ફૉરેન પ્લેયરને ક્વૉરન્ટીન કરવા માટે આઇપીએલની ટીમ તૈયાર

18 March, 2020 11:54 AM IST  |  New Delhi | Agencies

ફૉરેન પ્લેયરને ક્વૉરન્ટીન કરવા માટે આઇપીએલની ટીમ તૈયાર

IPL-2020

વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસને કારણે દરેક દેશ સુરક્ષાનાં પગલાં લઈ રહ્યો છે એવામાં આઇપીએલની ફ્રૅન્ચાઇઝીઓએ પોતપોતાના ફૉરેન પ્લેયરોને ઓછામાં ઓછા ૧૪ દિવસ સુધી ક્વૉરન્ટીન કરવાની તૈયારી દાખવી છે. જોકે એ પહેલાં તેમણે પ્લેયરોના વિઝા વિશે ચોખવટ માગી છે. દેશમાં કોરોના વાઇરસ ન ફેલાય એ માટે સરકારે વિઝા પણ ૧૫ એપ્રિલ સુધી બંધ કરી દીધા છે. જોકે કેટલીક જરૂરી વ્યક્તિને ટ્રાવેલ કરવાની પરવાનગી મળી છે છતાં કેટલાક દેશના નાગરિકો પર ૩૧ માર્ચ સુધી પ્રતિબંધ લાદ્યો છે. યુએઈ, કતાર, ઓમાન અને કુવૈતથી ભારતમાં પ્રવેશ કરી રહ્યા છે તેમને માટે ભારત સરકારે કમ્પલ્સરી ૧૪ દિવસ માટે ક્વૉરન્ટીન કરવાનું નક્કી કર્યું છે જ્યારે યુરોપિયન યુનિયન, યુરોપિયન ફ્રી ટ્રેડ અસોસિએશન, ટર્કી અને બ્રિટન જેવા દેશોમાંથી ભારત આવનારા લોકો પર ૧૮ માર્ચ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અફઘાનિસ્તાન, ફિલિપીન્સ, મલેશિયાના નાગરિકો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

સરકારે જાહેર કરેલા ૧૪ દિવસના કમ્પલ્સરી ક્‍વૉરન્ટીન વિશે વાત કરતાં એક અધિકારીએ કહ્યું કે ‘જો ૩૧ માર્ચ પછી પણ પરિસ્થિતિ આવી જ રહી તો સરકારે ઇશ્યુ કરેલા નવા ઍડ્વાઇઝર મુજબ પ્લેયરોનું ક્‍વૉરન્ટીન કરવામાં અમને જરાય વાંધો નથી. એપ્રિલના પહેલા વીકમાં પણ પ્લેયર ઇન્ડિયા આવી જાય તો તેમને ૧૪ દિવસ ક્વૉરન્ટીન માટે અમને સમય મળી રહેશે. સૌથી પહેલાં વિઝા ઇશ્યુ થઈ જવા જોઈએ અને એ માટે સરકાર શું નિર્ણય લે છે એને માટે ૩૧ માર્ચ સુધી રાહ જોવી રહી.’
ખેલ મંત્રાલયે ૧૨ માર્ચે દેશની દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટને રદ કરવાની જાહેરાત કરી હતી અને જો મૅચ કોઈ સંજોગોમાં રદ ન કરી શકાય તો એ ખાલી સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

sports news cricket news coronavirus ipl 2020 indian premier league