20 June, 2026 07:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ઇન્જર્ડ થયેલી શ્રેયન્કા પાટીલનું સ્થાન લેશે પ્રેમા રાવત
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ભારતીય સ્કવૉડમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સ્ટાર સ્પિનર શ્રેયન્કા પાટીલ ઇન્જરીને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. એના સ્થાને લેગ સ્પિનર પ્રેમા રાવતને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
૧૭ જૂને નેધરલૅન્ડ્સ સામેની ગ્રુપ-સ્ટેજ મૅચમાં ફીલ્ડિંગ કરતા સમયે શ્રેયન્કા પાટીલને પગની ઘૂંટીમાં ઇન્જરી થઈ હતી. ૨૩ વર્ષની આ સ્પિનર વર્લ્ડ કપની બે મૅચમાં વિકેટ લઈ શકી નહોતી. ટીમ સાથે લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફાઇનલ મૅચ જીતીને વર્લ્ડ ચૅમ્પિયન બનવાનું તેનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે.
૨૪ વર્ષની પ્રેમા રાવત આજથી શરૂ થતી ઇન્ડિયા Aની વાઈટ-બૉલ સિરીઝ ટૂરનો ભાગ હતી. સિનિયર ટીમમાં પ્રેમા રાવતના સમાવેશના કારણે ઇન્ડિયા A સ્ક્વૉડમાં પણ રિપ્લેસમેન્ટ ખેલાડી જાહેર કરવામાં આવ્યા છે. અનુષ્કા શર્માની આગેવાની હેઠળની T20 ટીમમાં નિકી પ્રસાદ અને હરલીન દેઓલની કૅપ્ટન્સીવાળી વન-ડે ટીમમાં મિન્નુ મણિનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઇન્ડિયા Aનો ભાગ રહી ચૂકેલી પ્રેમાએ વિમેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટમાં ભારતના વિજયી અભિયાન દરમ્યાન પાંચ મૅચમાં ૮ વિકેટ ઝડપી હતી. ગયા વર્ષે ઇન્ડિયા Aની ઑસ્ટ્રેલિયા ટૂરમાં તેણે ત્રણ T20 મૅચમાં ૭ વિકેટ લીધી હતી.