હૈદરાબાદી ટીમની પ્લેઑફની ધૂંધળી આશાઓ વરસાદમાં ધોવાઈ ગઈ

07 May, 2025 07:08 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

સીઝનની બીજી મૅચ રદ થતાં બન્ને ટીમને મળ્યા એક-એક પૉઇન્ટ, હૈદરાબાદના બોલિંગના તરખાટને લીધે દિલ્હીએ ૭ વિકેટે બનાવ્યા હતા ૧૩૩ રન

રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં ગઈ કાલે આયોજિત IPL 2025ની પંચાવનમી મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ

રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં ગઈ કાલે આયોજિત IPL 2025ની પંચાવનમી મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. વરસાદ બાદ ભીના આઉટફીલ્ડને કારણે બીજી ઇનિંગ્સ શરૂ થઈ શકી ન હોવાથી મૅચ કૅન્સલ રહી અને હોમ-ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે દિલ્હી કૅપિટલ્સને એક-એક પૉઇન્ટ મળ્યા હતા. વરસાદને કારણે હૈદરાબાદની પ્લેઑફની રેસમાં ટકી રહેવાની ધૂંધળી આશા પણ ધોવાઈ ગઈ હતી. આ મૅચ પહેલાં ગયા વર્ષની રનરઅપ ટીમ હૈદરાબાદની પ્લેઑફમાં પહોંચવાની ૦.૭ ટકા સંભાવના બાકી હતી. ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સ બાદ રેસમાંથી આઉટ થનાર એ ત્રીજી ટીમ બની હતી.

ટૉસ જીતીને પહેલાં બોલિંગ કરતાં પૅટ કમિન્સ (૧૯ રનમાં ત્રણ વિકેટ)ના શાનદાર પ્રદર્શનના આધારે દિલ્હીની અડધી ટીમને ૭.૧ ઓવરમાં ૨૯ રનમાં પૅવિલિયનભેગી કરી દીધી હતી. છઠ્ઠા ક્રમે આવેલા ટ્રિસ્ટન સ્ટબ્સે (૩૬ બૉલમાં ૪૧ રન અણનમ) સાતમી વિકેટ માટે ઇમ્પૅક્ટ પ્લેયર આશુતોષ શર્મા (૨૬ બૉલમાં ૪૧ રન) સાથે સાતમી વિકેટ માટે ૬૬ રનની પાર્ટનરશિપ કરીને ટીમની પ્રતિષ્ઠા બચાવીને સાત વિકેટે ૧૩૩ રનનો સ્કોર કર્યો હતો. સરળ ટાર્ગેટ ચેઝ કરીને બે પૉઇન્ટ મેળવવા આતુર હૈદરાબાદના બૅટર્સ વરસાદને લીધે બૅટિંગ કરી શક્યા નહોતા. ૨૬ એપ્રિલે પંજાબ કિંગ્સ અને કલકત્તા વચ્ચેની સીઝનની પહેલી રદ મૅચમાં પણ ઈડન ગાર્ડન્સમાં આવી જ સ્થિતિ જોવા મળી હતી.

IPL 2025 indian premier league delhi capitals sunrisers hyderabad Weather Update monsoon news news cricket news sports news sports