IPL સ્પૉટ-ફિક્સિંગ કેસ શુક્રવારે સુપ્રીમ કોર્ટ મુદગલ કમિટીનો રિપોર્ટ ઓપન કરશે

11 November, 2014 06:40 AM IST  | 

IPL સ્પૉટ-ફિક્સિંગ કેસ શુક્રવારે સુપ્રીમ કોર્ટ મુદગલ કમિટીનો રિપોર્ટ ઓપન કરશે





શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં IPL-6ના બેટિંગ અને સ્પૉટ-ફિક્સિંગના કેસમાં જસ્ટિસ મુદગલ કમિટીનો રિપોર્ટ ખોલવામાં આવશે અને એમાં કોનાં નામ બહાર આવે છે એના પરથી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલના ચૅરમૅન એન. શ્રીનિવાસન ભારતીય ક્રિકેટ બોર્ડના ફરી પ્રેસિડન્ટ બની શકશે કે નહીં એનું ભાવિ નિર્ભર છે.

કોર્ટનો સવાલ

IPL-6ના બેટિંગ અને સ્પૉટ-ફિક્સિંગના કેસમાં શ્રીનિવાસનનો જમાઈ ગુરુનાથ મય્યપ્પન સંડોવાયેલો હોવાના આરોપ છે. જસ્ટિસ ટી. એસ. ઠાકુરની આગેવાની હેઠળની બેન્ચે ગઈ કાલે સવાલ કર્યો હતો કે ‘જો આ રિપોર્ટમાં શ્રીનિવાસન સામે કાંઈ બહાર નહીં આવે તો તેઓ ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ બની શકશે, પણ જો શ્રીનિવાસનના રિલેટિવનું નામ બહાર આવશે તો શું?’

કપિલ સિબલનો જવાબ

સુપ્રીમ કોર્ટના સવાલનો જવાબ આપતાં શ્રીનિવાસનના વકીલ કપિલ સિબલે કહ્યું હતું કે ‘જો શ્રીનિવાસનની વિરુદ્ધ કાંઈ આવે નહીં તો તેમને ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ તરીકે પાછા ફરવાની પરવાનગી આપવામાં આવે. જો રિપોર્ટમાં તેમના રિલેટિવની સામે કાંઈ આવે તો તેની સામે પગલાં લેવામાં આવે.’

રિપોર્ટમાં નામ નહીં નંબર

૩૫ પાનાંના આ રિપોર્ટમાં એક પણ ખેલાડીનું નામ નથી, પણ તેમને નંબર આપવામાં આવ્યા છે અને આ નંબર કેવી રીતે ઓળખવા એની જાણકારી સેપરેટ રિપોર્ટમાં આપવામાં આવી છે.