ડિફેન્ડિંગ ચૅમ્પિયન કલકત્તાએ પોતાની સૌથી મોટી હાર સાથે સીઝનનો અંત કર્યો

27 May, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૈદરાબાદી ટીમે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને ૨૭૮ રન બનાવ્યા, કલકત્તા ૧૬૮ રને ઑલઆઉટ થઈને ૧૧૦ રનના વિશાળ અંતરથી હાર્યું

હેન્રિક ક્લાસેન

હેન્રિક ક્લાસેને ૩૭ બૉલની IPLની સંયુક્ત ત્રીજી ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારીને વિશાળ સ્કોર ઊભો કર્યો, ૨૦૨૩થી સળંગ પાંચ મૅચ હાર્યા બાદ પહેલી વાર કલકત્તાને માત આપી હૈદરાબાદે 

IPL 2025ના અંતિમ ડબલ હેડરના બીજા મુકાબલામાં ગઈ કાલે ગયા વર્ષની રનર-અપ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદે ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સને ૧૧૦ રને હરાવ્યું હતું. હૈદરાબાદે ત્રીજા ક્રમના બૅટર હેન્રિક ક્લાસેનની ૩૭ બૉલમાં ધમાકેદાર સેન્ચુરીની મદદથી ત્રણ વિકેટના નુકસાન સાથે ૨૭૮ રન ખડક્યા હતા. આ વિશાળ સ્કોર સામે કલકત્તા ૧૮.૪ ઓવરમાં ૧૬૮ રન બનાવી ઑલઆઉટ થયું હતું. રનના હિસાબે કલકત્તાની આ સૌથી મોટી હાર હતી.

ક્લાસેને IPLના ઇતિહાસમાં ક્રિસ ગેઇલ (૩૦ બૉલ) અને વૈભવ સૂર્યવંશી (૩૫ બૉલ) બાદ ત્રીજા ક્રમે યુસુફ પઠાણ (૩૭ બૉલ) સાથે સંયુક્ત રીતે ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો રેકૉર્ડ કર્યો હતો.

દિલ્હીમાં રમાયેલી આ મૅચમાં હૈદરાબાદે ૨૦૨૩ બાદ પહેલી વાર કલકત્તાને હરાવ્યું હતું, આ પહેલાંની પાંચ મૅચમાં કલકત્તાએ હૈદરાબાદને કારમી હાર આપી હતી. હૈદરાબાદે સળંગ ત્રણ મૅચ જીતીને અને કલક્તાને છેલ્લી ત્રણેય મૅચમાં જીતનો સ્વાદ ચાખ્યા વગર સીઝનનો અંત કર્યો છે. તેમની ૧૩ નંબરની મૅચ વરસાદને કારણે નો-રિઝલ્ટ રહી હતી.

ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરતાં હૈદરાબાદના ઓપનર્સ ટ્રૅવિસ હેડ (૪૦ બૉલમાં ૭૬ રન) અને અભિષેક શર્મા (૧૬ બૉલમાં ૩૨ રન)એ ૯૨ રનની ધમાકેદાર ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. ત્રીજા ક્રમે બૅટિંગ માટે આવેલા હેન્રિક ક્લાસેન (૩૯ બૉલમાં ૧૦૫ રન)એ સાત ચોગ્ગા અને નવ છગ્ગાની મદદથી ધમાકેદાર અણનમ ઇનિંગ્સ રમી હતી. ૧૭ બૉલમાં ફિફ્ટી અને ૩૭ બૉલમાં સેન્ચુરી પૂરી કરનાર ક્લાસેને બીજી વિકેટ માટે ટ્રૅવિસ હેડ અને ત્રીજી વિકેટ માટે ઈશાન કિશન (૨૦ બૉલમાં ૨૯ રન) સાથે ૮૩-૮૩ રનની પાર્ટનરશિપ કરી હતી.  કલકત્તાના છ બોલર્સમાંથી માત્ર સ્પિનર સુનીલ નારાયણ (૪૨ બૉલમાં ૦૨ વિકેટ) અને ફાસ્ટ બોલર વરુણ અરોરા (૩૯ બૉલમાં ૦૧ વિકેટ)ને સફળતા મળી હતી.

વિશાળ ટાર્ગેટ સામે કલકત્તાએ ૭.૬ ઓવરમાં ૭૦ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. કલકત્તા માટે સુનીલ નારાયણ (૧૬ બૉલમાં ૩૧ રન), મનીષ પાંડે (૨૩ બૉલમાં ૩૭ રન) અને હર્ષિત રાણા (૨૧ બૉલમાં ૩૪ રન) મોટી ઇનિંગ્સ રમી શક્યા હતા. હૈદરાબાદી ટીમ તરફથી સ્પિનર હર્ષ દુબે (૩૪ બૉલમાં ૩ વિકેટ) અને ફાસ્ટ બૉલર્સ ઈશાન મલિંગા (૩૧ બૉલમાં ૩ વિકેટ) તથા જયદેવ ઉનડક્ટ (૨૪ બૉલમાં ૩ વિકેટ) શાનદાર બોલિંગ કરીને કલકત્તાના બૅટિંગ યુનિટની હવા કાઢી નાખી હતી.

IPLમાં કોણ કેટલા પાણીમાં?

ટીમ

મૅચ

જીત

હાર

નો-રિઝલ્ટ

નેટ રન-રેટ

પૉઇન્ટ

ગુજરાત

૧૪

+૦.૨૫૪

૧૮

પંજાબ

૧૩

+ ૦.૩૨૭

૧૭

બૅન્ગલોર

૧૩

+ ૦.૨૫૫

૧૭

મુંબઈ

૧૩

+૧.૨૯૨

૧૬

દિલ્હી

૧૪

+૦.૦૧૧ 

૧૫

હૈદરાબાદ

૧૪

- ૦.૨૪૧

૧૩

લખનઉ

૧૩

-૦.૩૩૭

૧૨

કલકત્તા

૧૪

- ૦.૩૦૫

૧૨

રાજસ્થાન

૧૪

૧૦

-૦.૫૪૯

ચેન્નઈ

૧૪

૧૦

-૦.૬૪૭

 

indian premier league IPL 2025 kolkata knight riders sunrisers hyderabad cricket news sports news sports