28 June, 2026 04:00 PM IST | London | Gujarati Mid-day Correspondent
જીતની ઉજવણી કરતી પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ.
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની અંતિમ સેમી-ફાઇનલિસ્ટ ટીમો આજે નક્કી થશે. સાઉથ આફ્રિકાની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ બંગલાદેશ સામે થશે. બે જીત અને બે હાર સાથે બંગલાદેશ ચોથા ક્રમે છે. સાઉથ આફ્રિકા ત્રણ જીત અને એક હારને કારણે ત્રીજા ક્રમે છે.
સાઉથ આફ્રિકા અને બંગલાદેશ વચ્ચે ૨૦૧૨થી ૨૦૨૪ વચ્ચે ૧૫ T20 મૅચ રમાઈ છે. એમાંથી સાઉથ આફ્રિકા ૧૨ અને બંગલાદેશ બે મૅચ જીત્યું છે. ડિસેમ્બર ૨૦૨૩માં એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. બંગલાદેશ આ હરીફ સામે ૨૦૧૨ અને ૨૦૨૩માં જ જીતી શક્યું છે.
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ઑસ્ટ્રેલિયા સતત ૪ જીત અને +૪.૭૨૪ના નેટ રનરેટને કારણે સેમી-ફાઇનલમાં પહોંચી ગયું છે. જોકે મોટી હારની અને અનિશ્ચિત રિઝલ્ટની સંભાવના હોવાથી તેઓ હજી ઑફિશ્યલી ક્વૉલિફાય નથી થયા.
લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં બપોરની મૅચમાં સાઉથ આફ્રિકા જીતશે તો ભારતને કેટલા માર્જિનથી જીત મેળવવાની છે એનું ચિત્ર સાંજની મૅચ પહેલાં સ્પષ્ટ થઈ જશે. જો ભારત અને સાઉથ આફ્રિકા બન્ને એકસાથે હારે કે જીતશે તો નેટ રનરેટથી જ સેમી-ફાઇનલિસ્ટ નક્કી થશે. ભારત જો અને તોના સમીકરણ વિશે વિચાર્યા વગર મજબૂત ઑસ્ટ્રેલિયાને હરાવીને સારા નેટ રનરેટને વધુ મજબૂત કરીને આગળ વધવાનો ટાર્ગેટ રાખશે.
૨૦૦૮થી ૨૦૨૬ વચ્ચે ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ૩૮ T20 મૅચો રમાઈ છે. ઑસ્ટ્રેલિયા ૨૭ મૅચ અને ભારત ૧૦ મૅચ જીત્યું છે. ડિસેમ્બર ૨૦૨૨માં એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. ઑસ્ટ્રેલિયા સામે આ ફેબ્રુઆરીમાં રમેલી ત્રણ T20 મૅચની સિરીઝમાં ભારતે ૨-૧થી જીત મેળવી હતી. T20 વર્લ્ડ કપમાં બન્ને ટીમો ૭ વખત સામસામે રમી છે. પાંચ મૅચ ઑસ્ટ્રેલિયાએ જીતી છે જ્યારે ભારત ૨૦૧૮ અને ૨૦૨૦માં જ જીત્યું છે.
બ્રિસ્ટલમાં ગઈ કાલે બપોરે પાકિસ્તાને નવોદિત નેધરલૅન્ડ્સને ૩૭ રને હરાવીને આ T20 વર્લ્ડ કપ આવૃત્તિમાં પોતાની પહેલી જીત નોંધાવી હતી. પાકિસ્તાને ૬ વિકેટે ૧૨૬ રન કર્યા હતા. જવાબમાં નેધરલૅન્ડ્સ ૧૮ ઓવરમાં ૮૯ રને ઢેર થઈને હાર્યું હતું. પાકિસ્તાની ઓપનર ગુલ ફિરોઝા બાવન બૉલમાં અણનમ ૬૩ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બની હતી.
નેધરલૅન્ડ્સ આ વખતે પહેલી વાર વિમેન્સ T20 વર્લ્ડ કપ મૅચ રમવા ઊતર્યું હતું. જોકે સતત પાંચ હાર સાથે નેધરલૅન્ડ્સનું અભિયાન ગ્રુપ Aમાં તળિયાની ટીમ તરીકે સમાપ્ત થયું છે. પાકિસ્તાન અગાઉના ૯ વર્લ્ડ કપની જેમ આ વખતે પણ ગ્રુપ-સ્ટેજ રાઉન્ડ રમીને આઉટ થયું છે.
|
ગ્રુપ Aમાં કોણ કેટલા પાણીમાં? |
|||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
પૉઇન્ટ |
નેટ રનરેટ |
|
ઑસ્ટ્રેલિયા |
૪ |
૪ |
૦ |
૮ |
+૪.૭૨૪ |
|
ભારત |
૪ |
૩ |
૧ |
૬ |
+૨.૨૬૮ |
|
સાઉથ આફ્રિકા |
૪ |
૩ |
૧ |
6 |
+૦.૭૩૪ |
|
બંગલાદેશ |
૪ |
૨ |
૨ |
૪ |
-૦.૮૪૯ |
|
પાકિસ્તાન |
૫ |
૧ |
૪ |
૨ |
-૧.૮૭૨ |
|
નેધરલૅન્ડ્સ |
૫ |
૦ |
૫ |
૦ |
-૩.૨૭૬ |
બ્રિસ્ટલમાં ગઈ કાલે સાંજની મૅચમાં ૬ વિકેટની જીત સાથે આયરલૅન્ડે વિમેન્સ T20 વર્લ્ડ કપમાં પહેલવહેલી જીત નોંધાવી હતી. અગાઉના ૪ T20 વર્લ્ડ કપમાં પણ ૧૭ મૅચોમાં આયરલૅન્ડને જીત મળી નહોતી. કૅરિબિયન ટીમના ૧૨૮/૭ના સ્કોર સામે ૧૮.૧ ઓવરમાં ૧૨૯ કરીને આયરલૅન્ડે ઐતિહાસિક જીત સાથે પોતાનું અભિયાન સમાપ્ત કર્યું હતું.
|
આ મૅચના રિઝલ્ટ બાદ ગ્રુપ Bની સ્થિતિ |
|||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
પૉઇન્ટ |
નેટ રનરેટ |
|
ઇંગ્લૅન્ડ |
૪ |
૪ |
૦ |
૮ |
+૨.૩૪૨ |
|
વેસ્ટ ઇન્ડીઝ |
૫ |
૩ |
૨ |
૬ |
-૦.૧૪૭ |
|
શ્રીલંકા |
૫ |
3 |
૨ |
૬ |
-૦.૭૨૫ |
|
ન્યુ ઝીલૅન્ડ |
૪ |
2 |
૨ |
૪ |
+૦.૧૨૨ |
|
સ્કૉટલૅન્ડ |
૫ |
૧ |
૪ |
૨ |
-૦.૨૩૨ |
|
આયરલૅન્ડ |
૫ |
૧ |
૪ |
૨ |
-૦.૮૭૫ |
હૅટ-ટ્રિક જીત બાદ સતત બીજી હારને કારણે વેસ્ટ ઇન્ડીઝ સેમી-ફાઇનલમાં સ્થાન મજબૂત કરી શક્યું નથી. શ્રીલંકા અને ન્યુ ઝીલૅન્ડની સેમી-ફાઇનલની આશા જીવંત રહી છે. ન્યુ ઝીલૅન્ડની ઇંગ્લૅન્ડ સામેની અંતિમ મૅચના રિઝલ્ટ બાદ આ ગ્રુપની બીજી સેમી-ફાઇનલિસ્ટ નક્કી થશે.
આગામી વિમેન્સ T20 વર્લ્ડ કપ 2028 માટે યજમાન પાકિસ્તાન સહિત અન્ય ૮ ટીમે સ્થાન સુરક્ષિત કર્યું
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ-સ્ટેજના રૅન્કિંગના આધારે પાકિસ્તાનમાં આયોજિત વિમેન્સ T20 વર્લ્ડ કપ 2028 માટેની ૮ ટીમો નક્કી થઈ છે. ૬-૬ ટીમો વચ્ચે ટૉપ-ફોરમાં રહીને ગ્રુપ Aમાં ઑસ્ટ્રેલિયા, ભારત, સાઉથ આફ્રિકા અને બંગલાદેશ જ્યારે ગ્રુપ Bમાંથી ઇંગ્લૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, ન્યુ ઝીલૅન્ડ અને શ્રીલંકાએ સ્થાન સુરક્ષિત કર્યું છે.
પાકિસ્તાન યજમાન હોવાથી નવમી ટીમ તરીકે આ લિસ્ટમાં આપોઆપ જોડાઈ ગયું છે. T20 ટીમ રૅન્કિંગમાં આગામી ૬ જુલાઈએ જે ટીમ ટૉપ-૮ ટીમો બાદ ઉચ્ચ રૅન્કિંગ ધરાવતી હશે એ ટીમ આ લિસ્ટમાં ૧૦મી ટીમ તરીકે જોડાશે. અન્ય બે ટીમો ક્વૉલિફાયર ટુર્નામેન્ટ દ્વારા નક્કી થશે.
શુક્રવારે મોડી રાતે મૅન્ચેસ્ટરમાં શરૂ થયેલી મૅચમાં સ્કૉટલૅન્ડનો ૧૫૨ રનનો ટાર્ગેટ અંતિમ ઓવરમાં શ્રીલંકાએ ચેઝ કર્યો હતો. સ્કૉટલૅન્ડ ૬ વિકેટે ૧૫૧ રન કરી શક્યું હતું. શ્રીલંકાએ સાતમા ક્રમે રમનાર નિલાક્ષિકા સિલ્વાના ૨૧ રનની મદદથી ૧૯.૫ ઓવરમાં ૭ વિકેટે ૧૫૪ રન કર્યા હતા.
આ જીત સાથે શ્રીલંકાએ ગ્રુપ Bમાં ત્રીજું સ્થાન મેળવીને સેમી-ફાઇનલની આશા જીવંત રાખી હતી. જો શ્રીલંકા આ મૅચ હાર્યું હોત તો સ્કૉટલૅન્ડ સારા નેટ રનરેટ અને ૪ પૉઇન્ટ સાથે ટૉપ-ફોરમાં હોત અને શ્રીલંકા પાંચમાં ક્રમે ધકેલાઈ ગયું હોત. આ હારને કારણે સ્કૉટલૅન્ડનું આગામી વર્લ્ડ કપમાં ડાયરેક્ટ ક્વૉલિફાય થનાર ૮ ટીમોમાં સામેલ થવાનું સ્વપ્ન તૂટ્યું હતું.