01 October, 2023 03:49 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડ્યા
ગઈ કાલે ગુવાહાટીમાં ઇંગ્લૅન્ડ સામેની વર્લ્ડ કપ પૂર્વેની વૉર્મ-અપ મૅચ તો વરસાદને કારણે ન રમાઈ, પણ ભારતીય પ્લેયર્સમાં અને આસામના આ શહેરના ક્રિકેટવર્તુળમાં એક હોટેલથી થયેલી કથિત ગરબડને લીધે હાર્દિક પંડ્યાના રમૂજી કિસ્સાની બહુ ચર્ચા થઈ હતી.
વાત એવી છે કે ગઈ કાલની મૅચના ત્રણ દિવસ પહેલાં રેડિસન બ્લુ હોટેલ તરફથી ભારતીય ટીમના વાઇસ-કૅપ્ટન હાર્દિક પંડ્યાને ચેક-ઇન મેઇલ મોકલવામાં આવી હતી. ભૂલથી આ ઈ-મેઇલ
ક્રિકેટર હાર્દિક પંડ્યાને બદલે અનઍકૅડેમી નામની એડટેક કંપનીના ડિઝાઇન વિભાગના સિનિયર વાઇસ-પ્રેસિડન્ટ હાર્દિક પંડ્યાને મોકલી દેવાઈ હતી. ટ્વિટર પર આ કંપની-એક્ઝિક્યુટિવ હાર્દિક પંડ્યાએ આ રમૂજી ગરબડની વાત શૅર કરી હતી. તેમને મોકલવામાં આવેલી ઈ-મેઇલમાં પૂછવામાં આવ્યું હતું કે ‘તમે આવતી કાલે (૨૮ સપ્ટેમ્બરે) ચેક-ઇન કરશોને?’ જોકે આ ઈ-મેઇલની વિગતો વાંચ્યા બાદ તેમણે લખ્યું કે ‘આવતી કાલે ગુવાહાટી આવવાનો મારો કોઈ પ્લાન નથી. મને લાગે છે કે તમારી હોટેલની રૂમ ક્રિકેટર હાર્દિક પંડ્યા માટે બુક થઈ લાગે છે.’
આવું જણાવીને કંપનીના એક્ઝિક્યુટિવ હાર્દિક પંડ્યાએ પોતાની પોસ્ટમાં ક્રિકેટર હાર્દિક પંડ્યાને ટૅગ પણ કર્યો હતો. હોટેલ દ્વારા પછીથી ભૂલ સુધારી લેવાઈ હતી.