25 May, 2025 06:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સનરાઇઝર્સ હૈદરાબાદનો ઈશાન કિશન ૪૮ બૉલમાં ૯૪ રનની આક્રમક ઇનિંગ્સ રમ્યો હતો
IPL 2025ની ૬૫મી મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ૪૨ રને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે જીત મેળવી હતી. ગઈ કાલે લખનઉમાં બૅન્ગલોરે ઘરની બહારની મૅચમાં પહેલી વાર હારનો સામનો કરવો પડ્યો હતો. એ આ સીઝનમાં ઘરની બહાર તમામ ૬ મૅચ જીત્યું હતું.
હૈદરાબાદે ઈશાન કિશનની ૯૪ રનની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી ૬ વિકેટે ૨૩૧ રન ખડકી દીધા હતા. બૅન્ગલોરની બૅટિંગ સમયે ફાસ્ટ બોલર ઈશાન મલિંગાએ બૅન્ગલોરના ધુરંધરોને પૅવિલિયન પહોંચાડીને તેમને ૧૯.૫ ઓવરમાં ૧૮૯ રને ઑલઆઉટ કર્યા હતા. ૧૬ રનમાં છેલ્લી ૭ વિકેટ ગુમાવનાર બૅન્ગલોરની નંબર-વનના સ્થાને પહોંચવાની ઇચ્છા પર પાણી ફરી વળ્યું હતું.
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર હૈદરાબાદ માટે તેમની ઓપનિંગ જોડી અભિષેક શર્મા (૧૭ બૉલમાં ૩૪ રન) અને ટ્રેવિસ હેડે (૧૦ બૉલમાં ૧૭ રન) શાનદાર ૫૪ રનની ભાગીદારી કરી હતી. ત્યાર બાદ ચોથી ઓવરમાં બૅટિંગ માટે આવેલા ઈશાન કિશને ૧૯૫.૮૩ની સ્ટ્રાઇક-રેટથી ૪૮ બૉલમાં ૯૪ રનની અણનમ ઇનિંગ્સ રમીને ટીમનો સ્કોર ૨૩૧ રન સુધી પહોંચાડ્યો હતો. ત્રીજા ક્રમે આવેલા આ બૅટરે સાત ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકારીને ચાર મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ કરીને ટીમની ઇનિંગ્સ સંભાળી લીધી હતી.
બૅન્ગલોર માટે તેમના મીડિયમ ફાસ્ટ બોલર રોમારિયો શેફર્ડે બે ઓવરમાં ૧૪ રન આપીને સૌથી વધુ બે વિકેટ લીધી હતી. પોતાની બીજી IPL ટીમ હૈદરાબાદ સામે ૧૨ વર્ષ બાદ મૅચ રમવા ઊતરેલા ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર સહિત અન્ય ચાર બોલર્સને એક-એક સફળતા મળી હતી.
ટેસ્ટ-રિટાયરમેન્ટ બાદ પહેલી વાર મેદાન પર રમવા ઊતરેલા વિરાટ કોહલીએ (૨૫ બૉલમાં ૪૩ રન) ફિલ સૉલ્ટ (૩૨ બૉલમાં ૬૨ રન) સાથે ૮૦ રનની ધમાકેદાર ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. સ્ટૅન્ડ ઇન કૅપ્ટન જિતેશ શર્માએ (૧૫ બૉલમાં ૨૪ રન) ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે આવેલા રેગ્યુલર કૅપ્ટન રજત પાટીદાર (૧૬ બૉલમાં ૧૮ રન) સાથે ચોથી વિકેટ માટે ૪૪ રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર ૧૭૦ પ્લસ કર્યો હતો. ફાસ્ટ બોલર ઈશાન મલિંગાએ (૩૭ રનમાં બે વિકેટ) આ પાર્ટનરશિપ તોડવાની સાથે ખતરનાક ઑલરાઉન્ડર રોમારિયો શેફર્ડ (એક બૉલમાં ઝીરો રન) અને ટિમ ડેવિડ (પાંચ બૉલમાં એક રન)ની વિકેટ લઈને હૈદરાબાદની જીત સુનિશ્ચિત કરી હતી. હૈદરાબાદી કૅપ્ટન પૅટ કમિન્સે ચાર ઓવરમાં ૨૮ રન આપીને સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી.
પહેલી વાર એક વિકેટકીપરે સંભાળી RCBની કમાન
ગઈ કાલે હૈદરાબાદ (SRH) સામેની મૅચમાં બૅન્ગલોરે વિકેટકીપર-બૅટર જિતેશ શર્માને કૅપ્ટન્સી સોંપી હતી. આ મહિનાની શરૂઆતમાં આંગળીઓમાં થયેલી ઇન્જરીને કારણે સાવચેતીના ભાગરૂપે રેગ્યુલર કૅપ્ટન રજત પાટીદાર ફીલ્ડિંગ અને કૅપ્ટન્સી સંભાળવા માટે ઊતર્યો નહોતો. જોકે તે ઇમ્પૅક્ટ પ્લેયર્સના વિકલ્પોના લિસ્ટમાં સામેલ છે.
૧૧ કરોડ રૂપિયાની કિંમતમાં જિતેશ શર્માને બૅન્ગલોરે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તે RCBનો ઓવરઑલ નવમો કૅપ્ટન બન્યો છે. પહેલી વાર એક વિકેટકીપર તરીકે બૅન્ગલોરના કૅપ્ટન બનવાની સિદ્ધિ પણ મહારાષ્ટ્રના આ ૩૧ વર્ષના ક્રિકેટરે મેળવી હતી. આ પહેલાં તેણે મે ૨૦૨૪માં પંજાબ કિંગ્સ તરફથી હૈદરાબાદ સામે જ એકમાત્ર IPL મૅચમાં કૅપ્ટન્સી કરી હતી જેમાં હૈદરાબાદે ચાર વિકેટે જીત નોંધાવી હતી.
|
IPLમાં કોણ કેટલા પાણીમાં? |
||||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નો-રિઝલ્ટ |
નેટ રન-રેટ |
પૉઇન્ટ |
|
ગુજરાત |
૧૩ |
૯ |
૪ |
૦ |
+૦.૬૦૨ |
૧૮ |
|
પંજાબ |
૧૨ |
૮ |
૩ |
૧ |
+૦.૩૮૯ |
૧૭ |
|
બૅન્ગલોર |
૧૩ |
૮ |
૪ |
૧ |
+ ૦.૨૫૫ |
૧૭ |
|
મુંબઈ |
૧૩ |
૮ |
૫ |
૦ |
+૧.૨૯૨ |
૧૬ |
|
દિલ્હી |
૧૩ |
૬ |
૬ |
૧ |
-૦.૦૧૯ |
૧૩ |
|
લખનઉ |
૧૩ |
૬ |
૭ |
૦ |
-૦.૩૩૭ |
૧૨ |
|
કલકત્તા |
૧૩ |
૫ |
૬ |
૨ |
+૦.૧૯૩ |
૧૨ |
|
હૈદરાબાદ |
૧૩ |
૫ |
૭ |
૧ |
- ૦.૭૩૭ |
૧૧ |
|
રાજસ્થાન |
૧૪ |
૪ |
૧૦ |
૦ |
-૦.૫૪૯ |
૮ |
|
ચેન્નઈ |
૧૩ |
૩ |
૧૦ |
૦ |
-૧.૦૩૦ |
૬ |