યુવા પ્લેયરોને મદદ કરવા ભારતીય ટીમને સાયકોલૉજિસ્ટની જરૂર છે : યુવરાજ

14 May, 2020 11:56 AM IST  |  Mumbai | Agencies

યુવા પ્લેયરોને મદદ કરવા ભારતીય ટીમને સાયકોલૉજિસ્ટની જરૂર છે : યુવરાજ

યુવરાજ સિંહ

યુવરાજ સિંહનું કહેવું છે કે ભારતીય ટીમના યુવા પ્લેયર જેમ કે રિષભ પંત અને હાર્દિક પંડ્યાને સાયકોલૉજિસ્ટની ખૂબ જરૂર છે જેથી કરીને તેમની માનસિક સ્થિતિ સુધારી શકાય. યુવરાજનું કહેવું છે કે ‘આ ટીમમાં માનસિક સ્થિતિ વિશે કોઈ વાત કરતું નથી. પૃથ્વી શૉ, રિષભ પંત જેવા ટેલન્ટેડ પ્લેયર ટીમમાં છે. ઘણી બધી સિક્યૉરિટી અને મીડિયા વચ્ચે પ્લેયર સાથે વાત કરવા કોઈકની જરૂરત છે. તેમને એક સારા સાયકોલૉજિસ્ટની જરૂરત છે જેમની વાત સાંભળવામાં આવે. હાર્દિક પંડ્યામાં અદ્ભુત શક્તિ છે, પણ તેની સાથે બેસીને વાતચીત કરવાવાળું કોઈ જોઈએ જેથી કરીને અઘરામાં અઘરી પરિસ્થિતિમાં પણ તે સારું પર્ફોર્મ કરી શકે. જો કોઈ તેના દિમાગ સાથે સારું કામ કરે તો આવતા વર્લ્ડ કપમાં તે ભારત માટે મહત્ત્વનો પ્લેયર સાબિત થઈ શકે છે.’

૨૦૧૪ના ટી20 વર્લ્ડ કપ ફાઇનલ બાદ મને લાગ્યું કે મારી કરીઅર ખતમ થઈ ગઈ છે : યુવરાજ સિંહ

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહને ૨૦૧૪ના ટી20 વર્લ્ડ કપ ફાઇનલ બાદ લાગ્યું હતું કે તેની કરીઅર ખતમ થઈ ગઈ છે. વાસ્તવમાં ફાઇનલ મૅચમાં યુવરાજ ધીમે રમી રહ્યો હોવાને કારણે તેને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો અને ભારત ફાઇનલ મૅચ હારી ગયું હતું. આ મૅચ વિશે વાત કરતાં યુવરાજ સિંહે કહ્યું કે ‘હું હંમેશાં સંપૂર્ણ જવાબદારી લઉં છું. એ ગેમમાં હું બરાબર નહોતો રમ્યો. બદનસીબે એ વર્લ્ડ કપ ફાઇનલ મૅચ હતી. જો બીજી કોઈ મૅચ હોત તો વધારે વાત આગળ ન વધી હોત. હું ઘરે પહોંચ્યો ત્યારે મને લાગતું હતું કે હું વિલન છું. મને યાદ છે હું જ્યારે ઍરપોર્ટથી બહાર નીકળ્યો ત્યારે મેં મારા હેડ ફોન ચાલુ કરી દીધા હતા અને એ વખતે મીડિયા અને ચાહકોએ મને ટાર્ગેટ પણ કર્યો હતો. લોકોએ મારા ઘર પર પથ્થરમારો પણ કર્યો હતો. હું મારી જાતને દોશી ગણવા લાગ્યો હતો. કોઈની હત્યા કરીને જેલમાં જવાનો વારો આવ્યો હોય એ પ્રમાણે મને ફીલિંગ્સ આવી રહી હતી. મને લાગતું હતું કે એ મૅચ પછી મારી કરીઅર પૂરી થઈ ગઈ છે. જોકે એ પરિસ્થિતિમાંથી હું બહાર આવ્યો અને આજે પણ મને એ વાત બહુ લાગી આવે છે. મને યાદ છે કે સચિને એ વખતે ટ્વીટ કરીને મારી છ સિક્સરોની લોકોને યાદ અપાવી હતી અને તેઓ શાંત પડ્યા હતા.’

yuvraj singh cricket news sports news team india