CSK vs DC : ચેન્નઈ બારમી વખત પ્લે-ઑફમાં

21 May, 2023 01:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઋતુરાજ, કૉન્વે અને દીપક ચાહરના પ્રદર્શનને કારણે દિલ્હીને ૭૭ રનથી હરાવી દીધું

ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કૉન્વે વચ્ચે થઈ ૧૪૧ રનની પાર્ટનરશિપ

ડેવોન કૉન્વે, રૂતુરાજ ગાયકવાડ અને દીપક ચાહરની શાનદાર રમતને કારણે ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને ૭૭ રનથી હરાવીને આઇપીએલના પ્લે-ઑફમાં સ્થાન મેળવ્યું હતું. ચેન્નઈએ ટોસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય લેતાં કૉનવે (૮૭ રન) અને ગાયકવાડના (૭૯) રનના કારણે ચેન્નઈએ ત્રણ વિકેટે ૨૨૩ રનનો પડકારજનક સ્કોર કર્યો હતો. જવાબમાં દિલ્હીના કૅપ્ટન ડેવિડ વૉર્નરે એકમાત્ર સંઘર્ષ કરતાં ૫૮ બૉલમાં ૮૬ રન બનાવ્યા હતા, પરંતુ સમગ્ર ટીમ ૨૦ ઓવરમાં નવ વિકેટે માત્ર ૧૪૬ રન જ બનાવી શકી હતી. વૉર્નરને બાદ કરતાં કોઈ પણ બૅટર્સ ૧૫ના સ્કોરને પણ આંબી શક્યો નહોતો. પૃથ્વી શો, યશ ધુલ, લલિત પટેલ અને અમન હકીમ નિષ્ફળ રહ્યા હતા. આ વિજય સાથે ચેન્નઈની ટીમના ૧૭ પૉઇન્ટ થયા હતા તેમ જ ક્વૉલિફાયરમાં જનારી ગુજરાત બાદ બીજી ટીમ બની હતી.

ટીમ ફર્સ્ટ ફિલોસૉફી

ચેન્નઈની ટીમ અત્યાર સુધી કુલ ૧૪ વખત આઇપીએલમાં રમી છે, બે વર્ષ એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, છતાં ૧૨મી વખત આઇપીએલના પ્લે-ઑફમાં પહોંચી છે, જેનું શ્રેય કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને જાય છે, પણ ધોનીએ કહ્યું હતું કે ટીમ ફર્સ્ટ ફિલોસૉફી અને કો-ઑપરેટિવ મૅનેજમેન્ટને કારણે આ શક્ય બન્યું હતું. ધોની પોતે છેક આઠમા નંબરે આવતો હતો તેમ જ શિવમ દુબે જેવા ખેલાડીને તક આપતો નજરે પડ્યો હતો. ટીમના પ્લે-ઑફના રેકૉર્ડ વિશે કહેતાં તેણે કહ્યું હતું કે ‘અમે શ્રેષ્ઠ ખેલાડીઓ પસંદ કરીએ છીએ તેમ જ તેમને શ્રેષ્ઠ સમયે મોકલીયે છીએ. તેઓ જે ક્ષેત્રમાં નબળા છે એમાં મજબૂત થવાની તક આપીએ છીએ. જો તમે ટીમ માટે શ્રેષ્ઠ કરો તો બધું જ બરાબર થઈ જાય છે.’ ધોનીએ ટીમના બોલર તુષાર દેશપાંડે અને મથીસા પથિરાનાની પ્રશંસા કરી હતી, જેમણે ડેથ ઓવરમાં સારું પ્રદર્શન કર્યું છે.

કોટલામાં યલો ફીવર

ધોની અહીં પોતાની છેલ્લી મૅચ રમી રહ્યો હોવાથી ભારતના ભૂતપૂર્વ કૅપ્ટનના સમર્થનમાં સમગ્ર કોટલા સ્ટેડિયમમાં દર્શકો પીળા ટી-શર્ટ પહેરીને આવ્યા હતા. ટોસ જીતતાં ધોની બૅટિંગ પસંદ કરશે કે બોલિંગ એ પણ પ્રેઝન્ટેટર ડેની મોરિસનને હાથથી બોલિંગ કે બૅટિંગ એવું ઇશારો કરીને પૂછવું પડ્યું હતું. ધોનીએ પણ જવાબમાં બૅટિંગ એવો ઇશારો કર્યો હતો. ઈડન ગાર્ડન્સમાં પણ આજ સ્થિતિ હતી, જેમાં હોમ ટીમને બદલે દર્શકો ધોનીને સપોર્ટ કરવા માટે યલો ટી-શર્ટ પહેરીને આવ્યા હતા.

વૉર્નરે કરી જાડેજાની કૉપી

મૅચ દરમ્યાન દિલ્હીની આશા વૉર્નરે ટકાવી રાખી હતી. ઇનિંગ્સની પાંચમી ઓવર દીપક ચહર નાખી રહ્યો હતો ત્યારે રન નહોતો, છતાં ક્રિઝની બહાર નીકળીને જાડેજાને ચીડવવા માટે તેની જેમ બૅટને તલવારની માફક ફેરવી હતી. જોકે જાડેજાએ પણ સમગ્ર વાતને હસી કાઢી થ્રો કર્યો નહોતો. લોકોએ વૉર્નર મેદાનમાં પણ રિલ બનાવે છે એવી કમેન્ટ કરી હતી. જોકે સમગ્ર ક્ષણ ઘણી મજેદાર હતી.

sports sports news cricket news indian premier league ipl 2023 chennai super kings delhi capitals