલમાં લીધી હતી. શ્રીલંકાની બે ખેલાડી રનઆઉટ થઈ હતી. રનરેટ વધતાં શ્રીલંકાની ટીમ દબાણમાં આવી ગઈ હતી.

બૅન્ગલોરની તૈયારી કામ આવી

ઈજા બાદ વાપસી કરનાર જેમાઇમાએ કહ્યું કે ‘પિચ પર બૉલ નીચે રહેતો હતો. શરૂઆતમાં ટર્ન નહોતો થતો, બાદમાં ટર્ન પણ થવા લાગ્યો, પરંતુ બૅન્ગલોરમાં આવી ધીમી અને ટર્ન થતી પિચો પર કરેલો અભ્યાસ કામ આવ્યો હતો. મુંબઈનો પણ આભાર. ત્યાં પણ આવી જ ગરમી છે જેવી અહીં જોવા મળે છે. ઈજાને કારણે હું બહુ નિરાશ હતી, પરંતુ મારા પેરન્ટ્સ, કોચ અને ટ્રેઇનરનો આભાર માનું છું જેમણે મને મદદ કરી. 

sports news cricket news indian cricket team