14 April, 2025 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઓરૅન્જ કૅપ હોલ્ડર નિકોલસ પૂરન સાથે મૅચ વચ્ચે મસ્તી કરતો ગુજરાતનો સ્પિનર રાશિદ ખાન.
ગુજરાતે છ વિકેટ ગુમાવીને કર્યા હતા ૧૮૦ રન, લખનઉએ ત્રણ બૉલ પહેલાં ૧૮૬ રન ફટકારીને ૬ વિકેટે જીત મેળવી
IPL 2025ના પાંચમા ડબલ હેડરના ગઈ કાલે પહેલા મુકાબલામાં ગુજરાત ટાઇટન્સ સામે હોમ ટીમ લખનઉ સુપર જાયન્ટ્સે છ વિકેટે જીત નોંધાવી હતી. વર્તમાન સીઝનની ૨૬મી મૅચમાં ગુજરાતે ૧૨૦ રનની સીઝનની પહેલી ૧૦૦ પ્લસ રનની ઓપનિંગ પાર્ટનરશિપની મદદથી છ વિકેટે ૧૮૦ રન બનાવ્યા હતા. જવાબમાં એકેના સ્ટેડિયમમાં લખનઉએ ૧૯.૩ ઓવરમાં ચાર વિકેટે ૧૮૬ રન ફટકારીને ૧૮૧ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ૫૦મી IPL મૅચ રમનાર લખનઉએ સળંગ ચાર મૅચ જીતીને આવેલા ગુજરાત સામે આ ઓવરઑલ સળંગ બીજી જીત મેળવી હતી, જ્યારે વર્તમાન સીઝનમાં રિષભ પંત ઍન્ડ કંપનીએ જીતની હૅટ-ટ્રિક કરી છે.
૫૦મી IPL મૅચ રમનાર લખનઉ માટે ઓપનર ઍડમ માર્કરમ બન્યો પ્લેયર ઑફ ધ મૅચ.
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરતાં ગુજરાતે કૅપ્ટન શુભમન ગિલ (૩૮ બૉલમાં ૬૦ રન) અને સાઈ સુદર્શન (૩૭ બૉલમાં ૫૬ રન) સાથે ૧૨.૧ ઓવર સુધીમાં ૧૨૦ રનની પાર્ટનરશિપ કરી હતી, પણ ત્યાર પછી ૫૬ રનની અંદર ૬ વિકેટ ગુમાવીને ગુજરાતની ટીમ ૧૮૦ રનના સ્કોર પર અટકી ગઈ હતી. ઓપનર્સ બાદ જૉસ બટલર (૧૪ બૉલમાં ૧૬ રન) અને શેરફેન રૂધરફોર્ડ (૧૯ બૉલમાં બાવીસ રન) જ મોટી ઇનિંગ્સ રમી શક્યા હતા. લખનઉ માટે ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુર (૩૪ રનમાં બે વિકેટ) અને સ્પિનર રવિ બિશ્નોઈ (૩૬ રનમાં બે વિકેટ)એ સૌથી વધુ વિકેટ લીધી હતી. છેલ્લી ઓવરમાં હૅટ-ટ્રિક વિકેટ લેતાં ચૂકી જનાર શાર્દૂલ ઠાકુરે ૨૦૦ T20 વિકેટ પણ પૂર્ણ કરી હતી.
ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલા લખનઉના ઓપનર ઍડન માર્કરમે (૩૧ બૉલમાં ૫૮ રન) પોતાના નવા ઓપનિંગ પાર્ટનર રિષભ પંત (૧૮ બૉલમાં ૨૧ રન) સાથે ૬.૨ ઓવરમાં ૬૫ રનની પાર્ટનરશિપ કરીને જીતનો પાયો નાખ્યો હતો. IPLમાં પાંચમી વાર અને ૨૦૧૬ બાદ પહેલી વાર ઓપનિંગ માટે ઊતરેલા IPLના સૌથી મોંઘા પ્લેયરે વર્તમાન સીઝનમાં પહેલી વાર ૨૦ પ્લસનો સ્કોર કર્યો હતો. માર્કરમે વાઇસ-કૅપ્ટન નિકોલસ પૂરન (૩૪ બૉલમાં ૬૧ રન) સાથે બીજી વિકેટ માટે ૫૮ રનની ભાગીદારી કરી હતી. એક ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી ધમાકેદાર ઇનિંગ્સ રમનાર પૂરને ઇમ્પૅક્ટ પ્લેયર આયુષ બદોની (૨૦ બૉલમાં ૨૮ રન અણનમ) સાથે ત્રીજી વિકેટ માટે ૩૨ રનની પાર્ટનરશિપની મદદથી ૧૫ ઓવરમાં ૧૫૦ પ્લસનો સ્કોર કરી જીત સુનિશ્ચિત કરી દીધી હતી. ઑલમોસ્ટ પાંચ જેટલા કૅચ છોડનાર ગુજરાત માટે ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના (૨૬ રનમાં બે વિકેટ)ને સૌથી વધુ સફળતા મળી હતી.
50.30
IPLમાં ૫૦૦ પ્લસ રન કરનાર પ્લેયર્સ વચ્ચે આટલી હાઇએસ્ટ ઍવરેજ ધરાવે છે સાઈ સુદર્શન.
2000
આટલા રન ગુજરાત ટાઇટન્સ માટે ફટકારનાર પહેલો પ્લેયર બન્યો શુભમન ગિલ.