ભારતની અન્ડર-19 ટીમ ત્રણ દિવસમાં બે વૉર્મ-અપ મૅચ તોતિંગ માર્જિનથી જીતી

13 January, 2022 03:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવતી કાલે વેસ્ટ ઇન્ડીઝમાં અન્ડર-19 ખેલાડીઓનો વન-ડે વર્લ્ડ કપ  શરૂ થઈ રહ્યો છે અને એ પહેલાં બન્ને વૉર્મ-અપ મૅચ યશ ધુલના સુકાનમાં ભારતીય ટીમે મોટા માર્જિનથી જીતી લીધી છે.

ભારતની અન્ડર-19 ટીમ ત્રણ દિવસમાં બે વૉર્મ-અપ મૅચ તોતિંગ માર્જિનથી જીતી

આવતી કાલે વેસ્ટ ઇન્ડીઝમાં અન્ડર-19 ખેલાડીઓનો વન-ડે વર્લ્ડ કપ  શરૂ થઈ રહ્યો છે અને એ પહેલાં બન્ને વૉર્મ-અપ મૅચ યશ ધુલના સુકાનમાં ભારતીય ટીમે મોટા માર્જિનથી જીતી લીધી છે.
મંગળવારે ભારતે ઑસ્ટ્રેલિયાને ૧૫ બૉલ બાકી રાખીને ૯ વિકેટથી હરાવ્યું હતું. કૅપ્ટન કૂપર કૉનોલીના ૧૧૭ રનની મદદથી ઑસ્ટ્રેલિયાએ ૨૬૮ રન બનાવ્યા હતા. ભારત વતી રવિ કુમારે ચાર અને મહારાષ્ટ્ર (તુળજાપુર)ના રાજવર્ધન હંગારગેકરે ત્રણ વિકેટ લીધી હતી. ભારતે હરનૂર સિંહ (૧૦૦ રિટાયર્ડ-હર્ટ, ૧૦૮ બૉલ, ૧૬ ફોર) તેમ જ શેખ રશીદ (૭૨ રિટાયર્ડ-હર્ટ, ૭૪ બૉલ, ૧ સિક્સર, ૬ ફોર) તથા યશ ધુલ (૫૦ અણનમ, ૪૭ બૉલ, ૭ ફોર)ની ઇનિંગ્સની મદદથી ૪૭.૩ ઓવરમાં એક વિકેટના ભોગે ૨૬૯ રન બનાવી લીધા હતા. ઑસ્ટ્રેલિયાના ૮ બોલરોએ બોલિંગ કરી હતી.
રવિવારે ભારત ૧૦૮ રનથી જીત્યું હતું. નિશાંત સિંધુ (૭૮ અણનમ) અને યશ ધુલ (બાવન રન)ની મદદથી ભારતે ૬ વિકેટે ૨૭૮ રન બનાવ્યા બાદ યજમાન વેસ્ટ ઇન્ડીઝને ૧૭૦ રનમાં આઉટ કરી નાખ્યું હતું. માનવ પરખે ત્રણ, પુણેના કૌશલ તામ્બેએ ત્રણ તથા ગર્વ સંગવાન અને અનીશ્વર ગૌતમે બે-બે વિકેટ લીધી હતી.
વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ 
મૅચ (સાંજે ૭.૩૦ વાગ્યાથી 
લાઇવ) શનિવારે સાઉથ આફ્રિકા સામે રમાશે.

sports news cricket news