ઇન્ડિયા ‘એ’ની જીત અને ટાઇ બન્નેમાં ઉનડકટ હીરો

22 September, 2012 06:46 AM IST  | 

ઇન્ડિયા ‘એ’ની જીત અને ટાઇ બન્નેમાં ઉનડકટ હીરો


લિંકન:

અભિનવ મુકુંદના નેતૃત્વમાં ઇન્ડિયા ‘એ’ની ટીમે બુધવારની પ્રથમ મૅચમાં વિજય મેળવ્યો હતો અને પછી ગઈ કાલે બીજી મૅચ ટાઇ કરાવી હતી.

બુધવારની જીતમાં ભારત વતી એક ટેસ્ટમૅચ રમી ચૂકેલા લેફ્ટી પેસબોલર જયદેવ ઉનડકટનું ૪ વિકેટ સાથે સૌથી મોટું યોગદાન હતું. ગઈ કાલે પણ તેની ૪ વિકેટ ઇન્ડિયા ‘એ’ને મૅચ ટાઇ કરાવવામાં મદદરૂપ થઈ હતી.

ઇન્ડિયા ‘એ’નો ૩ વિકેટે વિજય

બુધવારની પ્રથમ વન-ડેમાં ઇન્ડિયા ‘એ’ની ટીમે ૧૬ બૉલ બાકી રાખીને ૩ વિકેટે વિજય મેળવ્યો હતો. ન્યુ ઝીલૅન્ડ ‘એ’ને માત્ર ૧૭૬ રનમાં ઑલઆઉટ કરાવવામાં પોરબંદરના ૨૦ વર્ષના પેસબોલર ઉનડકટે ૪૪ રનમાં ૪ વિકેટ લીધી હતી. પેસબોલર ભુવનેશ્વરકુમાર અને સ્પિનર રાહુલ શર્માએ બે-બે વિકેટ લીધી હતી. ઇન્ડિયા ‘એ’ની ટીમે અન્ડર-૧૯ વર્લ્ડ કપના સુપરસ્ટાર ઉન્મુક્ત ચંદ (૩૨ રન, ૫૮ બૉલ, ૧ સિક્સર, ૩ ફોર) અને કૅપ્ટન મુકુંદ ૨૦ રન, ૩૯ બૉલ, ૧ ફોર)ની ઓપનિંગ જોડીની બાવન રનની ભાગીદારીથી સારી શરૂઆત કરી હતી. જોકે તેમની વિકેટો પછી મનદીપ સિંહ (૩૪ રન, ૬૬ બૉલ, ૨ સિક્સર, ૧ ફોર)ને બાદ કરતા મિડલ-ઑર્ડર પણ તૂટી પડ્યો હતો. અંબાતી રાયુડુ (૨૬ નૉટઆઉટ, ૫૭ બૉલ) અને રાહુલ શર્મા (૩૧ રન, ૩૩ બૉલ, ૨ સિક્સર, ૩ ફોર)ની સાતમી વિકેટ માટેની ૪૦ રનની પાર્ટનરશિપે ભારતીય ટીમને વિજયના દ્વાર સુધી પહોંચાડ્યું હતું.

ભારતની હાર બની ટાઇ

ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ ‘એ’ની ટીમે ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૪૯ રન બનાવ્યા હતા. ઉનડકટે ૪ વિકેટ ૪૭ રનમાં લીધી હતી. વિનયકુમાર, ભુવનેશ્વરકુમાર, રાહુલ શર્મા અને સૂર્યકુમાર યાદવે એક-એક વિકેટ લીધી હતી.

ભારતને જીતવા માટે ૨૫૦ રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ મૅચમાં પણ ઉન્મુક્ત ચંદ (૨૩ રન, ૪૮ બૉલ, ૩ ફોર) અને અભિનવ મુકુંદ (૬૬ રન, ૮૩ બૉલ, ૨ સિક્સર, ૪ ફોર) વચ્ચે બાવન રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી. ફરી એક વાર મિડલ-ઑર્ડર તૂટી પડ્યો હતો, પરંતુ એમાં નમન ઓઝા (૬૨ રન, ૬૬ બૉલ, ૩ સિક્સર, ૪ ફોર) અને અંબાતી રાયુડુ (૪૬ નૉટઆઉટ, ૪૧ બૉલ, ૫ ફોર) અપવાદ હતા. તેમની આક્રમક ઇનિંગ્સને કારણે ઇન્ડિયા ‘એ’ જીતની લગોલગ પહોંચી શક્યું હતું.

૪૮ ઓવરને અંતે ભારતનો સ્કોર ૯ વિકેટે ૨૪૧ રન હતો ત્યારે બૅડલાઇટને કારણે અમ્પાયરોએ મૅચ બૅડલાઇટને કારણે બંધ કરાવી ત્યારે ન્યુ ઝીલૅન્ડ ‘એ’ને એક રનથી વિજેતા જાહેર કર્યું હતું. જોકે ભારતીય ટીમના વિરોધ પછી ડકવર્થ/લુઇસ સિસ્ટમ ચકાસવામાં આવી હતી અને એ મુજબ ટાર્ગેટ બદલીને ૪૮ ઓવરમાં ૨૪૧ રનનો કરવામાં આવ્યો હતો જે પ્રમાણે મૅચ ટાઇ થઈ હતી, કારણ કે ભારતના ૪૮ ઓવરમાં ૨૪૧ રન જ હતા. લેફ્ટી પેસબોલર ઍન્ડી મકાયે ૫૦ રનમાં પાંચ વિકેટ લીધી હતી.