...તો ભારતને નડશે પેસ પ્રૉબ્લેમ

19 November, 2012 07:26 AM IST  | 

...તો ભારતને નડશે પેસ પ્રૉબ્લેમ



અમદાવાદ : પ્રવીણકુમાર, વિનયકુમાર, ઇરફાન પઠાણ અને આશિષ નેહરા સહિત નવ પેસબોલરો ઈજાગ્રસ્ત હોવાથી વર્તમાન ટીમના પેસપાવરના બે બોલરો ઝહીર ખાન અને ઉમેશ યાદવના વિકલ્પની વાત કરીએ તો ટીમ ઇન્ડિયા માટે આવનારા દિવસો ચિંતાજનક છે.

ઇંગ્લૅન્ડ સામે ચાલતી પ્રથમ ટેસ્ટમૅચના પ્રથમ દાવમાં ભારતીય સ્પિનરો પ્રજ્ઞાન ઓઝા અને રવીચન્દ્રન અશ્વિનનું વર્ચસ હતું અને પેસબોલરો ઝહીર ખાન તથા ઉમેશ યાદવ દસમાંથી માત્ર બે વિકેટ લઈ શક્યા હતા. એ ઇનિંગ્સની છેક ૪૮મી ઓવરમાં ઉમેશને અને પછી ૭૪મી ઓવરમાં ઝહીરને વિકેટ મળી હતી.

ગઈ કાલે મૅચના ચોથા દિવસે પણ ઇંગ્લૅન્ડના બીજા દાવમાં ભારતના બન્ને પેસબોલરોનું કાંઈ નહોતું ચાલ્યું. ઝહીર છેક ૪૫મી ઓવરમાં ૧૨૩ રનના ટોટલ પર નિક કૉમ્પ્ટનની વિકેટ લેવામાં સફળ થયો હતો. ૭૭મી ઓવર ઉમેશની હતી જેમાં ૧૯૯ રનના ટોટલ પર તેણે બે બૉલમાં બે વિકેટ (ઇયાન બેલ અને સમિત પટેલ)ની વિકેટ લીધી હતી, પરંતુ ત્યાર પછી બીજા ૧૪૧ રન સુધી બન્ને પેસબોલરો તો શું ભારતનો કોઈ પણ બોલર વિકેટ નહોતો લઈ શક્યો.

ગઈ કાલ સુધીમાં ભારતીય પેસબોલરો ઇંગ્લિશમેનો પર પ્રભાવ ન પાડી શક્યા એટલે આવનારા દિવસોમાં ટીમ ઇન્ડિયાનો સ્પિનરો પરનો મદાર વધી જશે. ભારતે બાકીની મૅચોમાં સ્પિન બોલરો પર આધાર રાખવો પડશે એનું સૌથી મોટું કારણ એ છે કે ઝહીર અને ઉમેશના વિકલ્પ તરીકે બીજા ખાસ કોઈ પેસબોલરો ઉપલબ્ધ છે જ નહીં.

ઇશાન્ત એક વર્ષથી ટેસ્ટ નથી રમ્યો

ઇશાન્ત શર્મા પહેલી બન્ને ટેસ્ટમૅચ માટેના ૧૫ ખેલાડીઓમાં છે, પરંતુ તેનામાં તાવની હજી થોડી અસર છે. તે પગની ઘૂંટી સહિતની કેટલીક ઈજાઓને કારણે છેલ્લા એક વર્ષથી ટેસ્ટમૅચ નથી રમ્યો.

બંગાળના અશોક ડિન્ડાને ગયા અઠવાડિયે ઇશાન્તના વિકલ્પ તરીકે અમદાવાદ બોલાવવામાં આવ્યો હતો, પરંતુ ઇલેવનમાં તેને સ્થાન નહોતું મળ્યું અને તેને ફરી રણજીમાં રમવા મોકલી દેવામાં આવ્યો છે. ડિન્ડા હજી સુધી એક પણ ટેસ્ટમૅચ નથી રમ્યો.

૯ બોલરો રમ્યા કુલ ૭૪ ટેસ્ટ


પ્રવીણકુમાર, વિનયકુમાર, અભિમન્યુ મિથુન, આર. પી. સિંહ, ઇરફાન પઠાણ, આશિષ નેહરા, શ્રીસાન્ત, મુનાફ પટેલ અને એક જ ટેસ્ટમૅચ રમેલા વરુણ ઍરોનના સમાવેશ સહિતના નવ પેસબોલરો કુલ મળીને ૭૪ ટેસ્ટમૅચ રમ્યા છે, પરંતુ તેમનામાંથી એક પણ બોલર ગઈ કાલ સુધી ટીમ ઇન્ડિયા માટે પૂરતી ફિટનેસ નહોતો ધરાવતો. ૨૩ નવેમ્બરે મુંબઈમાં ભારતની ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટમૅચ શરૂ થશે અને એમાં જો આ નવ બોલરોમાંથી કોઈની જરૂર પડશે તો તેમનામાંથી કોઈ ઉપલબ્ધ રહેશે નહીં. અત્યારે આ નવ બોલરો ત્રીજી રણજી મૅચમાં નથી રમી શક્યા.

પ્રવીણની ઈજાઓની પરંપરા

પ્રવીણકુમાર છેલ્લા બે વર્ષ દરમ્યાન પગની ઘૂંટી, કોણી અને પાંસળીની ઈજાનો શિકાર થયો છે. ઉત્તર પ્રદેશના આ પેસબોલરે શુક્રવારે પોતાના જ રાજ્ય મેરઠના ડ્રેસિંગ-રૂમમાં બેસીને ઉત્તર પ્રદેશની ટીમના સાથીઓને પ્રૅક્ટિસ જોવી પડી હતી. તેને ગયા અઠવાડિયે પૂરી થયેલી બીજી રણજી મૅચમાં કોણીમાં ઈજા થઈ હતી. જોકે તે અને તેના રાજ્યનો આર. પી. સિંહ બરોડા સામેની આગામી મૅચમાં રમવાની આશા રાખે છે.

પેસબોલર અશોક ડિન્ડાના વર્તનથી ક્રિકેટ બોર્ડ ખફા

બેન્ગાલના પેસબોલર અશોક ડિન્ડાએ ગયા અઠવાડિયે સમયસર અમદાવાદ ન પહોંચીને ભારતીય ટીમ-મૅનેજમેન્ટને નારાજ કર્યું હતું અને ક્રિકેટ બોર્ડનો ક્રોધ વહોરી લેવો પડ્યો હતો.

ડિન્ડા સોમવારે ચંડીગઢમાં પંજાબ સામેની રણજી મૅચ રમીને બીજા દિવસે (મંગળવારે) બપોરે ત્યાંથી રવાના થઈને દિલ્હી પહોંચ્યો હતો અને ત્યાંથી કલકત્તા માટેની ફ્લાઇટની રાહ જોઈ રહ્યો હતો. જોકે ત્યારે તેને સિલેક્ટરોનો કૉલ આવ્યો હતો જેમણે તેને ઇશાન્ત શર્મા તાવની બીમારીથી પીડાતો હોવાથી ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમૅચ માટે તેનો વિકલ્પ બનવા તાબડતોબ અમદાવાદ પહોંચી જવા કહ્યું હતું.

સિલેક્ટરની આજ્ઞાને અવગણી

ડિન્ડા એ દિવસે બપોરે કે સાંજે કે રાત્રે દિલ્હીથી અમદાવાદની ફ્લાઇટ પકડવાને બદલે બપોરે કલકત્તા ગયો હતો. ક્રિકેટ બોર્ડની મદદથી દિલ્હીથી અમદાવાદ જવા માટેની ફ્લાઇટની ટિકિટ પણ તેને તરત મળી ગઈ હોત, પરંતુ તેણે સિલેક્ટરની આજ્ઞા અવગણીને કલકત્તા જવાનું પસંદ કર્યું હતું. તેને મંગળવારે બપોરે સિલેક્ટરનો કૉલ આવ્યો ત્યારથી માંડીને રાત્રે ૮.૩૦ સુધીમાં દિલ્હીથી અમદાવાદ જવા માટેની સાત ફ્લાઇટ હતી, પરંતુ એના બદલે ડિન્ડા કલકત્તા પાછો ગયો હતો.

લાંબી સફરવાળી ફ્લાઇટ પસંદ કરી

ડિન્ડા બીજા દિવસે (બુધવારે) કલકત્તાથી સવારે ૭.૨૫ વાગ્યાની સીધી અમદાવાદ પહોંચતી ફ્લાઇટ પકડવાને બદલે સવારે ૧૧.૦૦ વાગ્યાની જયપુર થઈને અમદાવાદ પહોંચતી ફ્લાઇટમાં રવાના થયો હતો. તે બુધવારે બપોરે અમદાવાદ પહોંચ્યો એ પહેલાં ભારતીય ટીમે બીજા દિવસે એટલે ગુરુવારે શરૂ થનારી ટેસ્ટમૅચ માટેની પ્રૅક્ટિસ પૂરી કરી લીધી હતી.

ગુરુવારે ટેસ્ટમૅચની ઇલેવનમાં માત્ર ઝહીર ખાન અને ઉમેશ યાદવનો સમાવેશ થયો હોવાથી ટીમ-મૅનેજમેન્ટે ડિન્ડાને રણજીમાં રમવા કલકત્તા પાછો જતો રહેવા કહ્યું હતું.

કયા પેસબોલરને કઈ ઈજા?


પ્રવીણકુમાર (૨૬ વર્ષ) : કોણીમાં દુખાવો

વિનયકુમાર (૨૮ વર્ષ) : પગના સ્નાયુઓ ખેંચાઈ ગયા

અભિમન્યુ મિથુન (૨૩ વર્ષ) : પીઠમાં દુખાવો

આર. પી. સિંહ (૨૬ વર્ષ) : ઘૂંટણમાં ઈજા

આશિષ નેહરા (૩૩ વર્ષ) : પગમાં દુખાવો

ઇરફાન પઠાણ (૨૮ વર્ષ) : ઘૂંટણમાં ઈજા

શ્રીસાન્ત (૨૯ વર્ષ) : પગના અંગૂઠામાં ઈજા

મુનાફ પટેલ  (૨૯ વર્ષ) : ઘૂંટણમાં ઈજા

વરુણ ઍરોન (૨૩ વર્ષ) : પીઠમાં દુખાવો

નોંધ : ઇશાન્ત શર્મા ઇંગ્લૅન્ડ સામેની પહેલી બે ટેસ્ટમૅચ માટેની ટીમમાં છે અને તેની તબિયતમાં સુધારો છે.

કયા પેસબોલરો ઉપલબ્ધ?

અશોક ડિન્ડા : રણજીમાં બેન્ગાલની ટીમમાં

ભુવનેશ્વરકુમાર : રણજીમાં ઉત્તર પ્રદેશની ટીમમાં

જયદેવ ઉનડકટ : રણજીમાં સૌરાષ્ટ્રની ટીમમાં

સિદ્ધાર્થ ત્રિવેદી : રણજીમાં સૌરાષ્ટ્રની ટીમમાં

નોંધ : (૧) બેન્ગાલની ટીમના અશોક ડિન્ડાએ શનિવારે કલકત્તામાં ગુજરાત સામેની રણજી મૅચમાં ૭૩ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. (૨) ઉત્તર પ્રદેશના ભુવનેશ્વરકુમારે ગઈ કાલે મેરઠની રણજી મૅચમાં ૩૬ રનમાં કર્ણાટકની પાંચ વિકેટ લીધી હતી. (૩) ગઈ કાલે ઉનડકટને હૈદરાબાદ સામેની મૅચમાં ૧૮ રનમાં એક પણ વિકેટ નહોતી મળી. (૪) સિદ્ધાર્થ ફૉર્મમાં નથી. ગયા અઠવાડિયે સૌરાષ્ટ્ર સામેની રણજી મૅચમાં ૪૪ રનમાં એક વિકેટ લઈ શક્યો હતો અને હવે હૈદરાબાદ સામે ચાલતી મૅચમાં તેને નથી લેવામાં આવ્યો.