KKR vs LSG : લખનઉનું લક્ષ્ય ટૉપ-ટૂ, કલકત્તાને પ્લે-ઑફનો નહીંવત્ ચાન્સ

20 May, 2023 01:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેઘરાજા પણ આજે નડી શકે

લખનઉ ગ્રીન-મરૂન જર્સીમાં

ઈડન ગાર્ડન્સમાં આજે યજમાન કલકત્તા નાઇટ રાઇડર્સ સામે જીતીને લખનઉ સુપર જાયન્ટ્સને ટૉપ-ટૂમાં પહોંચવાનો મોકો છે, જ્યારે કલકત્તાએ પ્લે-ઑફમાં પહોંચવાનું જ લગભગ ભૂલી જવું પડે એમ છે ત્યારે છેલ્લા બે દિવસથી કલકત્તામાં વરસાદ પડ્યો હોવાથી અને આજે વાદળિયા હવામાનની આગાહી હોવાથી મેઘરાજા કોઈક રીતે બન્ને ટીમની તેમ જ કરોડો ક્રિકેટપ્રેમીઓની મજા બગાડે તો નવાઈ નહીં.

આજે બપોરની મૅચમાં જો દિલ્હી સામે ચેન્નઈ હારી ગયું હશે તો પછીની મૅચમાં લખનઉ માટે આજના વિજય સાથે ટૉપ-ટૂમાં પહોંચવાનો માર્ગ સરળ થઈ જશે. જોકે કૃણાલ પંડ્યાના સુકાનમાં લખનઉ આજે જો હારશે તો એણે મુંબઈ અથવા બૅન્ગલોર બેમાંથી એક ટીમ પોતાની છેલ્લી લીગ મૅચ હારી જાય એવી પ્રાર્થના કરવી પડશે.

નીતીશ રાણાની કલકત્તાની ટીમનો નેટ રન-રેટ ઘણા દિવસથી ખરાબ હતો અને એમાં હોમ-ગ્રાઉન્ડ પર રાજસ્થાન અને ચેન્નઈ સામે અનુક્રમે ૯ વિકેટ તથા ૪૯ રનના તફાવત સાથે પરાજિત થતાં એની (કલકત્તાની) હાલત વધુ કફોડી થઈ હતી અને એનું પરિણામ એને અત્યારે જોવા મળી રહ્યું છે.

લખનઉ ગ્રીન-મરૂન જર્સીમાં

લખનઉની ટીમના ખેલાડીઓ આજે રેગ્યુલર બ્લુ કલરની જર્સીને બદલે પશ્ચિમ બંગાળના ફુટબૉલ-જાયન્ટ મોહન બગાન માટે આઇકૉનિક ગ્રીન અને મરૂન જર્સીમાં રમતા જોવા મળશે.

sports sports news cricket news indian premier league ipl 2023 lucknow super giants kolkata knight riders