IPL 2023 : સાથીઓ મારા પર ખિજાઈ જાય એવો કૅપ્ટન છું : ધોની

25 May, 2023 10:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘કૂલ કૅપ્ટન’ તરીકે જાણીતા ચેન્નઈના લેજન્ડરી કૅપ્ટને કહ્યું કે ‘હું મારા દરેક ખેલાડીને કહેતો હોઉં છું કે ફીલ્ડિંગ દરમ્યાન મારા પર જ નજર રાખજો’

૨૦૦૮ની પ્રથમ આઇપીએલમાં અને હાલ ૨૦૨૩ની આઇપીએલમાં ધોની.

ક્રિકેટમાં કૅપ્ટન વિશે ચર્ચા થાય ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીનું નામ સૌથી પહેલાં લેવાય. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલો અને આઇપીએલમાં ચેન્નઈને મુંબઈની જેમ પાંચમું ટાઇટલ જિતાડવાની દિશામાં આગળ વધી રહેલી ચેન્નઈની ટીમનો સુકાની ધોની ચતુર અને મગજને શાંત રાખીને ઉત્તમ નિર્ણયો લેનાર ‘કૂલ કૅપ્ટન’ તરીકે જાણીતો છે. જોકે મંગળવારે ગુજરાત ટાઇટન્સ સામેના રોમાંચક વિજય બાદ અને ચેન્નઈને વિક્રમજનક ૧૦મી વાર ફાઇનલમાં પહોંચાડ્યા બાદ તેણે ચોંકાવી દેતાં વિધાનો કહ્યાં. તેણે સાથી ખેલાડીઓને ખૂબ પરેશાન કરી મૂકનારા કૅપ્ટન તરીકે પોતાની ઓળખ આપી હતી.

ધોનીએ ઍન્કર હર્ષા ભોગલેને કહ્યું કે ‘હું વારંવાર ફીલ્ડરની પૉઝિશન બદલતો હોઉં છું. ક્યારેક એક-બે ફુટ આગળ આવવા કહું તો ક્યારેક એક-બે ફુટ પાછળ જવા કે સાઇડ પર ખસવા કહું. આવું કરવામાં આવે તો કોઈ પણ ખેલાડી ખિજાઈ જાય. એટલે જ હું પોતાને એવો કૅપ્ટન ગણાવું છું કે જેના પર સાથી પ્લેયર્સને ચીડ ચઢે. જોકે આ બધું હું વિકેટ મળી શકે એ માટે તેમ જ ટીમની જરૂરિયાત માટે જ કરતો હોઉં છું. મારી અંદર એક પ્રકારનો અવાજ આવતો હોય છે અને એ અવાજ જ હું સાંભળું છું અને એ મુજબ નિર્ણય લઉં છું. હું ટીમના દરેક ખેલાડીને કહેતો હોઉં છું કે તે પોતાની નજર મારા પર જ રાખે. કૅચ છૂટશે તો હું કંઈ નહીં બોલું, પણ દરેકે નજર તો મારા પર જ રાખવી જોઈશે કે જેથી હું તેમનામાંથી કોઈની ફીલ્ડ પૉઝિશન બદલવા માગું તો તરત બદલી શકું.’

 કહેવાય છેને કે પુરુષો કદી રડતા નથી. જોકે તમને હું એક કિસ્સો કહું. સીએસકેએ બે વર્ષના બૅન પછી ૨૦૧૮માં કમબૅક કર્યું ત્યારે ધોની ડિનરમાં અને પછી આખી રાત ભાવુક થઈને ખૂબ રડ્યો હતો. ત્યારે બધા અમને ‘બુઢ્ઢાઓની ટીમ’ કહેતા હતા, પણ અમે ટ્રોફી જીત્યા હતા. - હરભજન સિંહ

આઇપીએલને લીધે ખૂબ થાકી ગયો છું. હું ચાર મહિનાથી ઘરની બહાર છું. ૩૧ જાન્યુઆરીએ ઘરેથી નીકળ્યો અને મારું કેટલુંક કામ પૂરું કર્યા પછી માર્ચથી એકધારી પ્રૅક્ટિસ કરતો હતો. - મહેન્દ્ર સિંહ ધોની

 

sports news sports cricket news chennai super kings ms dhoni indian premier league ipl 2023