પ્રભસિમરન સિંહના પપ્પાની બન્ને કિડની છે ફેલ, અઠવાડિયામાં ત્રણ વાર કરાવવું પડે છે ડાયાલિસિસ

06 May, 2025 10:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીકરો પંજાબ કિંગ્સ માટે ધૂમ મચાવે છે ત્યારે તેમના ચહેરા પર આવે છે સ્મિત

ઓપનર પ્રભસિમરન સિંહનો પપ્પા સાથેનો ફાઇલ ફોટો.

પંજાબ કિંગ્સનો ૨૪ વર્ષનો ઓપનર પ્રભસિમરન સિંહ વર્તમાન સીઝનમાં ટીમ માટે હાઇએસ્ટ ૪૩૭ રન ફટકારીને ધમાલ મચાવી રહ્યો છે. IPL ઇતિહાસના આ અનકૅપ્ડ હાઇએસ્ટ રન સ્કોરરના પપ્પા વિશે કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. તેના પપ્પા સુરજિત સિંહની બન્ને કિડની ફેલ હોવાથી લોહીને ફિલ્ટર અને શુદ્ધ કરવા માટે અઠવાડિયામાં ત્રણ વાર ડાયાલિસિસ કરાવવું પડે છે.

સુરજિત સિંહના મોટા ભાઈ અને પ્રભસિમરન સિંહના કાકા સતવિંદરપાલ સિંહે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘આજકાલ તે ફક્ત ત્યારે જ સ્મિત કરે છે જ્યારે IPLમાં પ્રભસિમરનને બૅટિંગ કરતા જુએ છે. તે અઠવાડિયામાં ત્રણ વાર ડાયાલિસિસ કરાવે છે. એક મોટા ભાઈ તરીકે હું તેને થતી પીડા જોઈ શકતો નથી. જ્યારે ડૉક્ટર ડાયાલિસિસ માટે ઘરે આવે છે ત્યારે મારે ઘરની બહાર જવું પડે છે.’

તેમણે આગળ કહ્યું કે ‘દરેક પંજાબ કિંગ્સ મૅચ પહેલાં હું તેને લિવિંગ રૂમમાં ટીવી પાસે લઈ જાઉં છું. અમે સાથે મૅચ જોઈએ છીએ અને દર વખતે જ્યારે કૅમેરા સિમ્મુ (પ્રભસિમરન) પર હોય છે ત્યારે તે સ્મિત કરે છે. બાઉન્ડરી ફટકારે તો તે હસતો રહે છે. એ ક્ષણોમાં તે જે પીડા છે એ ભૂલી જાય છે. ખરાબ શૉર્ટ રમે ત્યારે જોરથી બૂમ પાડે છે કે સમજદારીથી રમો. સોમવારે પ્રભસિમરને હેલ્થ અપડેટ લેવા ફોન કર્યો ત્યારે તેણે સેન્ચુરી ચૂકી જવા બદલ તેને ઠપકો આપ્યો હતો.’

ipl 2025 punjab kings cricket news sports sports news indian premier league