આઇપીએલ ૨૦૨૪ની ફાઇનલ ૨૬ મેએ રમાઈ શકે છે : પાંચ દિવસ પછી રમાશે બાદ ટી૨૦ વર્લ્ડ કપ

23 January, 2024 07:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇપીએલ ૨૦૨૪ની શરૂઆત બાવીસમી માર્ચે થવાની સંભાવના: ભારતમાં લોકસભા ઇલેક્શનને કારણે હજી સુધી લીગનો કાર્યક્રમ જાહેર નથી થયો

આઈપીએલ ટ્રોફી

મુંબઈ : ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૭મી સીઝન ૨૨ માર્ચથી શરૂ થાય એવી સંભાવના છે. જ્યારે એની ફાઇનલ ૨૬ મેએ રમાઈ શકે છે. મહત્ત્વનું છે કે જો આ તારીખ પ્રમાણે લીગ રમાશે તો ફાઇનલ મૅચના પાંચ દિવસ બાદ જ ટી૨૦ વર્લ્ડ કપની શરૂઆત થશે. ૧ જૂનથી વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકામાં ટી૨૦ વર્લ્ડ કપની શરૂઆત થશે. ભારતીય ટીમ છેલ્લાં ૧૭ વર્ષથી ટી૨૦ વર્લ્ડ કપ જીતી શકી નથી. છેલ્લે અને એકમાત્ર ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમે ૨૦૦૭માં ટી૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો.

ભારતીય ટીમ આઇપીએલ બાદ કુલ ત્રણ વાર ટી૨૦ વર્લ્ડ કપ રમવા મેદાન પર ઊતરી છે અને ત્રણેય વાર ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજની બહાર પણ જઈ શકી નથી. આ વખતે પણ ભારતના ટી૨૦ વર્લ્ડ કપ સ્ક્વૉડમાં રહેનાર મોટા ભાગના ખેલાડીઓ આઇપીએલમાં વ્યસ્ત હશે. એવામાં એકસાથે તૈયારી માટે ભારતીય ખેલાડીઓને ઘણો ઓછો સમય મળશે.

વિદેશી ખેલાડીઓ પણ ફાઇનલ સુધી ભારતમાં રહેશે
આઇપીએલ પહેલાં તમામ દેશનાં ક્રિકેટ બોર્ડે કહી દીધું છે કે તેમના ખેલાડીઓ ટુર્નામેન્ટ રમવા માટે ફાઇનલ સુધી ઉપલબ્ધ રહેશે. એવામાં બાકી ટીમના ખેલાડીઓને એકસાથે તૈયારી કરવા માટે ઓછો સમય મળશે. જોકે પ્લેઑફમાં નહીં પહોંચનાર ટીમના ખેલાડીઓ જરૂર નૅશનલ ટીમ સાથે ૨૬ મે પહેલાં જોડાઈ શકે છે.

લીગનો કાર્યક્રમ જાહેર નથી થયો
આઇપીએલની ૧૭મી સીઝનનો ઑફિશ્યલ કાર્યક્રમ લોકસભા ઇલેક્શનની તારીખને કારણે હજી સુધી જાહેર નથી થયો. લોકસભાના ઇલેક્શન સમયે આઇપીએલના ખેલાડીઓને સિક્યૉરિટીનો મુદ્દો હાલ બોર્ડ માટે સૌથી મહત્ત્વનો છે. એટલા માટે ભારતીય ક્રિકેટ બોર્ડે લીગનો કાર્યક્રમ જાહેર નથી કર્યો. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે બાર્ડે આઇપીએલની તારીખ નક્કી કરી લીધી છે. ટુર્નામેન્ટ ૨૨ માર્ચથી શરૂ થશે અને ૨૬ મેએ ફાઇનલ મૅચ રમાશે. ઇલેક્શનની તારીખ સામે આવતાં લીગનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવશે. આઇપીએલની ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ છે.

પાંચ દિવસ પહેલાં મહિલા પ્રીમિયર લીગ પૂરી થશે
તો બીજી તરફ ગયા વર્ષથી શરૂ થયેલી મહિલા પ્રીમિયર લીગની આ વર્ષે બીજી સીઝન રમાશે. આ મહિલા પ્રીમિયર લીગ પણ ઇન્ડિયન પ્રીમિયર લીગ પહેલાં જ રમાશે. મળતી માહિતી પ્રમાણે મહિલા પ્રીમિયર લીગ ૨૨ ફેબ્રુઆરીથી શરૂ થશે અને ૧૭ માર્ચ સુધી ચાલશે. એના પાંચ દિવસ બાદ આઇપીએલ ૨૦૨૪ની શરૂઆત થવાની સંભાવના છે. મહિલા પ્રીમિયર લીગનો કાર્યક્રમ આ સપ્તાહમાં બોર્ડ જાહેર કરે એવી પૂરેપૂરી સંભાવના છે. તો બીજી તરફ બોર્ડે મહિલા પ્રીમિયર લીગ માટે બૅન્ગલોર અને દિલ્હી એમ બે શહેર પસંદ કર્યાં છે.

sports news sports board of control for cricket in india cricket news indian premier league womens premier league