“ધોની સાથે મારો સંબંધ બાપ-દીકરા જેવો”

26 December, 2016 07:25 AM IST  | 

“ધોની સાથે મારો સંબંધ બાપ-દીકરા જેવો”




ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અત્યારે પોતાની ઈજાને કારણે ફરી એક વાર ચર્ચામાં છે. તે અત્યારે બૅન્ગલોરમાં આવેલી નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં ઘૂંટણની સારવાર લઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશનો ૨૯ વર્ષનો આ બોલર છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમના ફાસ્ટ

બોલિંગ-આક્રમણનો મહત્વનો ખેલાડી છે. મહેન્દ્ર સિંહ ધોની સાથેના સંબંધોની સરખામણી તેણે બાપ-દીકરા વચ્ચેના સંબંધો જેવી કરી હતી. ધોની વિશે સવાલ પૂછવામાં આવતાં મોહમ્મદ શમીએ કહ્યું હતું કે ધોની એક શાનદાર ખેલાડી છે. એના વિશે વધુ શું કહું. ધોની અને હવે વિરાટના નેતૃત્વમાં સમગ્ર ટીમ એકજૂટ થઈને રમે છે. ખેલાડીઓ વચ્ચે ભાઈચારો ટીમની તાકાત છે. પરિવારમાં પણ મતભેદ હોય છે. જોકે ટીમની વિશેષતા એ છે કે તમામ એકબીજાની સફળતાથી ખુશ છે.’

મોહમ્મદ શમીએ ડ્રેસિંગરૂમમાં પોતાના પહેલા અનુભવ વિશે કહ્યું હતું કે ‘મને યાદ છે કે હું પહેલી વખત ટીમમાં આવ્યો હતો. ટીમમાં એક પરંપરા છે કે કોઈ પણ નવો ખેલાડી આવે તો તેણે સ્પીચ આપવાની હોય છે. મારો પણ વારો આવ્યો. હું થોડો નર્વસ હતો. ટીમમાં મારા સિવાય તમામ ખેલાડીઓ એવા હતા જેમનું એક નામ હતું. મને કોઈ નહોતું જાણતું. મને અંગ્રેજી બોલતાં નહોતું આવડતું એથી મેં હિંમત કરીને હિન્દીમાં બોલવાની મંજૂરી માગી. પૂરી ટીમે એકસાથે કહ્યું, એમાં શું નવી વાત છે. મારા જેવા નવા ખેલાડી પ્રત્યે આટલી આત્મીયતા દેખાડવાથી હું ઘણો અભિભૂત થયો હતો.’

પોતાની ઈજા વિશે મોહમ્મદ શમીએ કહ્યું હતું કે ‘હું એવી સ્થિતિમાં પહોંચી ગયો છું જ્યાં થોડો દુખાવો પણ સ્પષ્ટ રીતે અનુભવાય છે. આવી સ્થિતિમાં રમતો રહીને કોઈ પણ પ્રકારનું જોખમ ન ઉઠાવી શકું. ઈજા કરતાં પણ ક્રિકેટથી દૂર રહેવાનું દુખ વધુ પીડા આપે છે અને એથી જ પરિવારથી દૂર રહીને ઈજામાંથી સાજા થવાનો પ્રયાસ કરી રહ્યો છું.’