18 April, 2023 11:01 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
રાશિદ ખાન
ગુજરાત ટાઇટન્સના રાશિદ ખાને એક રવિવારે અમદાવાદમાં કલકત્તા સામેની મૅચમાં હૅટ-ટ્રિક લીધી અને બીજા રવિવારે તેણે એ જ મેદાન પર રાજસ્થાન સામેની મૅચમાં પોતાની બોલિંગમાં હૅટ-ટ્રિક સિક્સર જતી જોવી પડી. યોગાનુયોગ, ગુજરાતે એ બન્ને મૅચમાં પરાજય જોવો પડ્યો.
રવિવાર, ૯ એપ્રિલે અમદાવાદમાં રાશિદ ખાને ઉપરાઉપરી ત્રણ બૉલમાં કલકત્તાના રસેલ, નારાયણ, શાર્દુલને આઉટ કર્યા હતા, પરંતુ પછીથી કલકત્તાના આક્રમક બૅટર રિન્કુ સિંહે ગુજરાતના યશ દયાલના (મૅચના) છેલ્લા પાંચેય બૉલમાં છગ્ગા ફટકારીને કલકત્તાને ઐતિહાસિક વિજય અપાવ્યો હતો. રવિવાર, ૧૬ એપ્રિલે અમદાવાદમાં જ રાજસ્થાનનો ગુજરાત સામે ૪ બૉલ બાકી રાખીને ૩ વિકેટના માર્જિનથી વિજય થયો હતો. ગુજરાતે મિલરના ૪૬, ગિલના ૪૫ અને હાર્દિકના ૨૮ તથા અભિષેક મનોહરના ૨૭ રનની મદદથી ૭ વિકેટે ૧૭૭ રન બનાવ્યા ત્યાર બાદ રાજસ્થાને કૅપ્ટન સંજુ સૅમસન (૬૦ રન, ૩૨ બૉલ, છ સિક્સર, ત્રણ ફોર) અને શિમરોન હેટમાયર (૫૬ અણનમ, ૨૬ બૉલ, પાંચ સિક્સર, બે ફોર)નાં મુખ્ય યોગદાનોની મદદથી ૧૯.૨ ઓવરમાં ૭ વિકેટે ૧૭૯ રન બનાવીને વિજય મેળવ્યો હતો. મોહમ્મદ શમીએ ત્રણ અને રાશિદ ખાને બે વિકેટ લીધી હતી. ૧૩મી ઓવર રાશિદે કરી હતી જેના બીજા, ત્રીજા, ચોથા બૉલમાં સૅમસને છગ્ગો માર્યો હતો. એ ઓવરમાં કુલ ૨૦ રન બન્યા હતા અને બાજી ગુજરાતના હાથમાંથી સરકવા લાગી હતી. સૅમસનની વિકેટ રિસ્ટ સ્પિનર નૂર મોહમ્મદે લીધી હતી. આઇપીએલમાં આ તેની પ્રથમ વિકેટ હતી.