ટાર્ગેટ કરતાં મને મારી દીકરીની વધુ ચિંતા હતી : જેસન રૉય

19 May, 2019 11:11 AM IST  |  નોટિંગહેમ

ટાર્ગેટ કરતાં મને મારી દીકરીની વધુ ચિંતા હતી : જેસન રૉય

રોેપાકિસ્તાન સામે પાંચ વન-ડે ઇન્ટરનૅશનલ સિરીઝની ચોથી વન-ડેમાં ઇંગ્લૅન્ડે જેસન રૉયના ૮૯ બૉલમાં ૧૧ ફોર અને ૪ સિક્સરની મદદથી ૧૧૪ અને બેન સ્ટોક્સના ૬૪ બૉલમાં નૉટઆઉટ ૭૧ રનની મદદથી ૩૪૧ રનનો ટાર્ગેટ ૩ બૉલ બાકી રાખીને ૩ વિકેટથી જીત મેળવી હતી અને આ સાથે સિરીઝમાં ૩-૦ની અપરાજિત લીડ લઈ લીધી હતી. આ ઇંગ્લૅન્ડની પાકિસ્તાન સામે સતત પાંચમી સિરીઝ- જીત હતી. છેલ્લે તેઓ ૨૦૦૫માં ૨-૩થી હાર્યા હતા.

મૅચની આગલી રાતે દોઢ વાગ્યે જેસન રૉયની દીકરીની તબિયત ખરાબ થતાં હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. રૉય આખી રાત દીકરીની સારવાર માટે તેની પાસે રહ્યો હતો. રૉયે બીબીસી રેડિયોના ‘ટેસ્ટ મૅચ સ્પેશ્યલ’ પ્રોગ્રામમાં કહ્યું કે ‘ટાર્ગેટ ચેઝ કરવા કરતાં મને મારી ડોટરની વધુ ચિંતા હતી. આ એક ઇમોશનલ સેન્ચુરી હતી. મને ખબર જ ન પડી કે મેં ક્યારે સેન્ચુરી પૂરી કરી. હું અને મારો પરિવાર આખી રાત સૂતા નહોતા. હું સવારે સાડાઆઠ વાગ્યે ઘરે આવ્યો, થોડી વાર ઊંધ લીધા પછી સીધો વૉર્મ-અપ માટે ગ્રાઉન્ડ પર પહોંચ્યો અને પછી શાનદાર સેન્ચુરી ફટકારી હતી. અધૂરી ઊંધ છતાં મેં સેન્ચુરી ફટકારીને ટીમને જીત અપાવી એ મારા અને મારા પરિવાર માટે મોટી વાત છે.’

રૉય મૅચ પૂરી થયા પછી સીધો હૉસ્પિટલ પહોંચ્યો હતો. હવે તેની દીકરીની તબિયત સુધારા પર છે. ટૉસ જીતીને ઇંગ્લૅન્ડના કૅપ્ટન જૉસ બટલરે પહેલા ફીલ્ડિંગ કરવાનો નર્ણિય લીધો હતો. પાકિસ્તાને બાબર આઝમની સેન્ચુરીની મદદથી ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૩૪૦ રન બનાવ્યા હતા એના જવાબમાં ઇંગ્લૅન્ડે ૨૭.૨ ઓવરમાં ૨ વિકેટે ૨૦૭ રન બનાવ્યા હતા જેમાં ૧૧૪ તો એકલા જેસન રૉયના હતા.
રૉયની વિકેટ પડતાં ઇંગ્લૅન્ડનો મિની-ધબડકો થયો હતો જેમાં ૧૦ બૉલના સ્પેલમાં ૭ રનમાં ૩ વિકેટ પડી ગઈ હતી. પહેલી મૅચ વરસાદને કારણે અનીર્ણિત રહ્યા બાદ યજમાન ટીમે બીજી અને ત્રીજી વન-ડે આસાનીથી જીતીને સિરીઝમાં ૨-૦ની લીડ લીધી હતી. મોઇન અલી ઝીરો પર આઉટ થતાં ટીમનો સ્કોર પાંચ વિકેટે ૨૧૬ થયો હતો. આક્રમક બૅટ્સમૅન બેન સ્ટોક્સે નૉટઆઉટ ૭૧ રન બનાવીને ઇંગ્લૅન્ડને ૩ વિકેટથી જીત અપાવી હતી.

sports news cricket news england