GT vs LSG : મોટેરામાં ભાઈ-ભાઈ

07 May, 2023 12:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી વખત બન્ને ટીમના કૅપ્ટન સગા ભાઈ હશે, લખનઉને હરાવીને ગુજરાત પ્લેઑફમાં પોતાનું સ્થાન પાકું કરવા માગશે

હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આજે ગુજરાત અને લખનઉની ટીમો વચ્ચે મૅચ થશે ત્યારે બે ભાઈઓ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાની કૅપ્ટન્સીની કસોટી થશે. નાનો ભાઈ હાર્દિક ઘણી વખત ભારતીય ટીમનું નેતૃત્વ કરી ચૂક્યો છે અને સતત બીજા વર્ષે ગુજરાતની આઇપીએલની ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. કૃણાલ બરોડાની રણજી ટીમનો કૅપ્ટન છે. એ લોકેશ રાહુલની ગેરહાજરીમાં લખનઉની ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. બન્ને આઇપીએલમાં ટીમોની કૅપ્ટન્સી કરનાર પહેલા સગા ભાઈ બન્યા છે. લખનઉ અત્યાર સુધી ક્યારેય ગુજરાતને હરાવી શક્યું નથી. હાલ ૧૪ પૉઇન્ટ સાથે ગુજરાત ટોચ પર છે. એક મૅચમાં વિજય એને પ્લેઑફમાં સ્થાન અપાવશે. કૃણાલે ચેન્નઈ સામેની વરસાદને કારણે રદ થયેલી મૅચમાં કૅપ્ટન્સી કરી હતી. લખનઉનો ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ પણ ઈજાગ્રસ્ત છે. જમણા સાથળની ઈજાને લીધે લોકેશ પણ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. લખનઉની ટીમ અગાઉની બે મૅચ હારી ચૂકી છે, કારણ કે ટીમ ૧૩૦થી વધુનો લક્ષ્યાંકનો પીછો કરી શકી નહોતી. લખનઉની ટીમમાં પ્રતિભાશાળી ખેલાડીઓની ખોટ નથી, પરંતુ એમના બૅટર્સ સાતત્ય ન દાખવી શકતાં ખરાબ પ્રદર્શન કરી રહી છે. રાહુલના સ્થાને કરુણ નાયરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. માર્ક વુડની ગેરહાજરીમાં અફઘાની ફાસ્ટ બોલર નવીન ઉલ હક વિકેટ લઈ રહ્યો છે. રવિ બિશ્નોઈ અને અમિત મિશ્રાએ સ્પિન બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું છે. 
ગુજરાતની ટીમે રાજસ્થાનને નવ વિકેટથી હરાવ્યું હતું, જેને કારણે તેમનો આત્મવિશ્વાસ ટોચ પર છે. મોહમ્મદ શમી અને રાશિદ ખાનને કારણે બોલર્સ ઘણા સફળ રહ્યા છે. પહેલી જ વખત આઇપીએલ રમી રહેલા જોશ લિટલ અને નૂર અહમદે પણ પ્રભાવશાળી શરૂઆત કરી છે. 

sports sports news cricket news indian premier league ipl 2023 gujarat titans lucknow super giants hardik pandya krunal pandya