IPLમાં ૧૨ વર્ષ પછી સદી ફટકારનાર રોહિત શર્માએ T20માં ૫૦૦ સિક્સરનો એશિયન રેકૉર્ડ કર્યો

16 April, 2024 07:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચેન્નઈ માટે ૨૫૦મી મૅચમાં ધોનીએ ૫૦૦૦ રન પૂરા કર્યા

પ્રથમ ઇનિંગ્સના અંતે પૅવિલિયન તરફ પાછા ફરતા ધોનીએ નાનકડા ફૅનને બૉલ ગિફ્ટ આપ્યો હતો. ૧૧ ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી રોહિત શર્માએ ૬૩ બૉલમાં ૧૦૫ રન કર્યા હતા.

આજની મૅચ: કોલકાતા નાઇટ રાઇડર્સ v/s રાજસ્થાન રૉયલ્સ, સાંજે ૭.૩૦ વાગ્યે, કલકત્તા
આવતી કાલની મૅચ : ગુજરાત ટાઇટન્સ v/s દિલ્હી કૅપિટલ્સ,  સાંજે ૭.૩૦ વાગ્યે, અમદાવાદ

રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનમાં મુંબઈ અને ચેન્નઈ વચ્ચેની એકમાત્ર મૅચ પૈસા-વસૂલ રહી હતી. પહેલી વાર ભૂતપૂર્વ કૅપ્ટન એમ. એસ. ધોની અને રોહિત શર્મા એક સામાન્ય ખેલાડી તરીકે એકમેક સામે રમ્યા અને બન્નેએ મહેફિલ લૂંટી લીધી હતી. મુંબઈ ઇન્ડિન્સે ટૉસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો હતો. ચેન્નઈ સુપર કિંગ્સે કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (૬૯ રન), શિવમ દુબે ( ૬૬ રન) અને એમ. એસ. ધોની (૨૦ રન)ની તોફાની ઇનિંગ્સની મદદથી ૪ વિકેટ ગુમાવીને ૨૦૬ રન બનાવ્યા હતા. જવાબમાં ૭૦ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરવા છતાં મુંબઈ ૬ વિકેટ ગુમાવીને ૧૮૬ રન જ બનાવી શકી હતી. 

મેદાન પર બૅટિંગ માટે ઊતરતાંની સાથે જ મહેન્દ્ર સિંહ ધોનીએ ઇતિહાસ રચી દીધો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ માટે ૨૫૦મી મૅચ રમનાર તે એકમાત્ર ખેલાડી બન્યો છે. આ મૅચમાં ચૅમ્પિયન્સ લીગની ૨૪ મૅચ પણ સામેલ છે. ૪૨ વર્ષના ધોનીએ કૅપ્ટન હાર્દિક પંડ્યાની ઓવરમાં ૫૦૦ના સ્ટ્રાઇક-રેટથી ૪ બૉલમાં ૩ સિક્સરની મદદથી ૨૦ રન ફટકારીને ચેન્નઈનો સ્કોર ૪ વિકેટે ૨૦૬ રન સુધી પહોંચાડ્યો હતો. પ્રથમ સિક્સર ફટકારતાંની સાથે જ તે ચેન્નઈ માટે ૫૦૦૦ રન પૂરા કરનાર સુરેશ રૈના (૫૫૨૯ રન) પછી બીજો બૅટ્સમૅન બન્યો છે. ચેન્નઈ માટે ૨૫૦મી મૅચ રમતા મહેન્દ્ર સિંહ ધોનીએ વિરાટ કોહલીના રેકૉર્ડની પણ બરાબરી કરી લીધી છે. વિરાટ કોહલી હાલમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે ૨૫૦મી મૅચ રમ્યો હતો. 

મુંબઈના ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્માએ ૨૦૧૨ પછી ૧૨ વર્ષના અંતરે IPLની બીજી સેન્ચુરી ફટકારી હતી. ૧૧ ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી રોહિત શર્માએ ૬૩ બૉલમાં ૧૦૫ રન કર્યા હતા. રોહિત પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. રોહિત શર્મા T20માં ૫૦૦ સિક્સર ફટકારનાર પ્રથમ એશિયન ક્રિકેટર બન્યો છે. ૫૦૦ T20 સિક્સર પૂરી કરનાર તે પાંચમો અને પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો છે.

sports news sports cricket news IPL 2024 rohit sharma mahendra singh dhoni