SRH vs LSG : માંકડ અને પૂરને પૂર્યા પ્રાણ

14 May, 2023 02:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લખનઉએ સાત વિકેટથી વિજય મેળવી પ્લે-ઑફની આશાને જીવંત રાખી, હૈદરાબાદ થયું બહાર

વિજયની ઉજવણી કરતા લખનઉના પ્રેરક માંકડ અને નિકોલસ પૂરન

જંગી ૧૬ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલા નિકોલસ પૂરને પોતાની પસંદગીને યર્થાથ ઠેરવતાં પડકારજનક જણાતા લક્ષ્યાંકને આંબવામાં આક્રમક બૅટિંગ પ્રદર્શન કરતાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે સનરાઇર્ઝસ હૈદરાબાદને સાત વિકેટથી હરાવીને પ્લે-ઑફમાં પહોંચવાની પોતાની આશાને જીવંત રાખી હતી. વિજય માટે ૧૮૩ રનનો લક્ષ્યાંક સરળ નહોતો. પૂરને (૧૩ બૉલમાં નૉટઆઉટ ૪૪ રન) અને પ્રેરક માંકડ (૪૫ બૉલમાં ૬૪ રન) અને માર્કસ સ્ટોઇનીસના (૨૫ બૉલમાં ૪૦ રન)ના કારણે ચાર બૉલ બાકી રાખીને વિજયના લક્ષ્યાંકને આંબ્યો હતો.

૧૬મી ઓવરમાં બાજી પલટાઈ

લખનઉના હવે ૧૨ મૅચમાં ૧૩ પૉઇન્ટ છે. પ્લે-ઑફમાં સ્થાન મેળવવા માટે એણે બાકીની બે મૅચ જીતવી જ પડશે. બીજી તરફ હૈદરાબાદ માટે સતત બીજી સીઝન ખરાબ રહી છે એ પ્લે-ઑફની દોડમાંથી બહાર થઈ ગયું છે. ૧૫મી ઓવર સુધી હૈદરાબાદે પરિસ્થિતિને કાબૂમાં રાખી હતી. લખનઉ ૧૫ ઓ‍વરમાં બે વિકેટે ૧૧૪ રન જ બનાવી શક્યું હતું. પાંચ ઓવરમાં ૬૮ રનની જરૂર હતી. પાર્ટ ટાઇમ લેફ્ટ-આર્મ સ્પિનર અભિષેક શર્માને વધુ એક ઓવર આપવાનો કૅપ્ટન એઇડન માર્કરમનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. માર્ક સ્ટોઇનીસે આઉટ થતાં પહેલાં બે સિક્સર ફટકારી હતી તેમ જ ત્યાર બાદ નિકોલસ પૂરને બે સિક્સર અને એક ફોર ફટકારી હતી. બે વાઇડ સાથે આ ઓવરમાં ૩૧ રન આવ્યા હતા.

ગૌતમની સલાહ કામ આવી

શાનદાર ઇનિંગ્સ માટે પ્લેયર ઑફ ધ મૅચ બનેલો પ્રેરક માંકડ થોડો ધીમો હતો, પરંતુ સ્ટ્રૅટેજીક બ્રેકમાં ગૌતમ ગંભીરની સલાહ બાદ તેના અભિગમમાં બદલાવ જોવા મળ્યો હતો. એ પહેલાં કૅપ્ટન કૃણાલ પંડ્યાએ એક પછી એક બૉલમાં એઇડન માર્કરમ અને માર્ક ફિલિપ્સને આઉટ કરતાં હૈદરાબાદ ૬ વિકેટે ૧૮૨ રન જ કરી શક્યું હતું. 

નો-બૉલ બાદ દર્શકો વીફર્યા

અબ્દુલ સમદ સામે આવેશ ખાન દ્વારા નાખવામાં આવેલા આ બૉલને લઈને થયો હતો વિવાદ. ત્યાર બાદ દર્શકો તોફાને ચડતાં મૅચને થોડો સમય રોકવામાં આવી હતી

હૈદરાબાદની બૅટિંગ દરમ્યાન ૧૯મી ઓવરમાં લખનઉના બોલર આવેશ ખાને  અબ્દુલ સમદ તરફ એક ફુલટૉશ બૉલ નાખ્યો હતો. ઑન ફીલ્ડના અમ્પાયરે બૉલને યોગ્ય ગણાવ્યો હતો, પરંતુ થર્ડ અમ્પાયરે નિર્ણય બદલતાં એને નો બૉલ આપ્યો હતો. આ નિર્ણય આપવામાં ઘણો વિલંબ પણ થયો હતો. દરમ્યાન હૈદરાબાદના દર્શકોએ લખનઉના ડગઆઉટમાં કંઈક વસ્તુઓ નાખી હતી. પરિણામે થોડા સમય માટે મૅચ રોકવામાં આવી હતી. ડગઆઉટમાં લખનઉના મેન્ટર ગંભીરની હાજરી હોવાને કારણે દર્શકોએ કોહલી-કોહલી એવી બૂમો પાડીને તેને ચીડવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

sports news sports cricket news indian premier league ipl 2023 lucknow super giants sunrisers hyderabad