મયંક અગરવાલને બદલે હવે જૉની બેરસ્ટૉ કૅપ્ટન? અફવા સાવ ખોટી છે : પંજાબ કિંગ્સ

25 August, 2022 05:05 PM IST  |  New Delhi | Gaurav Sarkar

૨૦૨૨ની આઇપીએલની શરૂઆત પહેલાં કે. એલ. રાહુલે લખનઉ સુપર જાયન્ટ્સ ટીમની કૅપ્ટન્સી સંભાળી લેતાં તેના સ્થાને મયંકને પંજાબની ટીમનો સુકાની નીમવામાં આવ્યો હતો

મયંક અગરવાલ

૨૦૧૪ની આઇપીએલની રનર-અપ ટીમ પંજાબ કિંગ્સે આગામી આઇપીએલ સીઝનમાં પોતાની ટીમના કૅપ્ટન તરીકે મયંક અગરવાલ નહીં, પણ ઇંગ્લૅન્ડનો વિકેટકીપર-બૅટર જૉની બેરસ્ટૉ હશે એવી અફવાને ગઈ કાલે ખોટી ગણાવી હતી.

આઇ.એ.એન.એસ.ના અહેવાલ અનુસાર પંજાબ કિંગ્સના ફ્રૅન્ચાઇઝીએ સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે અમારી ટીમના એકેય અધિકારીએ ટીમની કૅપ્ટન્સીની બાબતમાં કોઈ નિવેદન બહાર નથી પાડ્યું.

૨૦૨૨ની આઇપીએલની શરૂઆત પહેલાં કે. એલ. રાહુલે લખનઉ સુપર જાયન્ટ્સ ટીમની કૅપ્ટન્સી સંભાળી લેતાં તેના સ્થાને મયંકને પંજાબની ટીમનો સુકાની નીમવામાં આવ્યો હતો. જોકે એ સીઝન મયંક માટે ખરાબ રહી હતી. તેણે ૧૨ મૅચમાં ફક્ત ૧૬.૩૩ની સરેરાશથી ૧૯૬ રન બનાવ્યા હતા.

આઇપીએલનો ફ્લૉપ મયંક કર્ણાટક લીગમાં ચમકે છે

આઇપીએલની પંજાબ કિંગ્સ ટીમના સુકાની મયંક અગરવાલે ૨૦૨૨ની સીઝનની આ ટુર્નામેન્ટની ૧૨ મૅચમાં ફક્ત ૧૨૨.૫૦ના સ્ટ્રાઇક-રેટ સાથે માત્ર ૧૯૬ રન બનાવ્યા હતા, પરંતુ તે હાલમાં કર્ણાટકની મહારાજા ટી૨૦ લીગમાં બહુ સારું રમી રહ્યો છે. ભારત વતી છેલ્લે માર્ચ, ૨૦૨૨માં શ્રીલંકા સામેની ટેસ્ટમાં રમ્યો હતો. તે ભારત વતી ટેસ્ટ અને વન-ડે રમ્યો છે, પણ ટી૨૦ તેને નથી રમવા મળી. ૩૧ વર્ષના મયંકે કર્ણાટકની લીગમાં બેંગલુરુ બ્લાસ્ટર્સ વતી ૧૧ મૅચમાં ૪૮૦ રન બનાવ્યા છે. ૫૩.૩૩ તેની બૅટિંગ ઍવરેજ અને ૧૬૭.૨૪ તેનો સ્ટ્રાઇક-રેટ છે. તેણે બે સેન્ચુરી ફટકારી છે. તેની એક મૅચ-વિનિંગ સદી (અણનમ ૧૧૨, ૬૧ બૉલ, ૬ સિક્સર, ૯ ફોર) ગુલબર્ગ મીસ્ટિક્સ સામે છે અને બીજી મૅચ-વિનિંગ સેન્ચુરી (અણનમ ૧૦૨, ૪૯ બૉલ, ૬ સિક્સર, ૧૦ ફોર) શિવામોગા સ્ટ્રાઇકર્સ સામે છે. મયંક આ ટુર્નામેન્ટમાં સ્વીપ અને રિવર્સ-સ્વીપ શૉટ વારંવાર ફટકારી રહ્યો છે. તે સ્પિનર્સ ઉપરાંત પેસ બોલર્સ સામે પણ આવા શૉટ મારવાનું નથી ચૂકતો.

sports news sports cricket news mayank agarwal punjab kings indian premier league