ઈરાની કપ : રેસ્ટ ઑફ ઇન્ડિયા સામે બીજા દિવસે વિદર્ભની પકડ મજબૂત

03 October, 2025 09:27 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

બીજા દિવસના અંતે વિદર્ભના ૩૪૨ રન સામે રેસ્ટ આૅફ ઇન્ડિયાના પાંચ વિકેટે ૧૪૨, હજી પણ ૨૦૦ રન પાછળ

બૅટિંગ દરમ્યાન ચર્ચા કરતા રેસ્ટ ઑફ ઇન્ડિયાના કૅપ્ટન રજત પાટીદાર અને ઓપનર અભિમન્યુ ઈશ્વરન

રણજી ચૅમ્પિયન વિદર્ભે નાગપુરમાં આયોજિત ઈરાની કપમાં સતત બીજા દિવસે રેસ્ટ ઑફ ઇન્ડિયા સામેની રમતમાં પોતાની પકડ મજબૂત રાખી છે. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર વિદર્ભ બીજા દિવસના પહેલા સેશન સુધીમાં ૧૦૧.૪ ઓવરમાં ૩૪૨ રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગયું હતું. ખરાબ પ્રકાશના વિઘ્ન વચ્ચે રેસ્ટ ઑફ ઇન્ડિયાની ટીમે બીજા દિવસના અંતે ૫૩ ઓવરમાં પાંચ વિકેટે ૧૪૨ રન કર્યા હતા. મૅચમાં હજી વિદર્ભની ટીમ પાસે ૨૦૦ રનની લીડ બાકી છે.

વિદર્ભનો ઓપનર અથર્વ તાયડે ૨૮૩ બૉલમાં ૧૪૩ રનની ઇનિંગ્સ રમ્યો હતો. ૧૫ ફોર અને એક સિક્સર ફટકારનાર આ બૅટર ૧૦૧ ઓવર સુધી પિચ પર રહ્યો હતો. પાંચમા ક્રમે રમનાર યશ રાઠોડે ૬ ફોર અને એક સિક્સર ફટકારીને ૧૫૩ બૉલમાં ૯૧ રનનું યોગદાન આપ્યું હતું. રેસ્ટ ઑફ ઇન્ડિયા માટે સ્પિનર માનવ સુથાર અને ફાસ્ટ બોલર આકાશ દીપે ૩-૩ વિકેટ લીધી હતી.

રેસ્ટ ઑફ ઇન્ડિયાના ઓપનર અભિમન્યુ ઈશ્વરને ૬ ફોરની મદદથી ૧૧૨ બૉલમાં બાવન રન કરીને ટીમનો સ્કોર ૧૦૦ રનની પાર પહોંચાડ્યો હતો. સ્ટાર બૅટર ઋતુરાજ ગાયકવાડે ૧૩ બૉલમાં ૯ રન અને ઈશાન કિશને ૧૪ બૉલમાં એક રન બનાવીને વિકેટ ગુમાવી હતી. ૬ ફોરની મદદથી ૯૦ બૉલમાં ૪૨ રન કરનાર કૅપ્ટન રજત પાટીદાર આજે ટીમની ઇનિંગ્સને આગળ ધપાવશે. વિદર્ભ તરફથી સ્પિનર પાર્થ રેખાડે ૨૪ રનમાં બે વિકેટ લઈને સૌથી સફળ બોલર સાબિત થયો હતો. 

irani cup vidarbha india test cricket cricket news sports sports news rajat patidar abhimanyu easwaran