ઇન્દોરના ફૂટબૉલ ચૅમ્પિયનો ક્રિકેટ સ્ટેડિયમ સાફ કરે છે

02 December, 2011 08:09 AM IST  | 

ઇન્દોરના ફૂટબૉલ ચૅમ્પિયનો ક્રિકેટ સ્ટેડિયમ સાફ કરે છે



એક સીટ સાફ કરવાના ૩ રૂપિયા

આનંદ ઇલેવન ફૂટબૉલ ક્લબના આ ખેલાડીઓની આખી ટીમને રવિવારની સૉકર મૅચ જીતવા બદલ કુલ ૫૦૦૦ રૂપિયા મળ્યા હતા. જોકે ૩૦,૦૦૦ સીટ ધરાવતા હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં તેમને દરેક સીટ સાફ કરવાના ૩ રૂપિયા મળે છે.

૩૦,૦૦૦ સીટ ચકાચક રાખશે

આનંદ ઇલેવન ક્લબનો કોચ સંજય નિદાન પણ પ્લેયરો સાથે સાફસફાઈના કામમાં જોડાઈ ગયો છે. તેણે ગઈ કાલે કહ્યું હતું કે ‘એપ્રિલ-મેની આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં ઇન્દોરમાં કોચી ટસ્કર્સ કેરાલાની કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રૉયલ્સ સામે મૅચ રમાઈ હતી. ત્યારે અમે બહુ સારી સાફસફાઈ કરી હતી એટલે આ સ્ટેડિયમના સત્તાધીશોએ અમને ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ગુરુવારે રમાનારી મૅચ પહેલાં બધી સીટો સહિત તમામ સ્ટૅન્ડ સાફ રાખવાનું કામ સોંપ્યું છે.’

ફૂટબૉલની કિટ ખરીદવાનો પ્લાન

મધ્ય પ્રદેશની વતી ઘણી નૅશનલ ટુર્નામેન્ટોમાં રમી ચૂકેલા મનોજ ખરે, રોહિત ગિરીજે, અંકિત ચિરાવન્દે, સંજુ ચૌહાણ અને તેજકરણ ચૌહાણનો સાફસફાઈના કામમાં વ્યસ્ત ૧૫ પ્લેયરોમાં સમાવેશ છે. મધ્ય પ્રદેશ સરકાર ફૂટબૉલની રમતને અવગણી રહી હોવાનો આક્ષેપ કેટલાક પ્લેયરોએ કર્યો હતો.

એક ખેલાડીએ સફાઈનું કામ કરવા પાછળનો આશય બતાવતા જણાવ્યું હતું કે ‘અમારી ટીમના મોટા ભાગના પ્લેયરો ગરીબ ઘરના છે. અમે સાફસફાઈનું કામ પહેલી વાર નથી કરતા. ઘણી વખત કરી ચૂક્યા છીએ. અત્યારે તો અમે ફૂટબૉલ રમવા માટેની કિટ ખરીદવા ક્રિકેટ સ્ટેડિયમમાં સાફસફાઈનું કામ હાથમાં લીધું છે.’