T20ની ડેથ ઓવર્સની બોલિંગમાં મલિન્ગા વર્લ્ડનો બેસ્ટ : જયવર્દને

28 September, 2012 06:04 AM IST  | 

T20ની ડેથ ઓવર્સની બોલિંગમાં મલિન્ગા વર્લ્ડનો બેસ્ટ : જયવર્દને



પલ્લેકેલ : શ્રીલંકાએ ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ સામે સુપર એઇટ્સની મૅચ ટાઇ થયા પછી સુપરઓવરમાં લસિથ મલિન્ગાના સુપર બોલિંગ-પફોર્મન્સથી રોમાંચક જીત મેળવી હતી. કૅપ્ટન માહેલા જયવર્દનેએ મલિન્ગાને ડેથ ઓવર્સની બોલિંગમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર ગણાવ્યો હતો.

કિવીઓએ સુપરઓવરમાં જીતવા ૧૪ રન બનાવવાના હતા, પરંતુ મલિન્ગાએ મૅક્લમ અને ગપ્ટિલને માત્ર ૭ રન કરવા દીધા હતા અને એ ઓવરમાં ગપ્ટિલની રનઆઉટમાં વિકેટ પણ પડી હતી.

મુખ્ય મૅચમાં ન્યુ ઝીલૅન્ડે ઓપનર રૉબ નિકોલ (૫૮ રન, ૪૦ બૉલ, ૪ સિક્સર, ૩ ફોર)ની અને માર્ટિન ગપ્ટિલ (૩૮ રન, ૩૦ બૉલ, ૬ ફોર)ની ફટકાબાજીની મદદથી ૭ વિકેટે ૧૭૪ રન બનાવ્યા હતા. નુવાન કુલસેકરા અને નવા ઑફ સ્પિનર અકિલા દનંજયે બે-બે વિકેટ લીધી હતી. મલિન્ગાને એક જ વિકેટ મળી હતી. શ્રીલંકાએ પણ ૬ વિકેટે ૧૭૪ રન બનાવતાં મૅચ ટાઇ થઈ હતી. ટિમ સાઉધીની છેલ્લી ઓવરમાં જીતવા ૮ રન કરવાના હતા, પરંતુ ૭ થયા હતા અને એક વિકેટ પણ પડી હતી. મૅન ઑફ ધ મૅચ તિલકરત્ને દિલશાન (૭૬ રન, ૫૩ બૉલ, ૩ સિક્સર, ૫ ફોર) અને જયવર્દને (૪૪ રન, ૨૬ બૉલ, ૩ સિક્સર, ૩ ફોર) વચ્ચે ૮૦ રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી. જેમ્સ ફ્રૅન્કલિને સૌથી વધુ બે વિકેટ લીધી હતી.