સચિનનો ધી એન્ડ?

15 December, 2012 07:17 AM IST  | 

સચિનનો ધી એન્ડ?




(ક્લેટન મુર્ઝેલો)

મુંબઈ, તા. ૧૫

૧૯૮૯ની ૧૫ નવેમ્બરે કરાચીમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ-મૅચથી ઇન્ટરનૅશનલ કરીઅર શરૂ કરનાર સચિન તેન્ડુલકર ગઈ કાલે નાગપુરમાં સિરીઝની છેલ્લી ટેસ્ટ-મૅચના પ્રથમ દાવમાં ઇંગ્લૅન્ડના પેસબોલર જેમ્સ ઍન્ડરસનના નીચા રહી ગયેલા બૉલને સમજી ન શક્યો અને ક્લીન બોલ્ડ થઈ ગયો એ સાથે જ તેની ટેસ્ટ-કરીઅર પર પડદો પડવો જોઈએ એવું જોરશોરથી કહેતા લોકોનો અવાજ ઑર બુલંદ થઈ ગયો.

હવે તો એવું કહી શકાય કે સચિન નાગપુરની મૅચ પછી ટેસ્ટકરીઅર પર પૂર્ણવિરામ નહીં મૂકે તો તેના ચાહકો અને ટીકાકારોને મોટું આર્ય થશે.

ઘણાને થતું હશે કે ટેસ્ટને ગુડ બાય કરવાનો તેના માટે આ યોગ્ય સમય છે. તેના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે જો હું સચિનની જગ્યાએ હોત તો નાગપુરની ટેસ્ટ પછી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી હોત.

ભારતીય ક્રિકેટ બોર્ડની નજીકની એક વ્યક્તિના કહેવા મુજબ સિલેક્ટરોએ રિટાયરમેન્ટનો નર્ણિય સચિન પર છોડ્યો છે.

સદી વિનાનું કોરુંધાકોર વર્ષ?


નિવૃત્તિ લેવાનું ચૅમ્પિયન પ્લેયરો માટે ક્યારેય આસાન નથી હોતું. આવા કેટલાક ખેલાડીઓ કમબૅક કરવામાં સફળ થયા છે, પરંતુ સચિનનો કિસ્સો સાવ જુદો છે. આ વર્ષ તેનું અત્યંત ખરાબ રહ્યું છે. જો તે બીજા દાવમાં સેન્ચુરી નહીં કરી શકે તો ૨૦૧૨નું વર્ષ સદી વિનાનું કોરુંધાકોર રહ્યું ગણાશે. ૨૩ વર્ષની કરીઅરમાં આવું અગાઉ પાંચ વખત બન્યું હતું, પરંતુ તે નવ કે નવ કરતાં વધુ ટેસ્ટ-મૅચો રમ્યો હોય અને એમાં એકેય સેન્ચુરી ન બની હોય એવું ક્યારેય નહોતું બન્યું.

ફક્ત બે હાફ સેન્ચુરી


સચિને પાંચમી ડિસેમ્બરે કલકત્તાની ત્રીજી ટેસ્ટમૅચમાં ૭૬ રન બનાવ્યા એ પહેલાંનો તેનો બેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ સ્કોર ૮૦ રન હતો જે તેણે ૩ જાન્યુઆરી ૨૦૧૨ના દિવસે સિડનીમાં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં બનાવ્યા હતા. ત્યારથી માંડીને ૭૬ રનની ઇનિંગ્સ વચ્ચે તેનો હાઇએસ્ટ સ્કોર માત્ર ૨૭ રન હતો.

૨૦૧૨ની તુલનામાં તેનું ૨૦૧૧નું વર્ષ બહુ સારું રહ્યું હતું. ૧૦૦મી ઇન્ટરનૅશનલ સેન્ચુરીની અતુલ્ય સિદ્ધિ સાથે તેણે એ વર્ષમાં ૯ ટેસ્ટમાં ૪૭.૨૫ની બૅટિંગઍવરેજે ૭૫૬ રન બનાવ્યા હતા.

સચિનને જ નર્ણિય લેવા દો : બેદી


સચિને એશિયાની બહાર પ્રથમ પ્રવાસ કયોર્ હતો ત્યારે ભૂતપૂર્વ કૅપ્ટન બિશન સિંહ બેદી કોચ હતા. બેદીએ ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રિટાયરમેન્ટનો નર્ણિય લેવાનો હક એકલા સચિનને છે. આ વિષય મારો કે તમારો નથી. તેની નિવૃત્તિ વિશે બોલવાનો મને કોઈ અધિકાર નથી. તેણે જ એ સમસ્યાનો ઉકેલ લાવવાનો છે.’

પીઢ સ્પિનરે પિચને વખોડી


બેદીએ ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી ટેસ્ટમૅચ માટેની નાગપુરની પિચ વિશે ટીકાનાં તીર છોડ્યાં હતાં. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સચિન જેવા મહાન ખેલાડીને વિદાય કહેવાની હોય એવા અવસરે આવી પિચ બનાવાય જ નહીં. આવી પિચ પર તે પાછો ફૉર્મમાં આવી જાય અને પોતાનો અસલ ટચ બતાવે એવી અપેક્ષા કઈ રીતે રાખી શકાય? તેને આ રીતે શરમમાં મૂકાતો હશે? આપણો ગ્રેટ પ્લેયર સંઘર્ષ કરી રહ્યો છે અને એવામાં તેને આવી વિકેટ અપાય જ નહીં.’

બેદીએ બીજા બૅટ્સમેનોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘એકલો સચિન નહીં; વીરેન્દર સેહવાગ, ગૌતમ ગંભીર અને મહેન્દ્ર સિંહ ધોનીએ પણ આ પિચ પર સંઘર્ષ કરવો પડ્યો છે.’

ક્યારેય હિંમત ન હારવાની દૃઢતા


જોકે તેના સૌથી કપરા સમય વચ્ચે તેના આશાવાદને જરા પણ ઓછો ન આંકી શકાય. ૨૦૦૭ના વલ્ર્ડ કપની નિરાશા વખતે તેણે ૨૦૧૧માં ભારતના કબજામાં એ સૌથી મૂલ્યવાન ટ્રોફી આવશે એવું સપનું સેવ્યું હતું અને એ પૂÊરું કરીને રહ્યો. નાગપુરમાં હજી તેની બીજી ઇનિંગ્સ બાકી છે અને એ સાથે તે ટેસ્ટકરીઅર પર પડદો પાડશે એવું માનીએ તો પણ થોડા સમય પહેલાંના તેના એક વિધાનને તો યાદ કરવું જ જોઈએ. તેણે કહ્યું હતું કે હું દૃઢપણે માનું છું કે કોઈ પણ વ્યક્તિએ ક્યારેય હિંમત ન હારવી જોઈએ, ક્યારેય આશા ન છોડવી જોઈએ.

૨૦૧૨ના વર્ષમાં સચિનના ટેસ્ટમાં સ્કોર્સ


૪૧ નૉટઆઉટ અને ૮૦ : સિડનીમાં ઑસ્ટ્રેલિયા સામે

૧૫ અને ૮ : પર્થમાં ઑસ્ટ્રેલિયા સામે

૨૫ અને ૧૩ : ઍડીલેડમાં ઑસ્ટ્રેલિયા સામે

૧૯ : હૈદરાબાદમાં ન્યુ ઝીલૅન્ડ સામે

૧૭ અને ૨૭ : બૅન્ગલોરમાં ન્યુ ઝીલૅન્ડ સામે

૧૩ : અમદાવાદમાં ઇંગ્લૅન્ડ સામે

૮ અને ૮ : મુંબઈમાં ઇંગ્લૅન્ડ સામે

૭૬ અને ૫ : કલકત્તામાં ઇંગ્લૅન્ડ સામે

૨ અને ? : નાગપુરમાં ઇંગ્લૅન્ડ સામે

ટેસ્ટમાં ઍન્ડરસનનો સૌથી વધુ વખત શિકાર


બોલર                  મૅચ     કેટલી વાર આઉટ?

જેમ્સ ઍન્ડરસન    ૧૪    ૯

મુથૈયા મુરલીધરન    ૧૯    ૮

ગ્લેન મૅક્ગ્રા                 ૯    ૬

જેસન ગિલેસ્પી     ૮    ૬

ડેનિયલ વેટોરી    ૧૫    ૫

બ્રેટ લી                ૧૨    ૫

હન્સી ક્રૉન્યે        ૧૧    ૫

ઍલન ડોનાલ્ડ    ૧૧    ૫

શૉન પોલૉક                ૧૨    ૪

મૉન્ટી પનેસર    ૧૧    ૪