લખનઉ સામે છેલ્લી ઓવરમાં માત્ર ૯ રન જોઈતા હતા ત્યારે બે રનથી હારેલા રાજસ્થાન સામે મૅચ-ફિક્સિંગનો આરોપ

25 April, 2025 06:53 AM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

જોકે રાજસ્થાને ચીફ મિનિસ્ટર સમક્ષ ફરિયાદ નોંધાવીને આ આક્ષેપને નકારી કાઢ્યો. ૧૮૧ રનના ટાર્ગેટ માટે જ્યારે રાજસ્થાનને અંતિમ ઓવરમાં નવ રનની જરૂર હતી ત્યારે ટીમના પ્લેયર્સ માત્ર છ રન બનાવીને જીતવાની મૅચ હારી ગયા હતા.

રાજસ્થાન ક્રિકેટ બોર્ડના ઍડ-હૉક કમિટીના કન્વીનર જયદીપ બિહાની

જયપુરમાં ૧૯ એપ્રિલે લખનઉ સુપર જાયન્ટ્સે રાજસ્થાન રૉયલ્સ સામે બે રનથી રોમાંચક જીત મેળવી હતી. ૧૮૧ રનના ટાર્ગેટ માટે જ્યારે રાજસ્થાનને અંતિમ ઓવરમાં નવ રનની જરૂર હતી ત્યારે ટીમના પ્લેયર્સ માત્ર છ રન બનાવીને જીતવાની મૅચ હારી ગયા હતા. આ નાટકીય મુકાબલાએ એક મોટો વિવાદ ઊભો કર્યો છે. BJPના નેતા અને રાજસ્થાન ક્રિકેટ બોર્ડના ઍડ-હૉક કમિટીના કન્વીનર જયદીપ બિહાનીએ એક ઇન્ટરવ્યુમાં આ મૅચ વિશે કહ્યું હતું કે એક બાળક પણ કહી શકે છે કે મૅચ ફિક્સ હતી.

રાજસ્થાન રૉયલ્સે આ ઘટના બાદ એક સાહસિક પગલું ભર્યું અને રાજસ્થાનના મુખ્ય પ્રધાન, રમતગમત પ્રધાન અને રાજ્યના રમતગમત સચિવને આ બાબતે ફરિયાદ નોંધાવી છે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘અમે ઍડ-હૉક કમિટીના કન્વીનર દ્વારા લગાડવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢીએ છીએ. આવા જાહેર નિવેદનો માત્ર ભ્રામક જ નથી, પણ રાજસ્થાન રૉયલ્સની પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાને પણ ગંભીર નુકસાન પહોંચાડે છે. એ ક્રિકેટની અખંડિતતાને પણ કલંકિત કરે છે. આવા બેજવાબદાર નિવેદનો ફક્ત ટીમને જ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ, રાજસ્થાન સ્પોર્ટ્‍સ કાઉન્સિલ અને સમગ્ર રમતને નુકસાન પહોંચાડે છે.’

lucknow super giants rajasthan royals IPL 2025 indian premier league cricket news sports news