13 May, 2023 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૮.૫૦ કરોડ રૂપિયાના સૌથી ઊંચા ભાવે ખરીદેલા પંજાબની ટીમના સૅમ કરૅન માટે આજે આબરૂનો સવાલ છે. ધવનની આ ટીમે આ વખતે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો છે. (તસવીર : iplt20.com)
પંજાબ કિંગ્સે ૧૧ મૅચમાંથી પાંચમાં જીત અને છમાં હાર જોઈ છે. એકંદરે શિખર ધવનની કૅપ્ટન્સીમાં આ ટીમે અપવર્ડ કરતાં ડાઉનફૉલ વધુ જોયો છે અને એટલે જ છેક આઠમા નંબરે છે. જોકે દિલ્હી કૅપિટલ્સને હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં જેમ ઘણી ટીમોએ પોતાની સ્થિતિ સારી કરી લીધી એમ આજે પંજાબ પણ કરી શકે અને જીતીને પાંચમા નંબર પર આવી શકે. હા, પ્લે-ઑફ માટેની સ્પર્ધામાં ટકી રહેવા પંજાબે મોટા માર્જિનથી તો જીતવું જ પડશે.
દિલ્હી માટે પ્લે-ઑફ માટેનો ચાન્સ નહીં જેવો છે. છેક ૧૦મા નંબરે રહેલી આ ટીમે બાકીની ત્રણેય મૅચ જીતવી જ પડશે, અન્ય ટીમોનાં પરિણામો પર પણ મદાર રાખવો પડશે. અગાઉ ૨૦૧૬માં સનરાઇઝર્સ હૈદરાબાદના સુકાની તરીકે આઇપીએલનું ચૅમ્પિયનપદ મેળવી ચૂકેલો ડેવિડ વૉર્નર જો આજે દિલ્હી કૅપિટલ્સને નહીં જિતાડી શકે તો તેની ટીમ સત્તાવાર રીતે બહાર જ થઈ જશે.
પંજાબ અને દિલ્હીની ટીમ આ વખતે પહેલી જ વાર સામસામે આવી રહી છે. બીજી મૅચ ૧૭ મેએ ધરમશાલામાં રમાશે, પરંતુ આજની દિલ્હીના મેદાન પર થનારી ટક્કર પહેલાંનો બન્નેનો આમનેસામને રેકૉર્ડ એ છે કે તેઓ ૩૦ વખત મુકાબલામાં ઊતર્યા છે અને બન્નેએ ૧૫-૧૫ જીત મેળવી છે. આજે નવો હિસાબ શરૂ થશે, પરંતુ યાદ રહે, દિલ્હીએ છેલ્લા ચારેય મુકાબલામાં પંજાબને હરાવ્યું છે.