બુમરાહ-શમીના તરખાટ પછી ઓપનરો પાણીમાં બેસી ગયા

13 January, 2022 03:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતને સાઉથ આફ્રિકામાં પહેલી વાર ટેસ્ટ-સિરીઝ જીતવાનો બહુ સારો મોકો ગઈ કાલે જસપ્રીત બુમરાહ (૨૩.૩-૮-૪૨-૫), ઉમેશ યાદવ (૧૬-૩-૬૪-૨) અને ખાસ કરીને મોહમ્મદ શમી (૧૬-૪-૩૯-૨)એ અપાવ્યો હતો,

જસપ્રીત બુમરાહ

ભારતને સાઉથ આફ્રિકામાં પહેલી વાર ટેસ્ટ-સિરીઝ જીતવાનો બહુ સારો મોકો ગઈ કાલે જસપ્રીત બુમરાહ (૨૩.૩-૮-૪૨-૫), ઉમેશ યાદવ (૧૬-૩-૬૪-૨) અને ખાસ કરીને મોહમ્મદ શમી (૧૬-૪-૩૯-૨)એ અપાવ્યો હતો, પરંતુ પછીથી બીજા દાવની શરૂઆતમાં બૅટર્સે એના પર જાણે પાણી ફેરવી દીધું હતું. ઓપનરો કે. એલ. રાહુલ (૧૦) અને મયંક અગરવાલ (૭) સાવ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. પ્રથમ દાવમાં ભારતીય ટીમને ભારે પડેલા કૅગિસો રબાડા અને માર્કો જેન્સેને આ ઓપનરોના શિકાર કરી લીધા હતા. પહેલી વિકેટ ૨૦ રને અને બીજી ૨૪ રને પડી હતી. ગઈ કાલની મૅચ (બપોરે ૨.૦૦ વાગ્યાથી લાઇવ)માં બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતના બે વિકેટે ૫૭ રન હતા. પુજારા ૯ અને કોહલી ૧૪ રને રમી રહ્યો હતો.
સાઉથ આફ્રિકાના ૨૧૦ રન
એ પહેલાં ભારતના ૨૨૩ રનના જવાબમાં સાઉથ આફ્રિકાએ ૨૧૦ રન બનાવ્યા હતા અને ભારતને માત્ર ૧૩ રનની લીડ મળી હતી.
એક ઓવરમાં બવુમા-વરેઇન આઉટ
બુમરાહે પાંચ, ઉમેશે બે અને શાર્દુલ ઠાકુરે એક વિકેટ લીધી એનાથી હટકે બોલિંગ-પર્ફોર્મન્સ શમીનો હતો જેણે દાવની ૫૬મી ઓવરના બીજા બૉલમાં ટેમ્બા બવુમા (૨૮)ને અને ચોથા બૉલમાં વિકેટકીપર કાઇલ વરેઇન (ઝીરો)ને આઉટ કરીને એક જ ઓવરમાં બાજી ફેરવી નાખી હતી. બવુમાની વિકેટ પહેલાં સાઉથ આફ્રિકાના ૪ વિકેટે ૧૫૯ રન હતા, પરંતુ બવુમા અને વરેઇનની વિકેટ સાથે સ્કોર ૬ વિકેટે ૧૫૯ રન હતો અને ત્યાર બાદ રબાડા (૧૫) અને ઑલિવિયર (૧૦)ના સાધારણ યોગદાનથી યજમાન ટીમનો સ્કોર ૨૦૦ને પાર થયો હતો.
કીગન પીટરસન (૭૨ રન, ૧૬૬ બૉલ, ૨૪૯ મિનિટ, ૯ ફોર) ટીમમાં હાઇએસ્ટ સ્કોરર હતો.
૩૦૦નો લક્ષ્યાંક પણ જિતાડી શકે
ભારત જો કેપ ટાઉનની લો-સ્કોરિંગ પિચ પર ૩૦૦ની આસપાસનો લક્ષ્યાંક યજમાન ટીમને આપશે તો એ કદાચ ભારત માટે પૂરતો ગણાશે. ભારત આટલા ટાર્ગેટની અંદર જ યજમાનોને કદાચ આઉટ કરીને તેમની જ ધરતી પર પહેલી વાર ટેસ્ટ-સિરીઝ જીતી શકશે.

sports news