હારની હૅટ-ટ્રિકથી બચી શકશે પંજાબ કિંગ્સ?

18 April, 2024 07:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોહિત શર્મા ૨૫૦મી મૅચ રમીને મહેન્દ્ર સિંહ ધોની બાદ સૌથી વધારે IPL મૅચ રમનાર ખેલાડી બનશે

ipl 2024

આજની મૅચ :મુંબઈ ઇન્ડિયન્સ v/s પંજાબ કિંગ્સ,  સાંજે ૭.૩૦ વાગ્યે, મુલ્લાંપુ
આવતી કાલની મૅચ : લખનઉ સુપર જાયન્ટ્સ v/s ચેન્નઈ સુપર કિંગ્સ,  સાંજે ૭.૩૦ વાગ્યે, લખનઉ

આજે મુલ્લાંપુરમાં મહારાજા યાદવેન્દ્રસિંહ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રમિયર લીગ (IPL) 2024ની ૩૨મી ટક્કર પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે થશે. બન્ને ટીમ ૧૭મી સીઝનમાં તેમના નિષ્ફળ અભિયાનને જીતના ટ્રૅક પર લાવવા ઉત્સુક હશે. મુંબઈ સામે જીત મેળવીને પંજાબ હારની હૅટ-ટ્રિકથી બચવાનો પ્રયાસ કરશે. મુંબઈ અને પંજાબ વચ્ચે હમણાં સુધી ૩૧ મૅચ રમાઈ છે જેમાં ૧૫માં પંજાબની અને ૧૬માં મુંબઈની જીત થઈ છે. આજે પંજાબ પાસે હેડ-ટુ-હેડ રેકૉર્ડ બરાબર કરવાની સુવર્ણ તક છે. 

છ મૅચ બાદ ચાર-ચાર મૅચ હારીને બન્ને ટીમના સરખા ચાર પૉઇન્ટ છે. અગાઉની મૅચો હારી ચૂકેલી બન્ને ટીમોએ કરેલા નેટ રન રેટમાં જરાક તફાવત છે. પંજાબ માઇનસ ૦.૨૧૮ના નેટ રન રેટ સાથે સાતમા સ્થાને છે, જ્યારે મુંબઈ (માઇનસ ૦.૨૩૪) આઠમા સ્થાને છે. ૩૬ વર્ષનો રોહિત શર્મા આજે ૨૫૦મી IPL મૅચ રમવા ઊતરશે. તે મહેન્દ્ર સિંહ ધોની (૨૫૬ મૅચ) બાદ સૌથી વધારે IPL મૅચ રમનાર ખેલાડી બની જશે. હાલમાં રોહિત શર્મા અને દિનેશ કાર્તિક ૨૪૯ મૅચ સાથે સંયુક્ત રીતે આ લિસ્ટમાં બીજા સ્થાને છે. 

નિયમિત કૅપ્ટન શિખર ધવન ખભાની ઈજાને કારણે ‘૧૦ દિવસ’ માટે બહાર હોવાથી સૅમ કરૅનની કૅપ્ટન્સીમાં પંજાબ માટે એના ટૉપ ઑર્ડરમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પડકાર વધી ગયો છે. 
વાનખેડેમાં રોહિતની શાનદાર સેન્ચુરી છતાં હારેલી મુંબઈની ટીમ પલટાવવાની પૂરતી ક્ષમતા ધરાવે છે. હાર્દિક (૩ વિકેટ અને ૧૩૧ રન)ના ફૉર્મ અને ટીમમાં ભૂમિકા પર સવાલો ઊઠી રહ્યા છે. ઑલરાઉન્ડરે બોલિંગ વિભાગમાં જવાબદારી વહેંચવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ એનો ૧૨નો ઇકૉનૉમી રેટ ચિંતાજનક છે. 

જીતનો રેકૉર્ડ બરાબર કરવાની  પંજાબ પાસે સ્વર્ણિમ તક 
કુલ મૅચ            ૩૧ 
પંજાબની જીત    ૧૫ 
મુંબઈની જીત    ૧૬ 

sports news sports cricket news IPL 2024 punjab kings mumbai indians hardik pandya rohit sharma ms dhoni