IPLમાં ૭ વર્ષ બાદ ૧૦ ભારતીય કૅપ્ટન્સ સાથે થશે સીઝનનો પ્રારંભ

27 March, 2026 12:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રેયસ ઐયર સૌથી સફળ કૅપ્ટન, ઈશાન કિશન કરશે કૅપ્ટન્સી-ડેબ્યુ, અજિંક્ય રહાણે આ સીઝનનો ઓલ્ડેસ્ટ અને સસ્તો કૅપ્ટન

કૅપ્ટનો

IPL 2019 બાદ પહેલી વખત કોઈ IPL સીઝનમાં તમામ ૧૦ ટીમ ભારતીય કૅપ્ટન્સ સાથે મેદાનમાં ઊતરશે. IPL 2019માં રેગ્યુલર કૅપ્ટન કેન વિલિયમસનની ગેરહાજરીમાં સનરાઇઝર્સ હૈદરાબાદની કમાન ભુવનેશ્વર કુમારે સંભાળી હતી. આ વર્ષે હૈદરાબાદની ટીમનો કૅપ્ટન અડધી સીઝન ફિટનેસ પર ફોક્સ કરવાનો હોવાથી ઈશાન કિશન શરૂઆતની મૅચોમાં ટીમની આગેવાની કરશે. આ વર્ષે વાઇસ-કૅપ્ટનની ભૂમિકામાં કલકત્તાની ટીમ માટે રિન્કુ સિંહ, હૈદરાબાદની ટીમમાં અભિષેક શર્મા અને લખનઉની ટીમમાં નિકોલસ પૂરન જોવા મળશે. 

ભારતીય ક્રિકેટ બોર્ડના હાલના ફોટોશૂટમાં જોવા મળેલા ૧૦ IPL કૅપ્ટન્સમાંથી પાંચની ઉંમર ૩૦થી ઓછી અને અન્ય પાંચની ૩૦+ છે. રાજસ્થાન રૉયલ્સનો રિયાન પરાગ ૨૪ વર્ષની ઉંમર સાથે આ સીઝનનો યંગેસ્ટ કૅપ્ટન છે. તે આ સીઝનમાં પહેલી વખત રેગ્યુલર કૅપ્ટનની ભૂમિકામાં દેખાશે. કોલકાતા નાઇટ રાઇડર્સનો અજિંક્ય રહાણે ૩૭ વર્ષની ઉંમર સાથે આ સીઝનનો ઓલ્ડેસ્ટ કૅપ્ટન છે. તે ગઈ સીઝનમાં પણ ઓલ્ડેસ્ટ કૅપ્ટન હતો. 

૧૦માંથી ૯ કૅપ્ટનની સૅલેરી ૧૦ કરોડ રૂપિયાથી વધારે છે. ૧.૫૦ કરોડ રૂપિયાનીdc કિંમત સાથે અજિંક્ય રહાણે આ સીઝનમાં પણ સૌથી ઓછી સૅલેરી લેતો કૅપ્ટન છે. ૬ કૅપ્ટન્સ ૧૫ કરોડ રૂપિયાથી વધારાની સૅલેરી લઈ રહ્યા છે. રિષભ પંત ૨૭ કરોડ અને શ્રેયસ ઐયર ૨૬.૭૫ કરોડ રૂપિયાની સૅલેરી સાથે સૌથી મોટી કિંમત ધરાવતા કૅપ્ટન્સ પણ છે. IPL 2025 બાદ રિષભ પંત T20 મૅચ રમ્યો નથી જ્યારે શ્રેયસ ઐયર માત્ર T20 મુંબઈ લીગમાં જ આ ફૉર્મેટની મૅચ રમ્યો છે. 

૧૦ કૅપ્ટન્સમાંથી સૌથી વધુ ૧૯૮ IPL મૅચ અજિંક્ય રહાણેએ રમી છે. તેણે પહેલી સીઝનથી હમણાં સુધી ૬ ટીમ માટે આ ટુર્નામેન્ટ રમી છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન કૅપ્ટન રજત પાટીદાર આ લિસ્ટમાં સૌથી ઓછી ૪૨ મૅચ જ રમ્યો છે. અક્ષર પટેલ ૧૬૨ મૅચ, હાર્દિક પંડ્યા ૧૫૨, શ્રેયસ ઐયર ૧૩૩, રિષભ પંત ૧૨૫, ઈશાન કિશન ૧૧૯, શુભમન ગિલ ૧૧૮, રિયાન પરાગ ૮૪ અને ઋતુરાજ ગાયકવાડ ૭૧ મૅચ રમવાનો અનુભવ ધરાવે છે.

IPLમાં આ ૧૦ કૅપ્ટન્સનો કૅપ્ટન્સી-રેકૉર્ડ કેવો રહ્યો છે? 

દિલ્હી, કલકત્તા અને પંજાબને ફાઇનલ સુધી પહોંચાડવાનો રેકૉર્ડ કરનાર મુંબઈકર શ્રેયસ ઐયર આ કૅપ્ટન્સમાં સૌથી સફળ કૅપ્ટન છે. ૮૭ IPL મૅચમાં આગેવાની કરીને તેણે ૪૮ મૅચ જીતી છે. ઈશાન કિશન આ કૅપ્ટન્સ વચ્ચે IPL કૅપ્ટન્સીનો કોઈ અનુભવ ધરાવતો નથી. રિયાન પરાગ ૮ મૅચમાંથી માત્ર બે જીત સાથે સૌથી ખરાબ રેકૉર્ડ ધરાવતો કૅપ્ટન છે. 
અન્ય કૅપ્ટન્સમાં ઋતુરાજ ગાયકવાડે ૧૯ મૅચમાંથી ૮ જીત, અક્ષર પટેલે ૧૩માંથી ૬ મૅચ, રિષભ પંતે ૫૯માંથી ૨૯ મૅચ, અજિંક્ય રહાણેએ ૩૮માંથી ૧૪ મૅચ, રજત પાટીદારે ૧૩માંથી ૧૦ મૅચ, હાર્દિક પંડ્યાએ ૬૦માંથી ૩૫ મૅચ જીતી છે. 

બાવીસ વર્ષ ૧૮૭ દિવસ

૨૦૧૧માં આટલી ઉંમર સાથે વિરાટ કોહલી IPL ઇતિહાસનો યંગેસ્ટ કૅપ્ટન બન્યો હતો. 

હાર્દિક પંડ્યા : ૩૨ વર્ષ ૧૬૬ દિવસ ૧૬.૩૫ કરોડ રૂપિયા

શુભમન ગિલ : ૨૬ વર્ષ ૧૯૯ દિવસ ૧૬.૫૦ કરોડ રૂપિયા 

રિષભ પંત : ૨૮ વર્ષ ૧૭૩ દિવસ ૨૭ કરોડ રૂપિયા

રિયાન પરાગ : ૨૪ વર્ષ ૧૩૬ દિવસ ૧૪ કરોડ રૂપિયા 

રજત પાટીદાર : ૩૨ વર્ષ ૨૯૮ દિવસ ૧૧ કરોડ રૂપિયા 

અક્ષર પટેલ : ૩૨ વર્ષ ૬૫ દિવસ ૧૬.૫૦ કરોડ રૂપિયા 

અજિંક્ય રહાણે : ૩૭ વર્ષ ૨૯૩ દિવસ ૧.૫૦ કરોડ રૂપિયા

ઈશાન કિશન : ૨૭ વર્ષ ૨૫૧ દિવસ ૧૧.૨૫ કરોડ રૂપિયા

ઋતુરાજ ગાયકવાડ : ૨૯ વર્ષ ૫૪ દિવસ ૧૮ કરોડ રૂપિયા 

શ્રેયસ ઐયર : ૩૧ વર્ષ ૧૧૦ દિવસ ૨૬.૭૫ કરોડ રૂપિયા 

sports news sports indian cricket team cricket news IPL 2026 shreyas iyer ravi kishan ajinkya rahane shubman gill axar patel