01 May, 2022 01:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુષ્કાએ ગઈ કાલે બ્રેબર્નના વીઆઇપી સ્ટૅન્ડમાંથી પતિ વિરાટ કોહલીને પાનો ચડાવ્યો હતો. કોહલીએ ઘણા વખતે ફૉર્મમાં આવીને હાફ સેન્ચુરી (૫૮ રન) ફટકારી હતી. (તસવીર : બીસીસીઆઇ/આઇપીએલ)
ગુજરાત ટાઇટન્સની ટીમે પોતાની પહેલી જ આઇપીએલમાં ગઈ કાલે કુલ નવમાંથી આઠમી મૅચ જીતીને પૉઇન્ટ્સ-ટેબલમાં ૧૬ પૉઇન્ટ સાથે મોખરાનું સ્થાન વધુ મજબૂત કર્યું હતું. આ ઉપરાંત, ૧૦૦મી આઇપીએલ મૅચ રમનાર હાર્દિક પંડ્યાના સુકાનમાં આ ટીમ પ્લે-ઑફ રાઉન્ડની લગોલગ પહોંચી ગઈ હતી. બૅન્ગલોરનો ‘રૉયલ’ ખેલાડી અને ઓપનર વિરાટ કોહલી (૫૮ રન, ૫૩ બૉલ, એક સિક્સર, છ ફોર) આ સીઝનમાં પહેલી વાર ફૉર્મમાં આવ્યો હતો, પરંતુ બૅન્ગલોરે છેવટે પાંચમો પરાજય જોવો પડ્યો હતો.
બ્રેબર્ન સ્ટેડિયમમાં ગુજરાતે ૧૭૧ રનનો ટાર્ગેટ મળ્યા પછી ૧૯.૩ ઓવરમાં ૪ વિકેટે ૧૭૪ રન બનાવીને મૅચ જીતી લીધી હતી. મૅચ-ફિનિશર્સ જોડી ડેવિડ મિલર (૩૯ અણનમ, ૨૪ બૉલ, એક સિક્સર, ચાર ફોર) અને રાહુલ તેવતિયા (૪૩ અણનમ, પચીસ બૉલ, બે સિક્સર, પાંચ ફોર)એ પાંચમી વિકેટ માટેની ૭૯ રનની ભાગીદારીથી ગુજરાતને વિજય અપાવી દીધો હતો. એ પહેલાં, વૃદ્ધિમાન સાહા (બાવીસ બૉલમાં ૨૯), શુભમન ગિલ (૨૮ બૉલમાં ૩૧) અને સાઇ સુદર્શન (૧૪ બૉલમાં ૨૦)નાં યોગદાનો હતાં. બૅન્ગલોરના છમાંથી માત્ર બે બોલર્સને વિકેટ મળી હતી. શાહબાઝ અહમદ અને હસરંગા બે-બે વિકેટ લઈ શક્યા હતા. એ અગાઉ, બૅન્ગલોરના ૧૭૦/૬ના સ્કોરમાં કોહલી ઉપરાંત રજત પાટીદાર (બાવન રન, ૩૨ બૉલ, બે સિક્સર, પાંચ ફોર) અને ગ્લેન મૅક્સવેલ (૩૩ રન, ૧૮ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) તેમ જ નવા ખેલાડી મહિપાલ લૉમરોર (૧૬ રન, ૮ બૉલ, એક સિક્સર, બે ફોર)નાં પણ યોગદાનો હતાં. તેવતિયાને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.