ચેન્નઈ સુપર કિંગ્સ અને સ્ટીફન ફ્લેમિંગની ૧૮ વર્ષની ક્રિકેટ-ભાગીદારીનો અંત

14 July, 2026 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટીફન ફ્લેમિંગ હવે સાઉથ આફ્રિકન લીગ SA20 અને અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (MLC)માં પણ સુપર કિંગ્સ ટીમોને કોચિંગ નહીં આપે

સ્ટીફન ફ્લેમિંગ

ચેન્નઈ સુપર કિંગ્સના લાંબા સમયથી હેડ કોચ રહેલા સ્ટીફન ફ્લેમિંગનો આ ફ્રૅન્ચાઇઝી સાથેના ૧૮ વર્ષના જોડાણનો અંત આવ્યો છે. બન્નેએ સાથે મળીને આ નિર્ણય લીધો છે. ન્યુ ઝીલૅન્ડનો ૫૩ વર્ષનો સ્ટીફન ફ્લેમિંગ ૨૦૦૮માં આ ટીમમાં ખેલાડી તરીકે જોડાયો હતો. ૨૦૦૯થી ૨૦૨૬ સુધી કોચિંગ આપીને ટીમને પાંચ IPL ટાઇટલ અને બે ચૅમ્પિયન્સ લીગ T20 ટ્રોફી અપાવી હતી.

ચેન્નઈ સુપર કિંગ્સની જાહેરાતમાં લખ્યું હતું, ‘સ્ટીફન ફ્લેમિંગ અને સુપર કિંગ્સ મૅનેજમેન્ટ વચ્ચે ખુલ્લી અને પ્રામાણિક ચર્ચા બાદ આ નિર્ણય આદર અને કૃતજ્ઞતા સાથે લેવામાં આવ્યો હતો. તેની આગેવાનીમાં ટીમ રેકૉર્ડ ૧૨ વખત પ્લેઑફમાં પહોંચી છે અને ૧૦ IPL ફાઇનલનો ભાગ રહી છે.’

સ્ટીફન ફ્લેમિંગ હવે સાઉથ આફ્રિકન લીગ SA20 અને અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (MLC)માં પણ સુપર કિંગ્સ ટીમોને કોચિંગ નહીં આપે. તેના કોચિંગ હેઠળ SA20માં જોબર્ગ સુપર કિંગ્સ ચારેય સીઝનમાં પ્લેઑફમાં પહોંચી હતી પણ ફાઇનલ નહોતી રમી શકી. MLCમાં પણ ત્રણેય સીઝનમાં ટેક્સસ સુપર કિંગ્સ પ્લેઑફમાં પહોંચી હતી પણ ફાઇનલમાં એન્ટ્રી નહોતી કરી શકી. આ વખતે ટીમ પહેલી વખત પ્લેઑફમાં પહોંચી નથી શકી.

રમતગમતની દુનિયામાં ૧૮ વર્ષ જીવનભરનો અનુભવ છે. અમે જે બધી સિદ્ધિઓ મેળવી છે એના પર મને ગર્વ છે. CSK હંમેશાં મારા હૃદયની નજીક રહેશે અને હું આવનારાં વર્ષો સુધી ટીમને પ્રોત્સાહન આપતો રહીશ. - સ્ટીફન ફ્લેમિંગ

chennai super kings indian premier league cricket news sports sports news