હવે આ ફાઇનલ છે... ઇન્ડિયાની ફાઇનલમાં ટક્કર બંગલા દેશ સાથે

07 February, 2020 03:33 PM IST  |  Mumbai Desk

હવે આ ફાઇનલ છે... ઇન્ડિયાની ફાઇનલમાં ટક્કર બંગલા દેશ સાથે

આઇસીસી અન્ડર-૧૯ વર્લ્ડ કપની રસાકસીભરી મૅચમાં ગુરુવારે ૬ વિકેટે ન્યુ ઝીલૅન્ડને હરાવીને બંગલા દેશ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચ્યું છે. ફાઇનલમાં તેનો મુકાબલો ચાર વખત વિજેતા રહી ચૂકેલા ભારત સાથે થશે.

મોહમુદુલ હસન જોયે ૧૨૭ બૉલમાં સદી ફટકારતાં બંગલા દેશને ૪૪.૧ ઓવરમાં ૨૧૨ રનનો ટાર્ગેટ પૂરો કરવામાં મદદ મળી હતી.
ઓપનરો સહેલાઈથી આઉટ થઈ ગયા બાદ જોયે પ્રથમ તૌહિદ હૃદોય (૪૦ રન) સાથે અને પછી શહાદત હુસેન (૪૦ અણનમ) સાથે જોડી જમાવી હતી.

હવે ભારત અને બંગલા દેશ વચ્ચેનો મુકાબલો રવિવારે યોજાશે. ભારતની માફક બંગલા દેશ પણ હજી સુધી ટુર્નામેન્ટમાં એક પણ મૅચ હાર્યું નથી.

બંગલા દેશના કપ્તાન અકબર અલીએ જણાવ્યું હતું કે ભારતને હંફાવવા માટે અમારી ટીમે શ્રેષ્ઠ દેખાવ કરવો પડશે.
અલીએ મૅચ બાદ જણાવ્યું હતું કે ‘અમે એક સામાન્ય રમત તરીકે આ મૅચ રમીશું. અમે આ અમારી પ્રથમ ફાઇનલ મૅચ છે એવું પ્રેશર લઈ શકીએ નહીં. ભારતની ટીમ ઘણો સારો દેખાવ કરી રહી છે અને અમારે અવ્વલ દરજ્જાની રમત રમવી પડશે. અમારે ત્રણેય ડિપાર્ટમેન્ટમાં શ્રેષ્ઠ દેખાવ કરવો પડશે. બંગલા દેશના ક્રિકેટ પ્રશંસકો ક્રેઝી છે અને મને આશા છે કે અમને જે સમર્થન મળી રહ્યું છે તે મળવાનું યથાવત્ રહેશે.’

ઇન-ફૉર્મ બૅટ્સમૅન યશસ્વી જયસ્વાલની સદી સાથે કપ્તાન પ્રિયમ ગર્ગની આગેવાની હેઠળની ભારતીય ટીમ ૧૦ વિકેટે પાકિસ્તાનને રગદોળીને સળંગ ત્રીજી વખત અન્ડર-૧૯ વર્લ્ડ કપ ફાઇનલમાં પ્રવેશી છે.

sports news sports cricket news