પાર્થિવ સામે પંજાબ લાચાર

26 April, 2016 06:27 AM IST  | 

પાર્થિવ સામે પંજાબ લાચાર

બેમિસાલ પાર્થિવ : મોહાલીમાં પાર્થિવ પટેલે ફટકાર્યા ૫૮ બૉલમાં ૮૧ રન.


પાર્થિવ પટેલના શાનદાર ૮૧ રનને પરિણામે મોહાલીમાં રમાયેલી મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સે કિંગ્સ ઇલેવન પંજાબને ૨૫ રનથી હરાવ્યું હતું. જીતવા માટે ૧૯૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતું પંજાબ નર્ધિારિત ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૬૪ રન જ કરી શક્યું હતું. મુંબઈનો સાતમી મૅચમાં આ ત્રીજો વિજય છે તો પંજાબ છ પૈકી પાંચ મૅચ હાર્યું છે. આ હારને કારણે પંજાબ માટે પ્લેઑફમાં ક્વૉલિફાય થવું ઘણું મુશ્કેલ બન્યું છે.

મૅક્સવેલની મહેનત નિષ્ફળ

પંજાબ તરફથી ગ્લેન મૅક્સવેલે પોતાનું ફૉર્મ પાછું મેળવતાં ૩૯ બૉલમાં સૌથી વધુ ૫૬ રન કર્યા હતા. શૉન માર્શે પણ ૩૪ બૉલમાં ૪૫ રન કર્યા હતા. ઓપનર મુરલી વિજય (૧૯) અને મનન વોહરા (૭)ની વિકેટ પાંચ ઓવરમાં ૩૨ રન હતા ત્યારે જ પડી ગઈ હતી. માર્શ અને મૅક્લવેલે મળીને બાજીને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. તેમની વચ્ચે ૮૯ રનની પાર્ટનરશિપ થઈ હતી. જોકે પહેલી ૧૦ ઓવરમાં એણે ૭૫ રન કર્યા હતા. એથી બાકીની ૧૦ ઓવરમાં ૧૧૫ રન જોઈતા હતા. દબાણને કારણે ખેલાડીઓ આઉટ થઈ ગયા હતા.

મુંબઈનો સર્વોચ્ચ સ્કોર

ઓપનર પાર્થિવ પટેલ (૮૧) અને અંબાતી રાયુડુ (૬૫)ની શાનદાર ઇનિંગ્સને પરિણામે મુંબઈએ પંજાબને જીતવા માટે ૧૯૦ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પાર્થિવ પટેલે તેનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ૫૮ બૉલમાં બે સિક્સર અને ૧૦ ચોગ્ગાની મદદથી ૮૧ રન કર્યા હતા. પરિણામે મુંબઈએ પંજાબ સામે એનો અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર કર્યો હતો. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરતાં મુંબઈએ છ વિકેટે ૧૮૯ રન બનાવ્યા હતા.

પંજાબની ખરાબ ફીલ્ડિંગ

મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી. ઇનિંગ્સના બીજા બૉલમાં જ સંદીપ શર્માએ કૅપ્ટન રોહિત શર્માને ઝીરો પર આઉટ કર્યો હતો. જોકે ત્યાર બાદ બીજી વિકેટ માટે પંજાબે ઘણી રાહ જોવી પડી હતી. પાર્થિવ અને રાયુડુ વચ્ચે બીજી વિકેટ માટે ૧૩૭ રનની પાર્ટનરશિપ થઈ હતી. જોકે પંજાબે બહુ જ ખરાબ ફીલ્ડિંગ કરી હતી, જેને કારણે બન્નેને એક-એક જીવતદાન પણ મળ્યું હતું.

૨૦૦નો આંક પાર ન કરી શક્યું


પાર્થિવ ૧૮.૪ ઓવરમાં ૧૮૦ના કુલ સ્કોર પર આઉટ થયો હતો ત્યારે એવું લાગતું હતું કે મુંબઈ ૨૦૦ના સ્કોરને આંબી જશે, પરંતુ મુંબઈ ૧૯મી ઓવરમાં પાંચ અને છેલ્લી ઓવરમાં માત્ર ચાર રન જ બનાવી શક્યું. બે ઓવરમાં એણે ત્રણ વિકેટ પણ ગુમાવી દીધી. મોહિત શર્માએ ૨૦મી ઓવરમાં કીરોન પોલાર્ડ (૧૦) અને હાર્દિક પંડ્યા (૪)ને પૅવિલિયનમાં મોકલ્યા હતા.

IPLમાં કોણ કેટલા પાણીમાં?


ટીમ                                          મૅચ            જીત                હાર            અનિર્ણિત              પૉઇન્ટ            રનરેટ

કલકત્તા નાઇટ રાઇડર્સ                   ૫                 ૪                    ૧                 ૦                       ૮                + ૦.૯૨૨

ગુજરાત લાયન્સ                          ૫                  ૪                    ૧                 ૦                       ૮                + ૦.૦૩૪

દિલ્હી ડેરડેવિલ્સ                          ૪                  ૩                     ૧                ૦                        ૬               + ૦.૩૨૦

સનરાઇઝર્સ હૈદરાબાદ                  ૫                   ૩                     ૨                ૦                        ૬               + ૦.૨૭૬

મુંબઈ ઇન્ડિયન્સ 
                        ૭                  ૩                      ૪                ૦                        ૬               - ૦.૨૬૮

રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર            ૫                  ૨                     ૩                  ૦                       ૪               + ૦.૨૩૦

રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ          ૫                 ૧                      ૪                 ૦                      ૨                 + ૦.૦૦૩

કિંગ્સ ઇલેવન પંજાબ                     ૬                 ૧                      ૫                 ૦                      ૨                -  ૧.૧૭૪

નોંધ : દરેક ટીમ ૧૪ લીગ મૅચ રમશે.