10 April, 2026 02:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૉસ બટલર
બુધવારે રાજસ્થાન રૉયલ્સ સામેની મૅચમાં ગુજરાત ટાઇટન્સના વિકેટકીપર-બૅટર જૉસ બટલરે ફૉર્મમાં શાનદાર વાપસી કરી હતી. તેણે ત્રણ ફોર અને પાંચ સિક્સના આધારે ૨૭ બૉલમાં બાવન રન કર્યા હતા. અહીં તેણે T20 ક્રિકેટમાં ૬૦૦ સિક્સ પૂરી કરી હતી, એમાંથી માત્ર ૧૭૫ સિક્સ તેણે T20 ઇન્ટરનૅશનલમાં ફટકારી છે. ઇંગ્લૅન્ડનો અનુભવી ક્રિકેટર જૉસ બટલર T20માં ૬૦૦ સિક્સ ફટકારનાર પહેલો નૉન-કૅરિબિયન બૅટર બન્યો છે. અગાઉ માત્ર ૪ કૅરિબિયન પ્લેયર્સે ૬૦૦ T20 સિક્સનો આંકડો પાર કર્યો છે. હાઇએસ્ટ T20 સિક્સ ફટકારવાના લિસ્ટમાં ક્રિસ ગેઇલ ૧૦૫૬ સિક્સ સાથે પ્રથમ ક્રમે છે. ત્યાર બાદ કાઇરન પોલાર્ડ (૯૮૨ સિક્સ), ઑન્દ્રે રસેલ (૭૮૪ સિક્સ) અને નિકોલસ પૂરન (૭૧૨ સિક્સ) આ લિસ્ટમાં સામેલ છે.
અરુણ જેટલી સ્ટેડિયમમાં બુધવારે દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચમાં ગુજરાત ટાઇટન્સનો કૅપ્ટન તેની દાઢીના વધેલા વાળ અને ૪૫ બૉલમાં ૭૦ રનની ઇનિંગ્સને કારણે ચર્ચામાં હતો. જોકે તેની ટીમના બોલર્સ ટાર્ગેટ ડિફેન્ડ કરતી વખતે સમયસર ઓવર્સ પૂરી નહોતા કરી શક્યા. આ મૅચમાં સ્લો ઓવર-રેટ બદલ ગુજરાતના કૅપ્ટન શુભમન ગિલને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વર્તમાન સીઝનમાં શુભમન ગિલનો આ પહેલો ગુનો છે. અગાઉ પંજાબ કિંગ્સના કૅપ્ટન શ્રેયસ ઐયરને બે મૅચમાં સ્લો ઓવર-રેટ બદલ ટોટલ ૩૬ લાખ રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો.