ભારતીય હૉકી ટીમનું તેરમા દિવસે બારમું

12 August, 2012 08:53 AM IST  | 

ભારતીય હૉકી ટીમનું તેરમા દિવસે બારમું

 

 

 

લંડન ઑલિમ્પિક્સમાં ભારતીય હૉકી ટીમ ગઈ કાલે સતત છઠ્ઠી અને છેલ્લી મૅચ હારી જતાં બાર ટીમોની સ્પર્ધામાં છેક છેલ્લા સ્થાને રહી હતી. સતત છ વાર અને કુલ આઠ વખત ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા ભારતીય હૉકી ટીમનો ઑલિમ્પિક્સના ઇતિહાસમાં આ સૌથી ખરાબ પફોર્ર્મન્સ છે.

 

ગઈ કાલે અગિયારમા અને બારમા સ્થાન માટેની મૅચમાં સાઉથ આફ્રિકા સામે ભારતની ૨-૩થી હાર થઈ હતી. હૉકી ટુર્નામેન્ટનો ગઈ કાલે તેરમો દિવસ હતો. આ નામોશી સાથે ટીમના કેટલાક પ્લેયરોની તેમ જ કોચ માઇકલ નૉબ્સની હકાલપટ્ટીની ઘડીઓ ગણાવા લાગી છે. દેશમાં રાષ્ટ્રીય રમત હૉકીનું શાસન સંભાળતી હૉકી ઇન્ડિયાએ આ નાલેશી કયા કારણોસર થઈ એની તપાસ શરૂ કરી છે. ભૂતપૂર્વ પ્લેયરોએ ગોલકીપર ભરત છેત્રીના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમની આકરી ટીકા કરી હતી.

 

૨૦૦૮ની બીજિંગ ઑલિમ્પિક્સમાં ભારતીય ટીમ ક્વૉલિફાય નહોતી થઈ શકી. એ ઑલિમ્પિક્સને બાદ કરતા ભારત અગાઉ વધુમાં વધુ આઠમા નંબરે રહ્યું હતું, પરંતુ આ વખતનો બારમા સ્થાનવાળો પફોર્ર્મન્સ સૌથી ખરાબ છે.

 

 

કોણે કેવા શબ્દોમાં ઝાટકણી કાઢી?

 

ભરત છેત્રી (કૅપ્ટન, ભારતીય ટીમ) : અમે ઑલિમ્પિક્સ જેવી સૌથી મોટી સ્પર્ધામાં રમવાને લાયક જ નહોતા. અમને એમ કે અમારી ટીમ પડકારરૂપ છે અને સારું પફોર્ર્મ કરીશું, પરંતુ અમે કરોડો ભારતવાસીઓની અપેક્ષાઓ પૂરી કરવામાં સદંતર નિષ્ફળ ગયા.

 

અજિત પાલ સિંહ (૧૯૭૫ વલ્ર્ડ કપના વિજેતાકૅપ્ટન) : ભારતીય ટીમના કેટલાક પ્લેયરો ઇતિહાસમાં ઑલિમ્પિયન તરીકે પોતાનું નામ લખાઈ જાય એમાં જ માત્ર ખુશ હતા એવું મને લાગી રહ્યું છે.

 

મોહમ્મદ રિયાઝ (ભૂતપૂર્વ પ્લેયર અને હૉકી ટીમનો અસિસ્ટન્ટ કોચ) : ભારતીય ટીમે પોતે જ એક પછી એક મૅચ હારીને પોતાના પર પ્રેશર વધાર્યું હતું. પ્લેયરો મનોબળ જ ગુમાવી બેઠા હતા. કેટલાક સિનિયર પ્લેયરોને ટીમમાંથી કાઢી મૂકવા જોઈએ.

 

અશોક કુમાર (ભારતીય હૉકી લેજન્ડ ધ્યાન ચંદના પુત્ર અને ભૂતપૂર્વ પ્લેયર) : આપણા દેશના યુવાનોમાં ભાગ્યે જ કોઈને હૉકીનો ક્રેઝ છે. આવું હોય તો ટીમને સારા પ્લેયરો ક્યાંથી મળે. નૅશનલ ટુર્નામેન્ટો વારંવાર રમાય તો ટીમ સ્ટ્રૉન્ગ બને, પણ એવી સ્પર્ધાઓ જોવા જ નથી મળતી. સૌથી પહેલાં આપણે ગ્રાસરૂટ લેવલ પર ધ્યાન આપવાની જરૂર છે.

 

ગુરબક્ષ સિંહ (ભૂતપૂર્વ કૅપ્ટન અને ગોલ્ડ-મેડલિસ્ટ ઑલિમ્પિયન): આપણી ટીમનું ડિફેન્સ જ સાવ નબળું હતું. આવી ટીમ પાસે શું અપેક્ષા રાખી શકાય. મને છઠ્ઠા કે આઠમા નંબરની આશા હતી, પણ બારમું સ્થાન તો બહુ ખરાબ કહેવાય. એકમાત્ર સરદાર સિંહ સારું રમ્યો. જોકે મને લાગે છે કે આપણે હતાશ ન થયું જોઈએ અને છથી આઠ વર્ષમાં ફરી ટૉપ-ફાઇવ દેશોમાં આવવાનો ટાર્ગેટ રાખીને જુનિયર લેવલમાંથી સારા પ્લેયરો શોધી કાઢવા જોઈએ.

 

મર્વીન ફર્નાન્ડીઝ (ભૂતપૂર્વ ઑલિમ્પિયન) : આપણી ટીમ ૧૯૮૪ની ઑલિમ્પિક્સમાં પાંચમા નંબરે અને ૧૯૮૮માં છઠ્ઠા નંબરે આવી હતી અને એ બન્ને ટીમમાં હું હતો. મેં ખરાબ સમય જોયો છે એટલે હું આ વખતની ટીમના માત્ર પ્લેયરોને જવાબદાર નથી ગણતો. જર્મની, નેધરલૅન્ડ્સ અને ઑસ્ટ્રેલિયા જેવી ટીમો સાથે રેગ્યુલરલી ન રમીએ તો એમની સામે જીતવું શક્ય જ નથી. દેશના બન્ને હૉકી અસોસિએશનો વચ્ચે સમાધાન થવાની પણ ખાસ જરૂર છે.

 

ધનરાજ પિલ્લે (ભૂતપૂર્વ કૅપ્ટન): ભારતે કેટલાક સિનિયર પ્લેયરોને ઑલિમ્પિક્સમાં ન મોકલ્યા એનું જ આ પરિણામ છે. અમુક અનુભવી ખેલાડીઓની અવગણનાની આકરી કિંમત ભારતીય ટીમે ચૂકવવી પડી છે.

 

નરેન્દર બત્રા (ભારતીય હૉકીનું સંચાલન કરતી હૉકી ઇન્ડિયાના જનરલ સેક્રેટરી) : હૉકીના સંચાલકોમાં હું સવોર્ચ્ચ છું એટલે ભારતીય હૉકી ટીમના પતનની બધી નૈતિક જવાબદારી સ્વીકારું છું. આખી ટીમ વતી હું દેશની માફી માગું છું. અમે ટીમના આ પતન બદલ તપાસનો આદેશ આપી દીધો છે. ટીમના કોચ, મૅનેજર અને ફિઝિયોથેરપિસ્ટ ૧૦ દિવસમાં અમને તેમના રિપોર્ટ્સ મોકલશે અને એ વાંચ્યા પછી અમે કોની સામે શું પગલાં લેવા એ નક્કી કરીશું.