પહેલી જ મૅચમાં ઝળક્યો ઐયર

26 November, 2021 01:27 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડ સામેની કાનપુર ટેસ્ટમાં ભારત મજબૂત સ્થિતિમાં, ૧૪૪ રનમાં ૪ વિકેટ પડી ગયાપછી ૨૮૪ રન

જાડેજા અને ઐયર

પોતાની પહેલી મૅચ રમતા શ્રેયસ ઐયરના શાનદાર નૉટઆઉટ ૭૫ રનને કારણે ભારતે કાનપુરમાં શરૂ થયેલી ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી ટેસ્ટમાં ૪ વિકેટે ૨૫૮ રન કર્યા હતા. અનિયમિત ઉછાળવાળી પિચમાં તેણે ૧૩૬ બૉલનો સામનો કરીને ૭ ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી. તે જ્યારે બૅટિંગ કરવા આવ્યો ત્યારે ભારતે ૧૦૬ રનમાં ૩ વિકેટ ગુમાવી હતી.  તેણે કૅપ્ટન અજિંકય રહાણે સાથે (૬૫ બૉલમાં ૩૩ રન) કાઇલ જેમિસન અને ટિમ સાઉધીનો સારી રીતે સામનો કર્યો હતો, જેમણે લંચ પહેલાં ભારતના મિડલ ઑર્ડરની હાલત બગાડી નાખી હતી. રહાણે ૧૪૪ રનના સ્કોરે આઉટ થતાં તેણે ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (૧૦૦ બૉલમાં નૉટઆઉટ ૫૦ રન) સાથે બાજી સંભાળતાં સ્કોરબોર્ડને ફરતું રાખ્યું હતું. જાડેજાએ ૧૭મી હાફ સેન્ચુરી ફટકારી બૅટને તલવારની જેમ ઘુમાવી હતી. ઐયરે રણજી ટ્રોફીની આ સીઝનમાં ૧૦૦૦ કરતાં વધારે રન કર્યા હતા, જેનો લાભ તેને મળ્યો હતો. જેમિસન અને સાઉધીનો સામનો તેણે સાવધાનીપૂર્વક કર્યો હતો. શુભમન ગિલે (૯૩ બૉલમાં ૫૨ રન) સારી શરૂઆત કરી હતી. એવું લાગતું હતું કે તે સદી ફટકારશે, પરંતુ જેમિસને તેને આઉટ કર્યો હતો. જાડેજા અને ઐયર વચ્ચે ૧૧૩ રનની પાર્ટનરશિપ થઈ હતી. 

sports news cricket news test cricket