16 April, 2026 02:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છેક બે વર્ષે ચેન્નઈ લગાતાર બે મૅચ જીતી શક્યું
મંગળવારે રાત્રે સ્ટ્રગલ કરી રહેલી બે ટીમો વચ્ચેની ટક્કરમાં ચેન્નઈ સુપર કિંગ્સે ૩૨ રનથી કોલકાતા નાઇટ રાઇડર્સને માત આપીને સીઝનની અને સતત બીજી જીત મેળવી હતી. ચેન્નઈએ આપેલા ૧૯૩ રનના ટાર્ગેટ સામે કલકત્તા ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૬૦ રન જ બનાવી શક્યું હતું. આમ પ્રથમ ત્રણેય મૅચની હાર બાદ ચેન્નઈએ ધીરે-ધીરે લય મેળવીને સતત બીજી જીત સાથે શાનદાર કમબૅક કર્યું છે.
IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ સાથે સંયુક્ત રીતે સૌથી વધુ વાર ચૅમ્પિયન બનનાર ચેન્નઈ સુપર કિંગ્સ છેલ્લા ઘણા સમયથી સ્ટ્રગલ કરી રહ્યું છે અને એના પર્ફોર્મન્સમાં ભારે અસાતત્યતા જોવા મળી રહી છે. એ જાણીને નવાઈ લાગશે કે ચેન્નઈ જેવી ટીમે છેક બે વર્ષ બાદ સતત બે મૅચમાં વિજય મેળવ્યો છે. એ પણ સેમ ટુ સેમ ૧૪ એપ્રિલે જ. ૨૦૨૪માં આઠમી એપ્રિલે કલકત્તાને હરાવ્યા બાદ ૧૪ એપ્રિલે વાનખેડેમાં મુંબઈને હરાવીને સતત બીજી જીત મેળવી હતી. હવે બે વર્ષ બાદ ૨૦૨૬માં ૧૧ એપ્રિલે ઘરઆંગણે દિલ્હીને હરાવીને એણે ૧૪ એપ્રિલે કલકત્તાને હરાવીને ચેન્નઈએ સતત બીજી મૅચ જીતી હતી. ૨૦૨૪માં મુંબઈ સામેની જીત અને હવે શનિવારે દિલ્હી સામેની જીત વચ્ચેના ગાળામાં ચેન્નઈ કુલ ૨૫ મૅચ રહ્યુ હતું, પણ ક્યારેય બૅક ટુ બૅક જીત નહોતું મેળવી શક્યું.
માહી મૅજિકે અપાવી નૂરને સફળતા
ચેન્નઈનો ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ સીઝનમાં હજુ સુધી રમવા માટે મેદાનમાં નથી ઊતર્યો, પણ મંગળવારની જીત માટે જોકે તેને ક્રેડિટ અપાઈ રહી છે. ચેન્નઈની જીતનો હીરો હતો અફઘાનિસ્તાની સ્પિનર નૂર અહમદ. નૂરે ચાર ઓવરમાં ૨૧ રન આપીને સુનીલ નારાયણ, કૅપ્ટન અજિંક્ય રહાણે અને વાઇસ-કૅપ્ટન રિન્કુ સિંહની વિકેટ લીધી હતી અને પ્લેયર ઑફ ધ મૅચ બની ગયો હતો. નૂર આ મૅચ પહેલાં ખાસ કંઈ કમાલ નહોતો કરી શક્યો. મંગળવારની મૅચ પહેલાં નેટ્સમાં ધોની નૂર સાથે લાંબી ચર્ચા કરતો જોવા મળ્યો હતો અને તેના શાનદાર કમબૅક માટે માહીની ગોલ્ડન ટિપ્સ કામ કરી ગઈ હતી. ચેન્નઈના અસિસ્ટન્ટ કોચ શ્રીધરન શ્રીરામે મૅચ બાદ આ વાતની કબૂલાત કરતાં કહ્યું હતું કે ‘ધોનીએ પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન નૂર સાથે ઘણો લાંબો સમય સુધી વાત કરી હતી અને તેને ફક્ત તેના રેગ્યુલર વેરિએશન પર જ મદાર રાખવાને બદલે વધુ ને વધુ લેગ-બ્રેક નાખવા માટે પ્રેરિત કર્યો હતો. મને લાગે છે કે નૂરને એનો ફાયદો થયો અને પરિણામ બધાની સામે છે.’
અજિંક્ય રહાણેની વિકેટ લીધા બાદ પોતાના બન્ને હાથ આંખ પર રાખીને સલામીની મુદ્રામાં કરેલું નૂરનું સેલિબ્રેશન સોશ્યલ મીડિયામાં ભારે વાઇરલ થયું હતું.
ગ્રીન કરતાં રસેલ બહેતર ઑલરાઉન્ડર : કૈફ
કલકત્તાની ટીમની હાલની દયનીય સ્થિતિ માટે ભૂતપૂર્વ ખેલાડી મોહમદ કૈફે એના ટીમ-મૅનેજમેન્ટને જ જવાબદાર ગણાવ્યું હતું. કલકત્તાની હાર બાદ સોશ્યલ મીડિયામાં કૈફે લખ્યું હતું કે ‘આન્દ્રે રસેલ જેવા ખેલાડીને ટીમમાં ઑલરાઉન્ડર તરીકે જાળવી રાખવાને બદલે તેને જબરદસ્તી રિટાયર કરાવી પાવર-હિટિંગ કોચ બનાવ્યો એ કલકત્તાની સૌથી મોટી ભૂલ છે. શું ૨૫ કરોડવાળા કૅમરન ગ્રીન કરતાં તે બહેતર ઑલરાઉન્ડર નથી? આનો જવાબ એકદમ સ્પષ્ટ છે.’ કૈફે રહાણેની કૅપ્ટન્સીની પણ ભારે ટીકા કરી હતી અને તેને DRSના નિર્ણયોમાં વધુ સેલ્ફિશ બનવાની અને સ્પિનરો સામે વધુ આક્રમક બનવાની સલાહ આપી હતી.
નવ કૅચ ડ્રૉપ થવા છતાં ચેન્નઈ જીત્યું
ચેન્નઈ મંગળવારે કલકત્તાને હરાવવામાં સફળ રહ્યું પણ ફીલ્ડરોએ ડ્રૉપ કરેલા ૯-૯ કૅચ તેમના માટે ચિંતાનો વિષય બની ગયો છે. આ સીઝનમાં ચેન્નઈ એક જ મૅચમાં સૌથી વધુ કૅચ છોડનાર ટીમ બની ગઈ છે. સોશ્યલ મીડિયામાં પણ એના માટે ચેન્નઈની ટીમને ભારે ટ્રોલ કરવામાં આવી રહી છે અને ટીમના ફીલ્ડિંગ કોચને હટાવવાની માગણી થઈ રહી છે. ચેન્નઈએ આ સીઝનમાં ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ વિકેટકીપર જેમ્સ ફોસ્ટરને ફીલ્ડિંગ કોચ બનાવ્યો છે. કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે પોતે સુનીલ નારાયણનો એક આસાન કૅચ છોડ્યો હતો. સોશ્યલ મીડિયા પર તેને ટ્રોલ કરતાં લખવામાં આવ્યું હતું કે એક તો રન નથી બનાવતો અને આસાન કૅચ પણ છોડી રહ્યો છે, ગાયકવાડ ચેન્નઈ માટે બોજ બની ગયો છે.
કલકત્તાની નામોશીભરી શરૂઆત
બીજી તરફ ૨૦૨૪માં ત્રીજી વાર ચૅમ્પિયન બન્યા બાદ અને કૅપ્ટન શ્રેયસ ઐયરની વિદાય બાદ કોલકાતા નાઇટ રાઇડર્સ પણ ભારે સ્ટ્રગલ કરી રહ્યું છે. ગઈ સીઝનમાં-ફક્ત પાંચ જ મૅચ જીતી શક્યું હતું અને પૉઇન્ટ-ટેબલ પર આઠમા નંબરે રહ્યું હતું. આ સીઝનમાં તો મંગળવારે ચેન્નઈ સામેની હાર સાથે સતત પાંચમી મૅચમાં એ વિજય નથી મેળવી શક્યું. કલકત્તા માટે આવી નામોશી પહેલી વાર જોવી મળી રહી છે કે સીઝનની શરૂઆતની પાંચ-પાંચ મૅચ સુધી તેઓ એક પણ જીત ન મેળવી શક્યા હોય. આ સીઝનમાં એણે અત્યાર સુધી રમેલી પાંચ મૅચમાંથી ચારમાં હાર થઈ છે અને પંજાબ સામેની એક મૅચ વરસાદે ધોઈ નાખી હતી.
કૅપ્ટન રહાણેને ૧૨ લાખનો દંડ
કલકત્તાના કૅપ્ટન અજિંક્ય રહાણેને ચેન્નઈ સામેની મૅચમાં સ્લો ઓવર-રેટના ગુના બદલ ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સીઝનમાં આવા ગુનાસર દંડિત થનાર શ્રેયસ ઐયર, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ અને હાર્દિક પંડ્યા બાદ રહાણે પાંચમો કૅપ્ટન બની ગયો છે.