કૅલિસના શાનદાર પ્રદર્શનથી KKR ફાઇનલમાં

03 October, 2014 06:16 AM IST  | 

કૅલિસના શાનદાર પ્રદર્શનથી KKR ફાઇનલમાં





ઑલરાઉન્ડર જૅક કૅલિસના શાનદાર પ્રદર્શનને લીધે હૈદરાબાદમાં રમાયેલી ચૅમ્પિયન્સ લીગ T20ની પહેલી સેમી ફાઇનલ મૅચમાં હોબાર્ટ હરિકેન્સને ૭ વિકેટે હરાવીને કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)ની ટીમે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. સ્પિન આક્રમણે ઑસ્ટ્રેલિયાની ટીમને માત્ર ૧૪૦ રન જ કરવા દીધા હતા તથા જીતનો ૧૪૧ રનનો લક્ષ્યાંક પાંચ બૉલ બાકી રાખીને મેળવી લીધો હતો.

કૅલિસને ૫૪ રન (અણનમ) કરવા બદલ મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે મનીષ પાંડે સાથે મળીને ત્રીજી વિકેટ માટે ૬૩ રનની પાર્ટનરશિપ કરી હતી તથા યુસુફ પઠાણ સાથે અણનમ ૩૪ રનની પાર્ટનરશિપ કરી હતી. મનીષ પાંડેએ ૬ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૩૨ બૉલમાં ૪૦ રન કર્યા હતા. આ જીત સાથે KKR સમગ્ર ટુર્નામેન્ટની એક પણ મૅચ હારી નથી અને સતત ૧૪ મૅચ જીતવાનો રેકૉર્ડ બનાવ્યો છે.

ટૉસ જીત્યા બાદ હોબાર્ટ હરિકેન્સે બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાની ખેલાડી શોએબ મલિકના ૪૬ બૉલમાં ૬૬ રનને પરિણામે તેઓ ૨૦ ઓવરમાં સન્માનજનક ૧૪૦ રનનો સ્કોર કરી શક્યા હતા. હોબાર્ટ હરિકેન્સના ટૉપ ઑર્ડર સારું પ્રદર્શન નહોતા કરી શક્યા.