28 April, 2025 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડેવાલ્ડ બ્રેવિસ અને અનિલ કુંબલે
સાઉથ આફ્રિકાના ૨૧ વર્ષના બૅટિંગ ઑલરાઉન્ડર ડેવાલ્ડ બ્રેવિસે પોતાની બીજી IPL ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ માટે શાનદાર ડેબ્યુ કર્યું હતું. તેણે હાલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પચીસ બૉલમાં એક ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ૪૨ રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. તેને સીઝનની વચ્ચે ઇન્જર્ડ પ્લેયર્સના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
ડેવાલ્ડ બ્રેવિસના આ પ્રભાવશાળી પ્રદર્શનને જોઈને ભૂતપૂર્વ ભારતીય સ્પિનર અનિલ કુંબલે કહે છે કે ‘તેની સ્પિન રમવાની ક્ષમતા ખરેખર સારી છે. તે રિપ્લેસમેન્ટ તરીકે આવ્યા હતો, મૂળ ટીમનો ભાગ પણ નહોતો અને તે મને યાદ અપાવે છે કે કેવી રીતે યુનિવર્સ બૉસ (ક્રિસ ગેઇલ) પણ ૨૦૧૧માં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુમાં રિપ્લેસમેન્ટ તરીકે આવીને એક આઇકન પ્લેયર બન્યો હતો. આ ઘણી વાર ચોક્કસ ટીમો માટે વરદાન બની શકે છે. બ્રેવિસ પાસે બધી કુશળતા છે. બ્રેવિસમાં લાંબા સમય સુધી ચેન્નઈ માટે એક સંપત્તિ બનવાની ક્ષમતા છે.’ ચેન્નઈના ડેવાલ્ડ બ્રેવિસે ૪૨ રન ફટકાર્યા હતા.