F1 ટ્રૅક પર ઘૂસી જનાર ભારતીય મૂળના પ્રવીણ ઢોકિયાની ધરપકડ

23 September, 2015 05:33 AM IST  | 

F1 ટ્રૅક પર ઘૂસી જનાર ભારતીય મૂળના પ્રવીણ ઢોકિયાની ધરપકડ



સિંગાપોર ગ્રાં પ્રિ દરમ્યાન મરીના બે સ્ટ્રીટ સર્કિટમાં કાર-રેસ માટે ઉપયોગમાં લેવામાં આવતા ર્મ્યુ-વન (F1) રેસ-ટ્રૅક પર ચાલવાના આરોપમાં ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક પ્રવીણ ઢોકિયા પર ગઈ કાલે અદાલતમાં ડ્રાઇવરોના જીવને જોખમમાં નાખનારું અવિવેકી કામ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ૨૭ વર્ષનો પ્રવીણ ઢોકિયા રવિવારે સિંગાપોર ગ્રાં પ્રિ દરમ્યાન ટ્રૅક પર ચાલી રહ્યો હતો. તેની જામીન માટેની રકમ ૧૫,૦૦૦ ડૉલર અંદાજે ૯.૮૪ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે અને તેનો પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યો છે. 


જામીનની રકમ વિશે પ્રવીણે જજને કહ્યું હતું કે ‘૧૫,૦૦૦ ડૉલર મારા માટે બહુ મોટી રકમ છે. હું અત્યારે બેરોજગાર છું. મેં મારી તમામ બચત ટિકિટ પર ખર્ચ કરી નાખી હતી.’


જજે તેની અજ્ઞાત વ્યક્તિને ફોન કરવાની વિનંતી માન્ય રાખી હતી. આ રેસમાં બીજા ક્રમાંકે આવેલા રેડ બુલ ટીમના ડ્રાઇવરે કહ્યું હતું કે તેના આ રીતે ટ્રૅક પર ધસી આવવાને કારણે પરિણામ પર અસર પહોંચી હતી. સમગ્ર સુનાવણી છ ઑક્ટોબર સુધી મોકૂફ રાખવામાં આવી છે. આરોપી પર ત્યારે વધુ આરોપ મુકાઈ શકે છે.