17 April, 2026 02:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્વિન્ટન ડી કૉકે નૉટઆઉટ ૧૧૨ રન ફટકાર્યા હતા અને મૅચવિનર પ્રભસિમરન સિંહ
ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને સજ્જડ પરાજય આપીને પૉઇન્ટ્સ-ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું હતું. મુંબઈએ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૯૫ રન કર્યા હતા, જેના જવાબમાં પંજાબ માત્ર ૧૬.૩ ઓવરમાં ૩ વિકેટે ૧૯૮ રન કરીને આસાનીથી મૅચ જીતી લીધી હતી. પંજાબની જીતનો હીરો ઓપનર પ્રભસિમરન સિંહ હતો. તેણે માત્ર ૩૯ બૉલમાં અણનમ ૮૦ રન કર્યા હતા જેમાં ૧૧ ફોર અને બે સિક્સનો સમાવેશ હતો. ૪૫ રનના સ્કોર પર બે વિકેટ પડ્યા પછી પ્રભસિમરન સિંહ સાથે જોડાયેલા કૅપ્ટન શ્રેયસ ઐયરે ૩૫ બૉલમાં ૬૬ રન કરીને મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
| IPL પૉઇન્ટ્સ ટેબલ | ||||||
| ટીમ | મૅચ | જીત | હાર | નો-રિઝલ્ટ | નેટ રનરેટ | પૉઇન્ટ |
| પંજાબ | ૫ | ૪ | ૦ | ૧ | ૧.૦૬૭ | ૯ |
| બૅન્ગલોર | ૫ | ૪ | ૧ | ૦ | ૧.૫૦૩ | ૮ |
| રાજસ્થાન | ૫ | ૪ | ૧ | ૦ | ૦.૮૮૯ | ૮ |
| હૈદરાબાદ | ૫ | ૨ | ૩ | ૦ | ૦.૫૭૬ | ૪ |
| દિલ્હી | ૪ | ૨ | ૨ | ૦ | ૦.૩૨૨ | ૪ |
| ગુજરાત | ૪ | ૨ | ૨ | ૦ | -૦.૦૨૯ | ૪ |
| લખનઉ | ૫ | ૨ | ૩ | ૦ | -૦.૮૦૪ | ૪ |
| ચેન્નઈ | ૫ | ૨ | ૩ | ૦ | -૦ .૮૪૬ | ૪ |
| મુંબઈ | ૫ | ૧ | ૪ | ૦ | -૧.૦૭૬ | ૨ |
| કલકત્તા | ૫ | ૦ | ૪ | ૧ | -૧.૩૮૩ | ૧ |
બન્નેએ ત્રીજી વિકેટ માટે ૬૭ બૉલમાં મૅચવિનિંગ ૧૩૯ રનની ભાગીદારી કરી હતી. શ્રેયસ ૧૮૪ના સ્કોર પર આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહને ગઈ કાલે પણ વિકેટ નહોતી મળી. તેણે ૪ ઓવરમાં ૪૧ રન આપ્યા હતા. પ્રભસિમરન સિંહને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.
વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે પંજાબ કિંગ્સ સામેની મૅચમાં પરાજિત મુંબઈ ઇન્ડિયન્સનો ઓપનર ક્વિન્ટન ડી કૉક ચમક્યો હતો. રોહિત શર્માના સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થયેલો સાઉથ આફ્રિકાનો ક્વિન્ટન ડી કૉક પાંચ વર્ષ બાદ મુંબઈની જર્સીમાં રમ્યો હતો. ૨૦૧૯થી ૨૦૨૧ દરમ્યાન પણ મુંબઈ માટે તે ત્રણ સીઝન રમ્યો હતો. ક્વિન્ટન ડી કૉક ત્રણ ટીમ માટે સદી ફટકારનાર ત્રીજો બૅટર બન્યો હતો. તેના પહેલાં ભારતના કે. એલ. રાહુલ અને સંજુ સૅમસને આ કમાલ કરી હતી. એટલ કે ક્વિન્ટન ડી કૉક IPLમાં ત્રણ ટીમ માટે સદી ફટકારનાર પહેલો વિકેટકીપર અને વિદેશી બૅટર બન્યો છે. તેણે અગાઉ દિલ્હી કૅપિટલ્સ તરફથી ૨૦૧૬માં બૅન્ગલોર સામે ૫૧ બૉલમાં ૧૦૮ રન કર્યા હતા અને ૨૦૨૨માં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી કલકત્તા સામે ૭૦ બૉલમાં અણનમ ૧૪૦ રન કર્યા હતા. તેણે ગઈ કાલે ૬૦ બૉલમાં ૮ ફોર અને ૭ સિક્સના આધારે ૧૧૨ રન કર્યા હતા. તેણે જ્યારે ત્રણ ટીમ સામે સદી ફટકારી ત્યારે વિકેટકીપર તરીકે પણ મેદાન પર રમ્યો હતો. કે. એલ. રાહુલ અને સંજુ સૅમસન વિકેટકીપર-બૅટર તરીકે સદી ફટકારી શક્યા નથી. ૫૦ રન કરનાર નમન ધીર સાથે તેણે ત્રીજી વિકેટ માટે ૬૮ બૉલમાં ૧૨૨ રન કરીને ટીમનો સ્કોર ૬ વિકેટે ૧૯૫ રન સુધી પહોંચાડ્યો હતો, પણ એ પૂરો નહોતો પડ્યો.
3000 IPL રન વિકેટકીપર-બૅટર તરીકે કરનાર પહેલો વિદેશી ખેલાડી બન્યો ક્વિન્ટન ડી કૉક.
ગઈ કાલે અર્શદીપ સિંહે પંજાબ કિંગ્સ માટે ૪ ઓવરમાં ૨૨ રન આપીને ૩ વિકેટ લીધી હતી. ઇનિંગ્સની ત્રીજી ઓવર દરમ્યાન તેણે ઓપનર રિકલ્ટનને બે રને અને ત્રીજા ક્રમના બૅટર સૂર્યકુમાર યાદવને ઝીરોમાં બૅક-ટુ-બૅક કૅચઆઉટ કરાવ્યા હતા. તેણે ૧૧ IPL-મૅચ બાદ પાવરપ્લેમાં વિકેટ લેવામાં સફળતા મેળવી હતી. ૮૭મી IPL મૅચમાં તે પંજાબ માટે ૧૦૦ વિકેટ લેનાર પહેલો બોલર બન્યો હતો. એ પછી આ ટીમ માટે હાઇએસ્ટ વિકેટ પીયૂષ ચાવલા (૮૪ વિકેટ)એ લીધી છે. ૨૦૧૯માં અશ્વિનની કૅપ્ટન્સીમાં પંજાબ તરફથી તેણે IPL-ડેબ્યુ કર્યું ત્યારથી તે આ ટીમ માટે રમી રહ્યો છે. તેણે ૧૦૦મી વિકેટની જેમ પહેલી વિકેટ પણ ૧૬ એપ્રિલે લીધી હતી. ૨૦૧૯માં ૧૬ એપ્રિલે જ તેણે રાજસ્થાન સામેની પહેલી મૅચમાં બટલરની પહેલી વિકેટ લીધી હતી.