15 April, 2025 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૅટ્સમેનોના બૅટના કદની તપાસ
ક્રિકેટર્સ યોગ્ય કદના બૅટનો ઉપયોગ કરી રહ્યા છે કે નહીં એની તપાસ મૅચ પહેલાં મેદાનની બહાર થતી હતી, પણ ગયા રવિવારથી IPLમાં મેદાન પર પણ બૅટ્સમેનોના બૅટના કદની તપાસ થઈ રહી છે. પાવર-હિટિંગના આ યુગમાં વધુ સતર્ક રહેવા માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે મૅચ-અધિકારીઓને જરૂર પડ્યે મેદાન પર બૅટની કોઈ પણ પ્રકારની તપાસ કરવાની મંજૂરી આપી છે. બૅટનું કદ તપાસવા માટે બૅટ-ગેજ નામના ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે. જો બૅટ એ ગેજમાંથી પસાર થાય છે તો એ સ્વીકાર્ય માનવામાં આવે છે. રવિવારે ડબલ હેડર મુકાબલા સમયે ફિલ સૉલ્ટ, શિમરન હેટમાયર અને હાર્દિક પંડ્યાના બૅટની તપાસ કરવામાં આવી હતી.
IPLના નિયમો અનુસાર બૅટના આગળના ભાગની પહોળાઈ ૧૦.૭૯ સેન્ટિમીટર, મધ્ય ભાગની જાડાઈ ૬.૭ સેન્ટિમીટર, ધારની પહોળાઈ ૦૪ સેન્ટિમીટર અને લંબાઈ ૯૬.૪ સેન્ટિમીટરથી વધુ ન હોવી જોઈએ. રવિવારે ૫૦૦થી વધુ સિક્સરનો આંકડો વટાવનાર ટુર્નામેન્ટની આ સીઝનમાં નિયમો ન તૂટે એના માટે આ પ્રથા શરૂ થઈ છે.