06 March, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈના દિવંગત સ્પિનર પદ્માકર શિવલકરની યાદમાં કૅપ્ટન રોહિત શર્મા સહિત બધા ભારતીય પ્લેયર્સે હાથમાં પહેરી હતી કાળી પટ્ટી.
ભારતીય ટીમના પ્લેયર્સ ગઈ કાલે ઑસ્ટ્રેલિયા સામે ચૅમ્પિયન્સ ટ્રોફી સેમી-ફાઇનલ દરમ્યાન મુંબઈના દિવંગત સ્પિનર પદ્માકર શિવલકરની યાદમાં અને તેમના સન્માનમાં કાળી પટ્ટી પહેરીને મેદાન પર ઊતર્યા હતા. શિવલકર ડોમેસ્ટિક ક્રિકેટના એવા શ્રેષ્ઠ સ્પિનરોમાંના એક હતા જેમને બિશન સિંહ બેદી જેવા મહાન પ્લેયર્સના યુગમાં રમતા હોવાથી ભારત માટે રમવાની તક મળી નહોતી. ડોમેસ્ટિક ક્રિકેટમાં તેમણે ૬૦૫ વિકેટ ઝડપી હતી.
મુંબઈમાં જન્મેલા ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સુનીલ ગાવસકર કહે છે, ‘ભારતીય કૅપ્ટન તરીકે મને દુઃખ છે કે હું સિલેક્ટર્સને ટેસ્ટ-ટીમમાં પદ્માકર શિવલકરનો સમાવેશ કરવા માટે મનાવી શક્યો નહીં. તે અન્ય કેટલાક બોલરો કરતાં ભારતીય ટીમમાં રહેવાને વધુ લાયક હતો.’