હર્ષલને મૅચ દરમ્યાન મળ્યા બહેનના નિધનના સમાચાર અને મૅચ પછી તરત ઘરે જવા રવાના થયો

11 April, 2022 01:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શનિવારે પુણેમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચમાં ૨૩ રનમાં રોહિત શર્મા અને રમણદીપ સિંહની વિકેટ લેનાર હર્ષલને એ મૅચ દરમ્યાન બહેનના નિધનની જાણ થઈ હતી

હર્ષલ પટેલ

૨૦૨૧ની આઇપીએલમાં સૌથી વધુ ૩૨ વિકેટ લેનાર અને આ વખતે ૪ મૅચમાં ૬ વિકેટ લઈ ચૂકેલા રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ના ૩૧ વર્ષના પેસ બોલર હર્ષલ પટેલની બહેનનું અવસાન થયું છે. શનિવારે પુણેમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચમાં ૨૩ રનમાં રોહિત શર્મા અને રમણદીપ સિંહની વિકેટ લેનાર હર્ષલને એ મૅચ દરમ્યાન બહેનના નિધનની જાણ થઈ હતી અને મૅચ પૂરી થયા બાદ તરત જ તે ટીમના બાયો-બબલમાંથી બહાર આવીને ઘરે જવા રવાના થઈ ગયો હતો. હર્ષલની બહેન થોડા સમયથી બીમાર હતી.

કેટલાક અહેવાલ મુજબ હર્ષલ માત્ર એક દિવસ માટે તેના ઘેર ગયો છે. બૅન્ગલોરની હવે પછીની મૅચ આવતી કાલે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ચેન્નઈ સામે રમાશે. તેણે પાછા રમવા આવતાં પહેલાં ફરજિયાત ક્વૉરન્ટીનના પ્રોટોકોલમાંથી પસાર થવું પડશે. એ જોતાં તે કદાચ શનિવાર ૧૬ એપ્રિલે દિલ્હી સામેની મૅચથી ફરી રમશે.

શનિવારે બૅન્ગલોરે મુંબઈની ટીમને ૭ વિકેટે હરાવી એમાં હર્ષલનું મોટું યોગદાન હતું. ૩૦ માર્ચે કલકત્તા સામેના વિજયમાં પણ તેની મહત્ત્વની ભૂમિકા (૧૧ રનમાં રસેલ તથા સૅમ બિલિંગ્સની વિકેટ અને અણનમ ૧૦ રન) હતી. બૅન્ગલોરના ફ્રૅન્ચાઇઝીએ હર્ષલને ૧૦.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

sports sports news cricket news indian premier league ipl 2022 sunrisers hyderabad